તૈયારી : રોજ 10 લાખને કોરોનાની રસી માટે એપોલો હોસ્પિટલ તૈયાર, 70 હોસ્પિટલના 10 હજારથી વધુ કર્મચારીને તાલીમ અપાઈ

તૈયારી : રોજ 10 લાખને કોરોનાની રસી માટે એપોલો હોસ્પિટલ તૈયાર, 70 હોસ્પિટલના 10 હજારથી વધુ કર્મચારીને તાલીમ અપાઈ

કોવિડ-19 સામેની લડાઈમાં દરરોજ 10 લાખ લોકોને કોરોનાની રસી મૂકવા માટે સંપૂર્ણ રીતે સજ્જ હોવાની એપોલો હોસ્પિટલે જાહેરાત કરી છે. એપોલો ગ્રૂપ કોલ્ડ ચેઇન સુવિધાઓ સાથે ગુજરાત સહિત દેશમાં 19 મેડિસિન સપ્લાય કેન્દ્રનો ઉપયોગ કરશે. ગ્રૂપની દેશભરની 70 હોસ્પિટલો, 400થી વધારે ક્લિનિક, 500 કોર્પોરેટ હેલ્થ સેન્ટર, 4000 ફાર્મસીની સાથે ઓમ્નિ – ચેનલ ડિજિટલ પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરશે. લોકોને સુરક્ષિત રસી મૂકી શકાય તે માટે એપોલોના 10 હજારથી વધુ કર્મચારીઓને જરૂરી તાલીમ અપાઈ રહી છે.

એપોલો ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરપર્સન શોભના કામિનેનીએ જણાવ્યું કે, આખો દેશ જીવલેણ ચેપી રોગ માટે રસીની કાગડોળે રાહ જોવાય છે. દેશમાં તમામ નાગરિકોને સલામત રીતે અને સમયસર રસી મૂકવી એક મોટો પડકાર છે. આ રસી કેવી રીતે મૂકવી અને કયા વર્ગને પ્રાથમિકતા આપવી તેના માટે એપોલો હોસ્પિટલ્સ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન સાથે કામ શરૂ કર્યું છે. આ ઉપરાંત યુઝર્સ અપોલો 24×7 પર રજિસ્ટ્રેશન કરાવી શકશે.

કોરોનાના નવા 168 કેસ, વધુ 3નાં મોત
શહેરમાં કોરોનાના નવા 168 કેસ નોંધાયા છે, જે સાથે કોરોનાના કુલ સંખ્યા 37699 પર પહોંચી છે, જ્યારે 3 દર્દીના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 1850 પર પહોંચ્યો છે. શહેરમાં 179 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. શહેરમાં હાલ 2971 એક્ટિવ કેસ છે. કાલુપુર રેલવે સ્ટેશને 1392 મુસાફરોના કોરોના ટેસ્ટ કરતાં 6ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. રાજધાની એક્સપ્રેસમાં 2, હાવરા એક્સપ્રેસમાં 4 મુસાફરો પોઝિટિવ મળી આવ્યા હતા. 4 દર્દીને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા, 2ને સાબરમતી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયા હતા.

આ 4 વિસ્તાર માઇક્રો કન્ટેઈનમેન્ટમાં

  • આયુષ એવન્યુ, ઘોડાસર
  • 1 અને 2 માળ બી બ્લોક, 2 થી 4 માળ જી બ્લોક, 2જો માળ કે બ્લોક, સિલ્વર ગાર્ડેનિયા, ગોતા
  • એ અને બી બ્લોક, વિભાગ-1, વૈભવ એપાર્ટમેન્ટ, શાહીબાગ
  • એલ બ્લોક, ઉપવન રેસિડન્સી, ચાંદખેડા