ટ્રાફિકના દંડ પેટે ગુજરાતીઓ પાસેથી આટલાં કરોડ રૂપિયા ઉઘરાવવાનો અપાયો ટાર્ગેટ !

ટ્રાફિકના દંડ પેટે ગુજરાતીઓ પાસેથી આટલાં કરોડ રૂપિયા ઉઘરાવવાનો અપાયો ટાર્ગેટ !

મોટર વ્હીકલ એક્ટ મુજબ સરકારે ગુજરાતમાં ૪૦૦થી ૯૦૦ ટકાના જંગી દંડ વધારાની જાહેરાત કરી છે, આ દંડ જાહેર કર્યા બાદ ગુજરાતની ભાજપ સરકાર વારંવાર એવું રટણ કરી રહી છે કે, સરકારને દંડની રકમમાં કોઈ રસ નથી, લોકોની સલામતી માટે કાયદો છે. જો કે વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરના આદેશ પ્રમાણે એપ્રિલ ૨૦૧૯માં નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ગુજરાતમાંથી ૫૧૦૦ કરોડ દંડ પેટે ઉઘરાવવાનો ટાર્ગેટ અપાયો છે. એકલા મહેસાણા જિલ્લાને ૧૩૮.૧૮ લાખનો ટાર્ગેટ અપાયો છે. આ સંદર્ભેનો પત્ર બુધવારે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ૨.૪૦ લાખ કરોડનું જંગી દેવું ધરાવતી ગુજરાતની ભાજપ સરકારની નીતિ-નિયત અને બે મોઢાની વાતો ખુલ્લી પડી ગઈ છે.

ગુજરાતની ભાજપ સરકારે ટ્રાફિક નિયમના નામે લોકોના ખિસ્સામાંથી ૫૧૦૦ કરોડ રૂપિયા ખંખેરી લેવાનો ટાર્ગેટ આપ્યો હતો, આ ટાર્ગેટ એપ્રિલ ૨૦૧૯માં અપાયો હતો, જો કે હવે તો દંડની રકમમાં તગડો વધારો કરી દીધો છે એટલે એ હિસાબે તો હવે આ ટાર્ગેટ આપોઆપ ૪૦૦થી ૯૦૦ ટકા વધી જશે. ગાંધીનગરથી જે આદેશ છૂટયા છે તેમાં એકલા મહેસાણા જિલ્લાની કચેરીની વાત કરીએ તો ૧૩૮.૧૮ લાખનો ટાર્ગેટ અપાયો છે. ટાર્ગેટ પૂરો થાય તે માટે મોટર વાહન નિરીક્ષકને મહિને ૯ લાખ તેમજ સહાયક મોટર વાહન નિરીક્ષકને ૯ લાખનો ટાર્ગેટ અપાયો છે. બંને અધિકારીઓની ટીમો આખા વર્ષમાં ચોવીસેય કલાક ચેક પોઈન્ટ પ્રમાણે કાર્યરત રાખવા, ચેકિંગ અધિકારીઓની ટીમ દ્વારા રોજ ૮-૮ કલાક કામગીરી કરવાની તાકીદ કરાઈ છે. અધિકારીઓએ જે કંઈ ઉઘરાણા કર્યા હોય તેનો રિપોર્ટ રોજે રોજ ૪.૦ અને ઈ-ચલણમાં અપલોડ કરવા ઉપરાંત કામગીરીનો અહેવાલ આરટીઓ સમક્ષ રજૂ કરવાનું પણ કહેવાયું છે, એટલું જ નહિ પરંતુ પત્રમાં સ્પષ્ટ કહેવાયું છે કે, મોટર વાહન નિરીક્ષક-સહાયક મોટર વાહન નિરીક્ષકે રજા ઉપર જવું નહિ અને વડું મથક પણ છોડવું નહિ. દંડના ઉઘરાણાનો ટાર્ગેટ પૂરો કરવા સતત ચેકિંગ કરવાનું રહેશે અને જે અધિકારીની કામગીરી નબળી હશે તેના વાર્ષિક મૂલ્યાંકન અહેવાલમાં પ્રતિ નોંધ કરવામાં આવશે તેવી પણ ધમકી આપવામાં આવી છે. આ પત્રમાં જ સરકારની નીતિ-નિયમ બહાર આવી છે અને કહ્યું છે કે, સરકાર રેવન્યૂ બાબતે ગંભીર છે. સરકારે મહેસાણા જિલ્લાને ૧૩૮.૧૮ લાખનો ટાર્ગેટ આપ્યો છે. અમદાવાદ-સુરત-વડોદરા જેવા શહેરો માટે તો ખૂબ તગડી રકમનો ટાર્ગેટ આપ્યો છે તે વાત નક્કી છે.

રાજ્યનું દેવું દંડથી ઉતારવાનો કારસો

ગુજરાત સરકાર માથે ૨.૪૦ લાખ કરોડનું જંગી દેવું છે. વાહન ચાલકો અને માલિકો પાસેથી એપ્રિલ ૨૦૧૯માં ગુજરાતના લોકો પાસેથી ૫,૧૦૦ કરોડ ખંખેરી લેવાનું
નક્કી કર્યું હતું અને હવે તો ૪૦૦થી ૯૦૦ ટકાનો દંડમાં વધારો ઝીંકી દીધો છે ત્યારે દેવાની રકમનો મોટો હિસ્સો સરકાર લોકો પાસેથી દંડના નામે વસૂલી રહી છે.

ગુજરાતની વસતિ પ્રમાણે માથાદીઠ દંડ ૮૧૬

ગુજરાતની સાડા છ કરોડ આસપાસની વસતિ પ્રમાણે એક અંદાજ બાંધીએ તો પણ માથાદીઠ દંડ ૮૧૬ સરકારે નક્કી કર્યો છે, એક હકીકત એ પણ છે કે, તમામ લોકો વાહનની સવલત ધરાવતા નથી.