દેશમાં 24 કલાકમાં 89706 કોરોનાના સકંજામાં, 1115 દર્દીએ જીવ ગુમાવ્યા

દેશમાં 24 કલાકમાં 89706 કોરોનાના સકંજામાં, 1115 દર્દીએ જીવ ગુમાવ્યા

। નવી દિલ્હી ।

કોરોના સંક્રમણના કેસમાં કૂદકે અને ભૂસકે વધારો થઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર બુધવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા  ૨૪ કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના વધુ ૮૯,૭૦૬ કેસ નોંધાતાં કુલ સંક્રમિતોની સંખ્યા ૪૩ લાખને પાર કરી ૪૩,૭૦,૧૨૮ ઉપર પહોંચી હતી. કોરોના મહામારીમાં જીવ ગુમાવનારાની સંખ્યા પણ દિનપ્રતિદિન વધી રહી છે.

૨૪ કલાકમાં ૧,૧૧૫ દર્દીઓએ કોરોના મહામારી સામે હથિયાર હેઠાં મૂકી દેતાં કુલ મૃતાંક ૭૩ હજારને પાર કરી ૭૩,૮૯૦ થયો હતો. ભારતીયો કોરોના મહામારીને જોરદાર ટક્કર પણ આપી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૭૩,૮૯૦ દર્દીએ કોરોનાને માત આપતાં રિકવરી રેટ વધીને ૭૭.૭૭ ટકા પર પહોંચ્યો હતો.

આ સાથે કોરોનાને પરાજિત કરનારા સંક્રમિતોની સંખ્યા ૩૩,૯૮,૮૪૪ ઉપર પહોંચી હતી. તેથી હવે દેશમાં ૮,૯૭,૩૯૪ દર્દી હાલ ઘરોમાં કે હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આઇસીએમઆરના જણાવ્યા અનુસાર મંગળવારે દેશમાં ૧૧,૫૪,૫૪૯ સેમ્પલના ટેસ્ટ કરાયાં હતાં. સરકારે ત્યાર સુધીમાં ૫,૧૮,૦૪,૬૭૭ સેમ્પલના ટેસ્ટ કર્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કુલ એક્ટિવ કેસ પૈકીના ૬૧ ટકા કેસ દેશનાં પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને તામિલનાડુમાં છે.