ત્યારે ભીડમાં હતા નરેન્દ્ર મોદી, ભૂમિ પૂજન બાદ PM મોદીની 1991ની તસવીર વાયરલ

ત્યારે ભીડમાં હતા નરેન્દ્ર મોદી, ભૂમિ પૂજન બાદ PM મોદીની 1991ની તસવીર વાયરલ

નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે પહેલીવાર અયોધ્યા પહોંચ્યા અને તેમણે ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું. આ સાથે જ તેમની એક 29 વર્ષ જૂની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. તસવીરમાં ત્યારે યુવા નરેન્દ્ર મોદી રામ મંદિર આંદોલનના એક કાર્યક્રમમાં સાધારણ કાર્યકર્તા તરીકે ભીડમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. એ તસવીર અને આજે રામ મંદિર માટે ભૂમિ પૂજનની તસવીર શેર કરતા કોઈ તેને મોદીના શૂન્યથી શિખર સુધી પહોંચવાની સફરનું પ્રમાણ ગણાવી રહ્યું છે તો કોઈ તેમના સમર્પણ અને નિરંતરતાનું જીવતુ-જાગતુ ઉદાહરણ ગણાવી રહ્યું છે.

કાળી મૂછ-દાઢી સાથે કાળા ચશ્મામાં PM મોદી

વાયરલ થઈ રહેલી તસવીર 1991ની છે. ત્યારે દિલ્હીની બોટ ક્લબમાં રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ તરફથી આયોજિત રેલીમાં નરેન્દ્ર મોદી ભીડની વચ્ચે બેઠેલા જોવા મળી રહ્યા છે. કાળી મૂછ-દાઢી સાથે કાળા ચશ્મા પહેરેલા અને ભગવા રંગનો રૂમાલ પોતાના માથા પર લપેટેલા. નરેન્દ્ર મોદી ત્યારે રામ જન્મભૂમિ આંદોલનના કાર્યકર્તા તરીકે હાજર હતા. ત્યારે ક્યાં કોઇને ખબર હતી કે 29 વર્ષ બાદ એ ભીડમાં બેઠેલો આ વ્યક્તિ વડાપ્રધાન તરીકે એક દિવસ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરતો જોવા મળશે.

29 વર્ષ બાદ સંકલ્પ પુરો થતા અયોધ્યા પહોંચ્યા મોદી

થોડાક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક જૂની તસવીર વાયરલ થઈ હતી. એ તસવીર પણ 29 વર્ષ જૂની હતી અને અયોધ્યામાં ખેંચવામાં આવી હતી. તેમા તેઓ બીજેપીના તાત્કાલીન અધ્યક્ષ મુરલી મનોહર જોશીની સાથે જોવા મળી રહ્યા છે. તસવીરને ખેંચનારા પત્રકાર મહેન્દ્ર ત્રિપાઠીનું માનીએ તો જ્યારે તેમણે ત્યારે નરેન્દ્ર મોદીને પુછ્યું હતુ કે હવે તેઓ ફરી અયોધ્યા ક્યારે આવશે તો તેમને જવાબ મળ્યો હતો કે જ્યારે મંદિર બનશે ત્યારે.

અડવાણીની રથયાત્રામાં પીએમ મોદી

એપ્રિલ 1991માં નરેન્દ્ર મોદી તત્કાલીન બીજેપી અધ્યક્ષ મુરલી મનોહર જોશીના અયોધ્યા પ્રવાસમાં તેમની સાથે હતા. ત્યારે ફોટોગ્રાફર મહેન્દ્ર ત્રિપાઠીને તેમનો પરિચય ગુજરાતના બીજેપી નેતા તરીકે કરાવાયો હતો. નરેન્દ્ર મોદીની એક બીજી તસવીર પણ ચર્ચામાં છે, જેમાં લાલકૃષ્ણ અડવાણીની બહુચર્ચિત રથયાત્રા દરમિયાન તેમની સાથે હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મોદીએ જ અડવાણીની રથ યાત્રાની રૂપરેખા અને રણનીતિ નક્કી કરી હતી. સપ્ટેમ્બર 1990માં લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી 10 હજાર કિલોમીટર લાંબી રથયાત્રા નીકાળી. તે દરમિયાન નરેન્દ્ર મોદી ગુજરાત બીજેપીનાં સંગઠન મહાસચિવ હતા. ( Source – Sandesh )