દેશમાં રવિવારે જનતા કરફ્યૂ

દેશમાં રવિવારે જનતા કરફ્યૂ

। નવી દિલ્હી ।

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશજોગ સંબોધન કરતાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં પ્રસરેલી કોરોના મહામારીને માનવ જાત પરનું સૌથી મોટું સંકટ છે. દેશની ૧૩૦ કરોડની જનતાએ મેં જે માગ્યું તે આપીને મને ક્યારેય નિરાશ કર્યો નથી તેથી આજે હું દેશની જનતા પાસે થોડા સપ્તાહનો સમય માગી રહ્યો છું. વિશ્વના સંખ્યાબંધ દેશોમાં કોરોના મહામારીનો વિસ્ફોટ થયો છે, બીમારીના ઉપચાર માટે રસી કે દવા ઉપલબ્ધ નથી ત્યારે ચિંતા થવી આવશ્યક છે. સરકાર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. કેટલાક દેશોએ લોકોને આઇસોલેટ કરીને સ્થિતિ સંભાળી છે. ભારતની ૧૩૦ કરોડની જનતા કોરોના મહામારી એક મોટો પડકાર છે. આ પડકાર ઝીલવો સહેલી વાત નથી અને તેમાં દરેક નાગરિકના સહયોગની જરૂર છે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે, આગામી પડકારોની આદત પાડવા માટે ૨૨ માર્ચના રવિવારના રોજ દેશની જનતા સવારના ૭ કલાકથી રાતના ૯ કલાક સુધી જનતા કરફ્યૂનું પાલન કરે. આ ભારતની જનતાની કસોટી છે. ઇમર્જન્સી સેવાઓ સાથે સંકળાયેલા લોકો સિવાય કોઇ નાગરિક ઘરની બહાર ન નીકળે. અત્યંત જરૂરી હોય તેવા કિસ્સામાં જ બહાર જવાનો પ્રયાસ કરે. આ એક દિવસનો જનતા કરફ્યૂ જનતાને દેશ સામે આવી રહેલા આગામી પડકારો માટે તૈયાર કરશે. તે માટે તમામ સંગઠનો લોકોને સંદેશ પહોંચાડે. દરેક નાગરિક ૧૦ વ્યક્તિને ફોન કરીને જનતા કરફ્યૂ માટે તૈયાર કરે. આ કરફ્યૂ ભારત માટે એક કસોટી છે. આ ઉપરાંત ૨૨ માર્ચે જનતા કોરોના મહામારી સામે જંગ લડી રહેલા તમામ લોકોનો આભાર માને. આ માટે આપણે સાંજે પાંચ કલાકે ઘરના દરવાજે, બાલ્કની કે બારી પાસે ઊભા રહી તાળી વગાડી, થાળી વગાડી, ઘંટડી વગાડીને રાષ્ટ્રની સેવામાં જોડાયેલા લોકોનો આભાર માનીએ. વડા પ્રધાને જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને રાજ્ય સરકારો જનતા કરફ્યૂનું પાલન કરાવે. સાંજે પાંચ કલાકે સાયરન વગાડીને લોકોને આભાર માનવા માટે જાગૃત કરે.

ઇકોનોમિક ટાસ્ક ફોર્સની રચના

વડા પ્રધાને જણાવ્યું કે, કોરોના વાઇરસની અર્થતંત્ર પર ગંભીર અસર પડી છે. સરકારે પડકારોનો સામનો કરવા માટે કોવિડ-૧૯ ઇકોનોમિક ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સ દેશમાં સ્થિતિની સમીક્ષા કરીને નિર્ણયો લેશે અને તેનો અમલ કરાવવાની જવાબદારી પણ ટાસ્ક ફોર્સ પર રહેશે. પીએમ મોદીએ નાગરિકોને હોસ્પિટલો અને ડોક્ટરો પર દબાણ ન સર્જવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, અત્યંત જરૂરી હોય તો તમારા ફેમિલી ડોક્ટર, પરિવારના ડોક્ટર સભ્યની સલાહ લેજો.

પેનિક બાયિંગથી દૂર રહેવા ઁસ્ની જનતાને અપીલ

વડાપ્રધાને જણાવ્યું હતું કે, દેશમાં ચીજવસ્તુઓની કોઇ અછત ઊભી ન થાય તે માટે સરકાર પગલાં લઇ રહી છે. જીવનજરૂરી વસ્તુઓની દેશમાં અછત સર્જાશે નહીં અને પૂરવઠો અવિરત જારી રહેશે તેથી પેનિક બાયિંગ કરી સંગ્રહાખોરી કરશો નહીં.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કારણે ગરીબ અને મધ્યમવર્ગના આર્થિક હિતો જોખમાયા છે. તેથી વેપારી અને અમીર વર્ગ ગરીબ અને મધ્યમવર્ગના આર્થિક હિતોનું ધ્યાન રાખે. જો તમારો કર્મચારી રજા પાડે તો તેનો પગાર ન કાપશો જેથી તે કોરોના મહામારી સામે પોતાનું અને પોતાના પરિવારનું નિશ્ચિંત થઇ રક્ષણ કરી શકે.

જનતા સંકલ્પ કરીને સંયમ રાખે : વડા પ્રધાન

  • નાગરિકના કર્તવ્યનું પાલન કરીને સરકારી આદેશોનું પાલન કરીશું
  • જાતે સ્વસ્થ રહેવું જરૂરી, હમ સ્વસ્થ તો જગ સ્વસ્થ
  • ભીડથી બચો, મોટી સંખ્યામાં એકઠાં ન મળો, ઘરોમાં જ રહો
  • સોશિયલ ડિસ્ટન્સિંગ અત્યંત મહત્ત્વનું , કામ સિવાય ઘરની બહાર ન નીકળો
  • બચી જઇશું એમ માનવું પોતાની અને પરિવાર સાથે અન્યાય
  • સંભવિત હોય ત્યાં સુધી ઘેરથી જ કામ કરો, સિનિયર સિટિઝનને ઘરમાં જ રાખો