ડૉનાલ્ડ ટ્રમ્પ જ કેમ છે અમેરિકી ભારતીયોની પહેલી પસંદ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

ડૉનાલ્ડ ટ્રમ્પ જ કેમ છે અમેરિકી ભારતીયોની પહેલી પસંદ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને આડે હવે માત્ર 41 જ દિવસ બચ્યા છે. અમેરિકાનું સુકાન ડેમોક્રેટિક પાર્ટીના જો બિડેનના હાથમાં આવશે કે ટ્રમ્પ ફરીવાર રાષ્ટ્રપતિ બનશે તેનો ફેંસલો થઈ જશે. ચૂંટણી જીતવા બંને ઉમેદવારો ભારે મહેનત કરી રહ્યાં છે. અમેરિકાની ચૂંટણીમાં ભારતીયોની ભૂમિકા ઘણી મહત્વની બની ગઈ છે.

અમેરિકામાં વસતા મોટી સંખ્યામાં ભારતીયોને રીઝવવા ટ્રમ્પ અને બિડેન તનતોડ મહેનત કરી રહ્યાં છે. પરંતુ ટ્રમ્પ ભારતીયોને પોતાના પક્ષમાં કરવામાં સફળ થતા જણાઈ રહ્યાં છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતીય-અમેરિકનો 12 કારણોસર દેશના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. જેમાંથી એક વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મિત્રતા છે.

ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં રોકાયેલા એક પક્ષ દ્વારા કરાયેલા સર્વેમાં આ દાવો કરવામાં આવ્યો છે. ભારતનું સન્માન અને ચીનથી તેનું રક્ષણ ટ્રમ્પ કરી શકે છે તેમ ભારતીયોને લાગી રહ્યું છે. ટ્રમ્પની ગેરહાજરીમાં ચીન ભારત સાથે યુદ્ધ શરૂ કરી શકે છે. સંભવિત ભારતીય-અમેરિકન મતદારોમાંથી 50 ટકા લોકો ટ્રમ્પની તરફેણમાં મત આપશે તેમ આ સર્વેમાં સામે આવ્યું છે.

ટ્રમ્પ વહીવટીતંત્ર દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેનથી વિપરીત તેમાં પણ ખાસ કરીને કાશ્મીર જેવા મુદ્દે ભારતની આંતરિક બાબતોથી દૂર રહ્યા છે. કાશ્મીર મામલે ટ્રેમ્પે પાકિસ્તાનની કોઈ જ મદદ કરી નથી. સાથે જ વૈશ્વિક મંચ પર ભારતને દરજ્જો અપાવવામાં પણ મદદ કરી છે.

ભારતીય અમેરિકનો મોટા પ્રમાણમાં માને છે કે આગામી ચાર વર્ષોમાં મોદી અને ટ્રમ્પ સાથે કામ કરવાથી વૈશ્વિક મંચ પર ચીનને રોકવામાં મદદ મળશે. અમેરિકાએ ભારતને ચીનની ઘુસણખોરી માટે હાલ તો કોઈ મદદ કરી નથી પરંતુ મુશ્કેલીના સમયમાં અનેક સૈન્ય કરારો કરીને ભારત-અમેરિકાના સંબંધો મજબૂત બનાવવાનું કામ ટ્રમ્પે જરૂર કર્યું છે. ભારત અને અમેરિકા વચ્ચેના ગાઢ સંબંધોનું શ્રેય ટ્રમ્પ અને મોદીને જાય છે. માટે 50 ટકાથી પણ વધારે ભારતીયો ડોનાલ્ડ ટ્રમ્પ પર પસંદગી ઉતારી રહ્યાં છે.