દીકરીનાં મોત બાદ SBIના રિટાયર્ડ કર્મીએ NEETની પરીક્ષા આપી, 64 વર્ષે MBBSમાં લીધું એડમિશન

દીકરીનાં મોત બાદ SBIના રિટાયર્ડ કર્મીએ NEETની પરીક્ષા આપી, 64 વર્ષે MBBSમાં લીધું એડમિશન

નિવૃત્તિ (Retirement) લીધા પછી મોટાભાગના લોકો હળવાશથી જીવન જીવવા માંગે છે, જ્યારે કેટલાક લોકો તેમના સપના પૂરા કરવા માટે સખત મહેનત કરે છે. આવો જ એક કિસ્સો ઓડિશામાં સામે આવ્યો છે. જ્યાં એક નિવૃત્ત બેંક કર્મચારીએ પોતાનું આખું જીવન બેંકમાં વિતાવ્યું અને હવે નિવૃત્તિ પછી તે મેડિકલના વિદ્યાર્થી છે. ઓડિશાના 64 વર્ષીય જય કિશોર પ્રધાને (Jay Kishore Pradhan) મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે લેવાયેલી NEET પ્રવેશ પરીક્ષા ક્રેક કરી હતી અને હવે તેમણે MBBSના પહેલા વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે. તે એસબીઆઈ બેંક (SBI Bank)ના કર્મચારી હતા. પ્રધાન કહે છે કે તેઓ જીવતા છે ત્યાં સુધી અન્યની સેવા કરવાનું ચાલુ રાખવા માગે છે. તમને જણાવી દઈએ કે 64 વર્ષીય વ્યક્તિનું એમબીબીએસમાં પ્રવેશ એ ભારતીય તબીબી શિક્ષણ ઇતિહાસમાં એક દુર્લભ ક્ષણ છે.

ઓડિશાની સરકારી કોલેજમાં પ્રવેશ

એસબીઆઈમાં કામ કરી ચૂકેલાં પ્રધાને ડિસેબિલિટી રિઝર્વેશન કેટેગરીમાં સરકારી વીર સુરેન્દ્ર સાઇ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને રિસર્ચમાં પ્રવેશ લીધો છે. ત્યાંના નિર્દેશક લલિત મહેર કહે છે કે દેશના આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે આ એક દુર્લભ તક છે અને પ્રધાને આ તબક્કે તબીબી વિદ્યાર્થી તરીકે પ્રવેશ લઈને દાખલો બેસાડ્યો છે.

એમબીબીએસ 70 વર્ષની વયે પૂર્ણ થશે

પ્રધાન આ વર્ષે સપ્ટેમ્બરમાં NEETની પરીક્ષા આપી હતી. જેમાં ઉચ્ચ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. તેમણે પરીક્ષામાં ઉત્તમ ક્રમ હાંસલ કર્યો અને એડમિશન માટે ક્વોલિફાય થયા. બારગઢના રહેવાસીએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ તેમની એક જોડિયા દીકરીના મોતથી તેમણે NEETની પરીક્ષામાં ભાગ લેવા અને MBBSના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા પ્રોત્સાહન આપ્યું હતું. પ્રધાને 64 વર્ષની ઉંમરે પ્રવેશ લીધો છે અને 70 વર્ષની વયે તેમનો એમબીબીએસનો અભ્યાસક્રમ પૂર્ણ થશે. તેમનું કહેવું છે કે કોર્સ પૂરો થયા પછી તે તેને પ્રોફેશનની જેમ લેશે પરંતુ અન્યને મદદ કરશે.