દુનિયાના સૌથી મોટા કોરોના કેર સેન્ટરથી રિપોર્ટ : એકપણ દર્દીનું મોત નહીં, ITBPએ આ કેવી રીતે શક્ય કર્યું

દુનિયાના સૌથી મોટા કોરોના કેર સેન્ટરથી રિપોર્ટ : એકપણ દર્દીનું મોત નહીં, ITBPએ આ કેવી રીતે શક્ય કર્યું

  • મેડિકલ સ્ટાફ ઘરે નથી જતા, ડો રીતાએ જણાવ્યું હતું, સૌથી મુશ્કેલ PPE કિટ પહેરીને દર્દીઓને જોવાનું અને તેમના ઘરના લોકોને એ સમજાવવાનું હોય છે કે અમે અહીં ઠીક છીએ
  • દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા રાધા સ્વામી સત્સંગ ન્યાસ તરફથી કરાઈ રહી છે, દિવસમાં ત્રણ વખત ઉકાળો, બે વખત ચા, ગરમ પાણી અને જમવાનું મફત આપે છે.

મોટું એરકન્ડિશનર ટીન શેડ, લાઈનમાં લાગેલી હજારો બેડ, એની પર આરામ કરી રહેલા કોરોના સંક્રમિતો. જ્યાં સુધી નજર જાય છે બસ દર્દી જ દર્દી જોવા મળે છે. મેડિકલ સ્ટાફ અને દર્દીઓ વચ્ચે ટ્રાન્સપેરન્ટ પ્લાસ્ટિક શીટ લાગેલી છે. જેની પાસે લાઈનમાં એવા લોકો ઊભેલા છે, જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, હવે આ લોકો ડિસ્ચાર્જ થવાના છે. વોર્ડની મુલાકાત લઈ રહેલા ડેપ્યુટી મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. પ્રશાંત મિશ્રાને ડિસ્ચાર્જ થઈ રહેલો એક દર્દી કહે છે, શું હું કેબ બોલાવીને ઘરે જતો રહું?, ડો. મિશ્રા તેને સમજાવે છે કે અહીં બધું એક વ્યવસ્થા પ્રમાણે થઈ રહ્યું છે. તમને સુરક્ષિત ઘરે પહોંચાડવા અમારી જવાબદારી છે. તમારા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એ તમને ઘરે પહોંચાડશે. દિલ્હીના બહારના ભાગ છતરપુરમાં રાધા સ્વામી સત્સંગ ન્યાસના કેમ્પસમાં દુનિયાનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેની કમાન ભારતના અર્ધસૈનિક દળ ITBPના હાથમાં છે.

અહીં જરૂર પડ્યે દસ હજાર બેડ પણ લગાડી શકાય છે. હાલ બે હજાર બેડ પર સંક્રમિતોને દાખલ કરવામાં આવી રહ્યા છે. મહિલાઓ માટે અલગથી વોર્ડ બનાવાયો છે. અહીં પાંચ દિવસોથી દાખલ પૂજાએ જણાવ્યું હતું કે મને લાગી રહ્યું છે કે હું સારા વાતાવરણમાં છું અને સુરક્ષિત છું. અહીં અમને હોસ્પિટલથી પણ સારી સુવિધા આપવામાં આવી રહી છે. અહીં અમે એક ડિસિપ્લીનમાં રહ્યા છીએ. સમય પર જમવાનું મળી રહ્યું છે. સમય પર મેડિકલ સ્ટાફ ખબરઅંતર પૂછી રહ્યો છે.

દિલ્હીના બહારના ભાગ છતરપુરમાં રાધા સ્વામી સત્સંગ ન્યાસના કેમ્પસમાં દુનિયાનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે, જેની કમાન ITBPના હાથમાં છે.

પૂજાએ વધુમાં જણાવ્યું હતું કે અહીંની સૌથી સારી વાત છે ટીમનું વર્તન. તે અમારી સાથે સારી રીતે વાત કરે છે, કાઉન્સિલિંગ કરે છે અને દરેક શક્ય મદદ કરવાનો પ્રયાસ કરે છે. તેમનું અમારી સાથે સારું બોન્ડિંગ છે. પૂજા સાથે ઊભેલી સરિતા પણ તેમની હામાં હા ભરતાં કહે છે કે લાગતું જ નથી કે ઘરથી દૂર છીએ.

અહીં દાખલ લોકોના ચહેરા પર તણાવ કે ચિંતા જોવા મળી રહી નથી. મોટા ભાગના લોકો બેડ પર આરામ કરી રહ્યા છે. ઘણા લાઈબ્રેરીથી પુસ્તક લઈ રહ્યા છે. ઘણા ખુરસી પર બેઠા છે.

અહીં સૌથી વધુ ધ્યાન સંક્રમિતોના માનસિક સ્વાસ્થ્યનું રાખવામાં આવી રહ્યું છે. ઈન્સ્પેક્ટર સુમન યાદવ અને બ્રજેશ કુમાર એજ્યુકેશન એન્ડ સ્ટ્રેસ કાઉન્સલર છે. તેમની ટીમનું કામ દર્દીઓમાં તણાવ ઓછો કરવાનું છે. તેમણે જણાવ્યું હતું કે સવારે દર્દીઓને યોગ કરાવવામાં આવે છે, સાંજે મેડિટેશન કરાવવામાં આવે છે. દરેક દર્દીનું કાઉન્સલિંગ કરવામાં આવે છે. અમે દર્દીઓને એ અનુભવ કરાવીએ છીએ કે અમે તેમની સાથે છીએ.

તેઓ કહે છે, કોરોનાનું નામ સાંભળતાં જ લોકો ગભરાવા લાગે છે. સંક્રમણની ખબર પડતાંની સાથે જ તણાવમાં આવી જાય છે. અમે તેમને એ અનુભવ કરાવીએ છીએ કે તમે સુરક્ષિત જગ્યાએ છો અને તમને કંઈ જ નહીં થાય. અમે તેમને માનસિક રીતે મજબૂત કરીએ છીએ. અમે તેમની નાનામાં નાની વાતને સાંભળીએ છીએ. જ્યારે આખો સ્ટાફ તેમની સાથે ઊભો હોય છે તો લાગે છે કે અમે એકલા નથી.

ઈન્સ્પેક્ટર બ્રજેશ કહે છે, આ મહામારીનો સમય છે. ઘણા પડકારો પણ છે, પણ અમારી ટીમ તેમને સંભાળી લે છે. અમે ટીમ વર્ક કરીએ છીએ અને અધિકારીઓના આદેશનું પાલન કરીએ છીએ. ડો. રીતા મોગા મેડિકલ સ્પેશિયાલિસ્ટ છે. તેઓ એવા દર્દીઓનું ધ્યાન રાખે છે જે પહેલાંથી કોઈ અન્ય બીમારીથી પીડિત હોય. તેમણે જણાવ્યું હતું કે અહીં દર્દીઓ વધુ છે. ઘણી વખત તેમની સાથે વાત કરવામાં મુશ્કેલી પડે છે. દર્દીઓ સાથે કોઈ નથી હોતા. અમારે તેમની દરેક જરૂરિયાતનું પણ ધ્યાન રાખવાનું હોય છે. અમારે તેમની દરેક વાતમાં મદદ કરવાની હોય છે.

અહીં સવારે દર્દીઓને યોગ કરાવવામાં આવે છે, સાંજે મેડિટેશન કરાવવામાં આવે છે. દરેક દર્દીનું કાઉન્સલિંગ કરવામાં આવે છે.

ડો. રીતા કહે છે, વૃદ્ધો પર વધારે ધ્યાન આપવું પડે છે. તેમને માસ્ક પહેરવા માટે પણ સમજાવવા પડે છે. ડો. રીતા અને અહીં કામ કરતો અન્ય મેડિકલ સ્ટાફ ઘરે નથી જતાં. તેમના રહેવાની પણ વ્યવસ્થા બાજુમાં જ કરવામાં આવી છે. તેઓ કહે છે, સૌથી વધુ મુશ્કેલી તો પીપીઈ કિટ પહેરીને દર્દીઓને જોવાની અને તેમના ઘરના લોકોને એ સમજાવવામાં પડે છે કે અમે અહીં ઠીક છીએ.

ITBPના ફાર્માસિસ્ટ સુશીલ કુમારે જણાવ્યું હતું કે અહીં આવતા દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા રાધા સ્વામી સત્સંગ ન્યાસ તરફથી કરવામાં આવી રહી છે. દર્દીઓને દિવસમાં ત્રણ વખત ઉકાળો, બે વખત ચા, ગરમ પાણી અને ભોજન આપવામાં આવે છે.

અહીં જ્યારે દર્દી આવે છે તો તેમને એક મેડિકલ કિટ પણ આપવામાં આવે છે જેમાં બાકીની જરૂરી ચીજો સિવાય ચ્યવનપ્રાસ પણ હોય છે. સુશીલે જણાવ્યું હતું કે બાળકો અને ઘણા વિશેષ જરૂરિયાતવાળા દર્દીઓનું ડાયેટ ડોક્ટરની સલાહ પ્રમાણે તૈયાર કરવામાં આવે છે.

ભારતમાં હાલ દરરોજ કોરોના સંક્રમણના લગભગ એક લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે અને આ સંખ્યા દુનિયામાં સૌથી વધુ છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે જુલાઈના પહેલા સપ્તાહમાં સરદાર પટેલ કોવિડ કેર કેન્દ્ર શરૂ કર્યું હતું, જેમાં દિલ્હી સરકાર, દિલ્હીના નગર નિગમ, રાધા સ્વામી સત્સંગ ન્યાસ અને ઘણા અન્ય બિનસરકારી સંગઠન સહયોગ આપી રહ્યાં છે, જેની કમાન ITBPના હાથમાં છે.

અહીં અત્યારસુધીમાં લગભગ પાંચ હજાર સંક્રમિત દાખલ થઈ ચૂક્યા છે. અહીં લક્ષણ વગરના અથવા હળવા લક્ષણવાળા દર્દીઓને દાખલ કરવામાં આવે છે. અત્યારસુધીમાં અહીં એક પણ દર્દીનું મોત થયું નથી. ડો. પ્રશાંત મિશ્રાએ જણાવ્યું હતું કે અહીં 1800 સામાન્ય બેડ છે, જ્યારે 200 બેડ પર ઓક્સિજન સપોર્ટ છે. આપત સ્થિતિ માટે ICU પણ તૈયાર કરવામાં આવ્યું છે.

આ અસ્થાયી હોસ્પિટલને ઘણા ઓછા સમયમાં તૈયાર કરવામાં આવી છે અને એ ઘણું પડકારજનક પણ હતું. ડો. મિશ્રાએ જણાવ્યું હતું કે અમારા ડોક્ટર્સ અત્યારસુધીમાં એવી હોસ્પિટલ કે એવી જગ્યાએ કામ કરતા હતા જ્યાં પ્રોપર ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું, પરંતુ અહીં અમે ગૃહમંત્રાલયના આદેશમાં મહામારીના સમયમાં અસ્થાયી હોસ્પિટલ બનાવી છે. નક્કી કરેલા સમયમાં આ કામ કરવું ઘણું પડકારજનક હતું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે 25 જૂને આ કેન્દ્રને બનાવવા અંગે અમારી પહેલી મીટિંગ યોજાઈ હતી અને 05 જુલાઈએ અમે પહેલા દર્દીને દાખલ કર્યો હતો.

ડો. મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે ITBPના મહાનિયામક એસએસ દેશવાલે આ કામ માટે ટીમની રચના કરી હતી. અમારા માટે એક આદેશ હતો કે જે પણ અહીં આવે તેઓ સારો અનુભવ કરીને જાય. અમે આ જ ટાસ્કમાં લાગી ગયા હતા.

આ કોરોના કેન્દ્રમાં 17 દિવસના બાળકથી માંડી 78 વર્ષ સુધીના વૃદ્ધ આવી ચૂક્યાં છે. ડો. મિશ્રાએ જણાવ્યું હતું કે ઘણા સંક્રમિત એવા આવતા હતા, જેમને પહેલેથી ઘણી બીમારીઓ હતી. ઘણાને તો ખબર પણ નહોતી કે તે ડાયાબિટીસ અથવા હાઈપરટેન્શન જેવી બીમારીથી પીડિત છે.

આ કોરોના કેન્દ્રમાં અત્યારસુધીમાં મેડિકલ સ્ટાફનો એકપણ સભ્ય સંક્રમિત થયો નથી. ઝીરો ટકા ઈન્ફેક્શન છે. ડો. મિશ્રાએ જણાવ્યું હતું કે અમે બાયો મેડિકલ વેસ્ટને ડિસ્પોજ કરવા માટે પ્લાનિંગ કર્યું છે. અમે ઘણા પ્રોટોકોલ અને SOP બનાવ્યા છે, જેનું દરેક સ્તરે પાલન કરવામાં આવી રહ્યું છે. અત્યારસુધીમાં અમારી સફળતાનું કારણ અમારું ડિસિપ્લીન જ છે. અહીં દરેક વ્યક્તિ અનુશાસનમાં રહીને પોતાનું કામ કરી રહી છે.

અહીં દર્દીઓને દિવસમાં ત્રણ વખત ઉકાળો, બે વખત ચા, ગરમ પાણી અને ભોજન મફતમાં આપવામાં આવે છે.

આ કોવિડ સેન્ટરના બાયો મેડિકલ વેસ્ટનું કલેક્શન દક્ષિણ દિલ્હી નગર નિગમની ટીમ કરે છે. તે કહે છે, અમારું કામ વાઈરસની ચેઈનને તોડવાનું છે. લોકોના સહયોગ વગર અમે આ કામ નહોતા કરી શકવાના. સારી વાત તો એ છે કે અમને સૌનો સહયોગ મળી રહ્યો છે.

ITBP હાલ સરહદ પર ચીન સાથે અને સરહદની અંદર ચીનથી આવેલા વાઈરસ સામે ઝઝૂમી રહી છે. ડો. મિશ્રાએ જણાવ્યું હતું કે દેશે અમારી પર વિશ્વાસ કર્યો છે. દુનિયાના આ સૌથી મોટા કોવિડ કેન્દ્રનું સંચાલન એક અલગ પ્રકારનો અનુભવ છે. તેની શીખ કામમાં આવશે.

શું જરૂર પડ્યે આ કેન્દ્રની ક્ષમતાને વધારી શકાય છે, આ અંગે તેમણે જણાવ્યું હતું કે અમને જે પ્રમાણે આદેશ મળશે, અમે તેનું પાલન કરવા માટે પૂરી રીતે તૈયાર છીએ. હવે તો અમારી પાસે અનુભવ પણ છે. મેં આ સેન્ટરની બે વખત મુલાકાત લીધી છે અને દરેક વસ્તુને નજીકથી જોવાનો પ્રયાસ કર્યો છે. દરેક વખતે એ જ ડિસિપ્લીન જોવા મળ્યું છે. અહીં બધું જ નિયમ પ્રમાણે થાય છે અને કદાચ આ જ ડિસિપ્લીન આ કોરોના કેન્દ્રના સફળતાનો રાજ છે.

કોવિડ કેન્દ્રથી સાજા થઈને ઘરે જઈ રહેલા એક દર્દીએ કહ્યું હતું કે હું બે દિવસ ખાનગી હોસ્પિટલમાં પણ રહ્યો હતો. ત્યાં મારું સહેજ પણ ધ્યાન ન રખાયું અને મોટું બિલ પકડાવી દીધું. અહીં ફેસિલિટી વર્લ્ડ ક્લાસ છે અને ખર્ચ એક રૂપિયાનો પણ નથી.

( Source – Divyabhaskar )