ટ્રમ્પે કહ્યું, ‘કોરોના વાઇરસ ફ્લૂ નથી, US પર કરાયેલો હુમલો છે’, ચીને અમેરિકાને વુહાન લેબ જવા મંજૂરી ન આપી

ટ્રમ્પે કહ્યું, ‘કોરોના વાઇરસ ફ્લૂ નથી, US પર કરાયેલો હુમલો છે’, ચીને અમેરિકાને વુહાન લેબ જવા મંજૂરી ન આપી

વોશિંગ્ટન. વિશ્વમાં સૌથી ખરાબ રીતે કોરાના વાઇરસના સંક્રમણમાં સપડાયેલા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે તેને દેશ પરનો હુમલો ગણાવ્યો છે. અમેરિકામાં 8.50 લાખ લોકો સંક્રમિત છે, જ્યારે 47 હજારથી વધુ લોકોનાં મોત થઇ ગયાં છે. હિલ ન્યૂઝ વેબસાઇટ મુજબ ટ્રમ્પે બુધવારે વ્હાઇટ હાઉસમાં નિયમિત બ્રીફિંગમાં કહ્યું કે  આ એક હુમલો છે. કોરોના વાઇરસ કોઇ ફ્લૂ નથી. ક્યારેય પણ કોઇએ આવું કંઇ જોયું નથી. હજારો ડોલરના પ્રોત્સાહન પેકેજને કારણે અમેરિકાનું રાષ્ટ્રીય દેવું વધવાના આંકડા અંગેના સવાલ પર ટ્રમ્પે કહ્યું કે મહામારી સામેના જંગમાં હજારો અબજ ડોલર નાંખવા સિવાય અમારી પાસે કોઇ વિકલ્પ નહતો.

અમેરિકી વૈક્ષનિકોનો ચીનના કોઇ પણ ભાગમાં જવા પર પ્રતિબંધ
જોકે ટ્રમ્પે હુમલા માટે કોઇ દેશને જવાબદાર ઠેરવ્યો નથી. તેમ છતાં કોરોના વાઇરસ માટે તેઓ ઘણી વખત ચીન પર નિશાન સાધી ચૂક્યા છે. દરમિયાન ચીને કોરોના વાઇરસની તપાસ માટે અમેરિકી વિજ્ઞાનીઓને વુહાનની વાઈરોલોજી લેબ કે દેશના કોઇ પણ ભાગમાં જવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ એક ન્યૂઝ ચેનલ પર તેનો ખુલાસો કર્યો.

ચીનમાં પહેલી વખત સંક્રમિતોનો આંકડો એક હજારની નીચે પહોંચ્યો
ચીનમાં પહેલી વખત સંક્રમિતોનો આંકડો એક હજારની નીચે પહોંચી ગયો. નેશનલ હેલ્થ કમિશન મુજબ ત્યાં બુધવારે દર્દીઓની સંખ્યા 959 બચી હતી. કમિશનના પ્રવક્તા મી ફેંગે કહ્યું કે બુધવારે ચીનના દર્દીઓમાંથી અડધાને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે. દેશમાં કોઇ પણ નવો દર્દી કે મોતના કેસ આવ્યા નથી. જોકે ચીનમાં બહારથી આવેલા દર્દીઓની સંખ્યા 1,616 છે.

ચીન WHOને વધુ  228 કરોડ આપશે
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંગઠનનું ફન્ડિંગ અટકાવ્યા બાદ ચીને તેની મદદની રકમ વધારી દીધી. કોરોના વાઇરસ માટે ચીન ડબ્લ્યુએચઓને 3 કરોડ ડોલર (આશરે 228 કરોડ રૂપિયા) વધારાના આપશે. અગાઉ ચીને ડબ્લ્યુએચઓને 2 કરોડ ડોલર (આશરે 152 કરોડ રૂપિયા) આપ્યા હતા.