દુનિયામાં સૌથી ખરાબ ટ્રાફિક બેંગ્લુરુનો, અહીં લોકોએ વર્ષના 243 કલાક જામમાં જ વિતાવ્યા, ટોપ-10માં મુંબઈ, પૂણે અને દિલ્હી

દુનિયામાં સૌથી ખરાબ ટ્રાફિક બેંગ્લુરુનો, અહીં લોકોએ વર્ષના 243 કલાક જામમાં જ વિતાવ્યા, ટોપ-10માં મુંબઈ, પૂણે અને દિલ્હી

  • નેધરલેન્ડની નેવિગેશન કંપની ટોમ ટોમે 57 દેશના 416 શહેરનો ટ્રાફિક રિપોર્ટ જારી કર્યો.
  • બેંગ્લુરુમાં 30 મિનિટના પ્રવાસમાં સરેરાશ 71% વધુ સમય લાગે છે.

મુકેશ કૌશિક, નવી દિલ્હી: ટ્રાફિકના મામલામાં ભારતનું બેંગ્લુરુ શહેર દુનિયાનું સૌથી ખરાબ શહેર છે. 2019માં અહીં પ્રવાસ દરમિયાન લોકોએ એક વર્ષમાં આશરે 243 કલાક ટ્રાફિક જામમાં જ વીતાવી દીધા. અહીં 30 મિનિટની સફરમાં બીજા સ્થળો કરતા આશરે 71% વધુ સમય લાગે છે. એટલું જ નહીં, ખરાબ ટ્રાફિક ધરાવતા દુનિયાના ટોચના દેશોમાં મુંબઈ, પૂણે અને દિલ્હી પણ સામેલ છે. નેધરલેન્ડની નેવિગેશન કંપની ટોમ ટોમે જાહેર કરેલા વાર્ષિક ટ્રાફિક ઈન્ડેક્સમાં આ વાત સામે આવી છે. તેમાં મુંબઈ ચોથા, પૂણે પાંચમા અને દિલ્હી આઠમા ક્રમના સૌથી ખરાબ ટ્રાફિક ધરાવતા શહેર છે. ફિલિપાઈન્સનું મનીલા, કોલંબિયાનું બોગોટા, રશિયાનું મોસ્કો, પેરુનું લીમા, તૂર્કીનું ઈસ્તંબુલ અને ઈન્ડોનેશિયાનું જાકાર્તા પણ ટોપ-10માં સામેલ છે. આ રિપોર્ટ પ્રમાણે, લોકો પોતાની જિંદગીના સરેરાશ 193 કલાક એટલે કે સાત દિવસ અને 22 કલાક ટ્રાફિકમાં વીતાવે છે.
દુનિયામાં વાર્ષિક 7 દિવસ, 22 કલાક ટ્રાફિકમાં બરબાદ થાય છે
બેંગ્લુરુ:
 પિક અવર્સ દરમિયાન બેંગ્લુરુમાં વાહન ચાલકો વર્ષે સરેરાશ 243 કલાક એટલે કે 10 દિવસ, 3 કલાક ટ્રાફિકમાં ફસાયેલા રહે છે. અહીં સૌથી વધુ 103% જામ 20 ઓગસ્ટ, 2019ના રોજ હતો.
મુંબઈ: પિક અવર્સમાં મુંબઈમાં લોકો સરેરાશ 209 કલાક એટલે કે 8 દિવસ, 17 કલાક ટ્રાફિકમાં વીતાવે છે. સૌથી વધુ 101% ભીડ 9 સપ્ટેમ્બર, 2019ના રોજ અને સૌથી ઓછી 19% ભીડ 21 માર્ચ, 2019ના રોજ હતી.
પૂણે: પૂણેમાં વાહન ચાલક પિક અવર્સમાં વાર્ષિક સરેરાશ 193 કલાક એટલે કે 8 દિવસ, 1 કલાક ટ્રાફિકમાં વીતાવે છે. અહીં સૌથી વધુ 93% જામ 2 ઓગસ્ટ, 2019ના રોજ અને સૌથી ઓછો 30% જામ 27 ઓક્ટોબર, 2019ના રોજ નોંધાયો હતો.
ખરાબ ટ્રાફિક ધરાવતા ટોપ-10 શહેર

શહેરટ્રાફિક
બેંગ્લુરુ, ભારત71%
મનીલા, ફિલિપાઈન્સ71%
બોગોટા, કોલંબિયા68%
મુંબઈ, ભારત65%
પૂણે, ભારત59%
મોસ્કો, રશિયા59%
લીમા, પેરુ57%
નવી દિલ્હી, ભારત56%
ઈસ્તંબુલ, તૂર્કી55%
જાકાર્તા, ઈન્ડોનેશિયા53%