દેશમાં ક્યાંય પણ ભાજપ જીતવો ન જોઇએ, વિપક્ષ એક થાય : મમતા

દેશમાં ક્યાંય પણ ભાજપ જીતવો ન જોઇએ, વિપક્ષ એક થાય : મમતા

મમતાએ સીએએ, એનઆરસીના વિરોધમાં પાંચ કિમી લાંબી રેલી કાઢી

ભાજપની સરકાર કાયદેસરના નાગરિકો પાસેથી પણ નાગરિકતા છીનવવા માગે છે જે હું નહીં થવા દઉ

કોલકાતા, તા. 30 ડિસેમ્બર, 2019, સોમવાર

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ લોકોને અને વિપક્ષ તેમજ સિવિલ સોસાયટીને વિનંતી કરી હતી કે તેઓ ભાજપના વિરોધમાં હાથ મિલાવે. સીએએ અને એનઆરસીના વિરોધણાં મમતાએ પુરૂલિયામાં એક વિશાળ રેલી યોજી હતી.

જે દરમિયાન તેમણે કહ્યું હતું કે હું આ દેશના દરેક નાગરિક, વિપક્ષ, સંસ્થાઓ, સિવિલ સોસાયટી દરેક વર્ગને વિનંતી કરૂ છું કે તેઓ ભાજપને હરાવવા માટે હાથ મિલાવે અને એક થઇ જાય સાથે જ જ્યાં પણ શક્ય હોય ત્યાં ભાજપને હરાવવામાં એકબીજાને મદદ કરે. 

સાથે નાગરિકતા કાયદો, એનઆરસી અને જામિયા તેમજ અન્ય યુનિ.માં વિદ્યાર્થીઓ પર જે અત્યાચાર થયો તેના વિરોધમાં પશ્ચિમ બંગાળ અને દેશભરમાં જે વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમને મમતા બેનરજીએ ટેકો આપ્યો હતો. 

તેમણે સાથે મતદારોને વિનંતી કરી હતી કે તમારૂ નામ મતદાન યાદીમાં છે કે નહીં તેની ચકાસણી ચોક્કસ કરી લેવી, અમે એક પણ નાગરિકને આ દેશમાંથી કાઢવા નહીં દઈએ એ અમારૂ વચન છે. 

મમતાએ આરોપ લગાવ્યો હતો કે જે પણ લોકો સીએએ અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે તેમને દેશ વિરોધી બતાવવામાં આવી રહ્યા છે જે યોગ્ય નથી. જે લોકો દેશના કાયદેસર નાગરિક છે તેમની નાગરિકતા કેન્દ્ર સરકાર છીનવી લેવા માગે છે. 

સાથે મમતાએ એવી પણ જાહેરાત કરી હતી કે અમે પશ્ચિમ બંગાળમાં એનપીઆર (નેશનલ પોપ્યૂલેશન રજિસ્ટર) લાગુ નહીં થવા દઇએ. મમતા બેનરજીએ પાંચ કિમી લાંબી એક વિશાળ રેલી યોજી હતી અને સીએએ, એનઆરસી અને હવે એનપીએનો પણ વિરોધ કર્યો હતો સાથે વિપક્ષને એક થવાની અપીલ કરી હતી. 

મમતાએ સાથે એવી પણ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર સીએએ અને એનઆરસી પરત નહીં લે ત્યાં સુધી મારો વિરોધ પ્રદર્શન જારી રહેશે, જ્યાં સુધી હું જીવીત છું ત્યાં સુધી આ સીએએને હું પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં થવા દઉ. તૃણમુલ કોંગ્રેસ, ડાબેપી પક્ષો અને કોંગ્રેસ એમ દરેક વિરોધી પક્ષોએ પશ્ચિમ બંગાળમાં વિવિધ શહેરો અને જિલ્લાઓમાં રેલીઓ કાઢી સીએએ, એનઆરસી અને એનપીએનો વિરોધ કર્યો હતો.