ટ્રેનનાં પાટા પર કપાઈ ગયા 16 મજૂર, સુપ્રીમ કૉર્ટે કહ્યું- કોઈ ટ્રેક પર સુઈ જાય તો શું કરીએ?

ટ્રેનનાં પાટા પર કપાઈ ગયા 16 મજૂર, સુપ્રીમ કૉર્ટે કહ્યું- કોઈ ટ્રેક પર સુઈ જાય તો શું કરીએ?

કોરોના મહાસંકટની વચ્ચે જાહેર લોકડાઉનમાં પ્રવાસી મજૂરોએ ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ મહારાષ્ટ્રથી પોતાના ઘરે જવા ચાલતા નીકળેલા 16 મજૂરો ઔરંગાબાદમાં ટ્રેનની ઝપટમાં આવ્યા અને તેમના કમકમાટીભર્યા મોત થયા. ચાલતા થાકીને આ મજૂરો રેલપાટાઓ પર સુઈ ગયા હતા ત્યારે અચાનક એક માલગાડીથી કપાઈને તેમના મોત થયા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરવાની ના કહી દીધી.

સુપ્રીમ કૉર્ટનું કહેવું છે કે, મજૂરો ટ્રેક પર સુઈ જાય તો શું કરી શકાય? તેમણે સરકારને પુછ્યું કે જે લોકોએ પગપાળા ચાલવાનું શરુ કર્યું છે તેમને કેવી રીતે રોકશો? આના જવાબમાં સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સૌના માટે ઘરે જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ લોકોએ પોતાનો વારો આવે તેની રાહ જોવી પડશે, જે તેઓ નથી કરી રહ્યા.

રેલવેએ કહ્યું- કોઈપણ મજૂર ચાલતા ઘરે ના જાય

તો દિલ્હી હાઈકોર્ટે શુક્રવારનાં રાજ્ય સરકાર અને રેલવેને નિર્દેશ આપ્યા છે કે કોઈ પણ મજૂર પગપાળા ઘરે પરત ના જાય. હાઈકૉર્ટે કહ્યું કે સરકાર આ માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવે અને ખાતરી કરે કે મજૂરોએ પગપાળા ના જવું પડે. કૉર્ટે સરકારને આદેશ આપ્યો કે સમાચારપત્રો, ટીવી પર એડવર્ટાઇઝમેન્ટ નીકાળવામાં આવે જેથી મજૂરોને જાણ થઈ શકે. અદાલતમાં રેલવે તરફથી કૉર્ટને જણાવવામાં આવ્યું કે જ્યારે પણ દિલ્હી સરકાર તેમને ટ્રેન ઉપલબ્ધ કરાવવા કહેશે અમે કરાવી દેશું.

રેલવે તરફથી શ્રમિક ટ્રેન અને સ્પેશલ ટ્રેનોની જોગવાઈ

દિલ્હી હાઈકોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં પ્રવાસી મજૂરોનાં ચાલતા ઘરે જવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે લૉકડાઉનનાં કારણે દેશમાં બધું જ બંધ છે, સાર્વજનિક વાહનો પણ નથી ચાલી રહ્યા. આવામાં પ્રવાસી મજૂરોને ઘરે જવા માટે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જ ભારતીય રેલવે તરફથી શ્રમિક ટ્રેન અને સ્પેશલ ટ્રેનોની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમિક ટ્રેન ફક્ત મજૂરો માટે છે, પરંતુ તેમ છતા પણ અત્યારે પણ હજારોની સંખ્યામાં મજૂરો ચાલતા ઘરે જઇ રહ્યા છે. આ ઉપરાંત જે સ્પેશલ ટ્રેનો ઉપલબ્ધ કરવામાં આવી છે તેના દ્વારા લોકો દિલ્હી તો પહોંચી રહ્યા છે, પરંતુ તેમને આગળ જવા માટે કોઈ વાહન નથી મળી રહ્યું. આ સંકટનાં કારણે અનેક લોકોએ ચાલતા જ ઘરે જવું પડી રહ્યું છે.