ધંધાદારી ગરબા આયોજકોએ કોરોનામાં મંજૂરી આપવા કમલમ્ ઉપર દબાણ કર્યું

ધંધાદારી ગરબા આયોજકોએ કોરોનામાં મંજૂરી આપવા કમલમ્ ઉપર દબાણ કર્યું

। ગાંધીનગર ।

પ્રાઈવેટ પ્લોટમાં ધંધાદારી ગરબા આયોજકોને કોરોના મહામારી વચ્ચે માનવજાત કરતા વકરાની વધુ પડી હોય તેમ હવે તેમણે ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે નવરાત્રિની મંજૂરી આપવા દબાણ શરૂ કર્યું છે. અમદાવાદ, રાજકોટમાં પ્રાઈવેટ નવરાત્રિ યોજતા આયોજકોનું ટોળું મંગળવારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલને ને મળવા પહોંચ્યું હતું. જો કે, આયોજકો, ઈવેન્ટ કંપનીઓના માલિકોને પોતાની આવી પેરાવીથી ટીકાને પાત્ર થતા કાર્યલાયમાં કાગળ આપી ચાલી નીકળ્યું પડયું હતું.

ગુજરાતમાં રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે, સરકારે શ્રાવણના મેળાઓ સ્થગિત રાખ્યા બાદ હાલમાં નવરાત્રિમાં માતાજીને આમંત્રણ આપવા માટે આદિકાળથી ચાલી આવતી ભાદરવી પૂનમ પદયાત્રા મહોત્સવ ઈતિહાસમાં પહેલીવાર પણ બંધ છે ત્યારે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં નાગરિકોના સ્વાસ્થ્ય કરતા જાણે ધંધો જ મોટો હોય તેમ પ્રાઈવેટ ગરબા આયોજકોએ હવે ભાજપ ઉપર દબાણ વધાર્યું છે. આજે પણ સામાન્ય નાગરીકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નથી, માસ્ક પહેરતા નથી. આ સ્થિતિમાં કોરોનાનો વધુ ફેલાવો થાય તેમ પ્રાઈવેટ પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનને નામે ધંધો રળી લેવા આયોજકો નાગરિકોના જીવ માથે જોખમ ઉભી કરતી રજૂઆતો કરે તે કેટલે અંશે વ્યાજબી છે ? શ્રાવણના મેળા- શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ પર પ્રતિબંધની સાથે જ મુખ્યમંત્રીએ નવરાત્રિ ભૂલી જજો એમ સ્પષ્ટ કર્યું હતુ. ત્યાં દાળ ન ગળી એટલે આયજકોએ ભાજપ ઉપર દબાણ વધારતા તેઓ ટીકાને પાત્ર બન્યા છે.

કમલમમાં મોટાભાગે બદલીની અને ભરતી માટે રજૂઆતો

મંગળવારે શ્રી કમલમ્ આવેલા પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર સમક્ષ મોટાભાગના કાર્યકરો બદલીઓની કામો લઈને આવ્યા હતા. હથિયારધારી પોલીસના બંદોબસ્ત વચ્ચે બીજા પ્રદેશ ભાજપ કાર્યાલયે ભીડ વધતા ચારેય બાજુ બેરિકેટસ મુકી દેવાયા છે. મંત્રીને મળવા જનારા કાર્યકરને પણ તેની ઓળખ, મુલાકાતનું કારણ પુછીને કાર્યાલયમાં જવા દેવાયા હતા.