ટ્રમ્પની મેગા રેલી મોટેરામાં 25 ફેબ્રુઆરી આસપાસ યોજાશે, પણ સરદાર સ્ટેચ્યુની મુલાકાત નહીં લે

ટ્રમ્પની મેગા રેલી મોટેરામાં 25 ફેબ્રુઆરી આસપાસ યોજાશે, પણ સરદાર સ્ટેચ્યુની મુલાકાત નહીં લે

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મેગા રેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે ૨૫મી ફેબ્રુઆરીની આસપાસ યોજાવાની ચર્ચા સનદી અધિકારીઓમાં થઈ રહી છે, જોકે આ સંદર્ભે હજી સુધી કોઈ ફાઇનલ પ્રોગ્રામ આવ્યો નથી. માત્ર મોટેરા સ્ટેડિયમના સત્તાવાળાઓને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં સ્ટેડિયમની તમામ કામગીરી પૂર્ણ કરી દેવાની સૂચના અપાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.

અમેરિકન પ્રેસિડેન્ટને દુનિયાનું સૌથી ઊંચું ૧૮૨ મીટરનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી બતાવવા કેવડિયા લઈ જવાનો પણ પ્લાન વિચારાઈ રહ્યો છે, પરંતુ અધિકારીઓમાં ચર્ચા એવી છે કે, ટ્રમ્પ યુએસમાં ભાજપ સર્મિપત વોટ્સ પ્લસ કરવા માટે જ મોટેરાની મેગા રેલીમાં ભાગ લઈ રહ્યા છે, તેઓ જો સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં ઊંચા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લે તો તેમના અમેરિકન વોટ્સ માઇનસ થાય તેવી શક્યતા હોઈ રાજ્યનો આગ્રહ હોવા છતાં કેવડિયા જવાનું તેઓ પસંદ નહીં કરે એવી અધિકારીઓમાં ચર્ચા છે.

રૂ. ૮૦૦ કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલું વિશ્વનું સૌથી વધુ સીટિંગ કેપેસિટી ધરાવતું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ટ્રમ્પની હાજરીમાં ઉદ્ઘાટિત થનારું હોઈ આ મેગા ઇવેન્ટને આખરી ઓપ આપવા માટે પીએમ મોદી અથવા ગૃહમંત્રી અમિત શાહ સ્ટેડિયમની વિઝિટ લે તેવી શક્યતા પણ સૂત્રો નકારતા નથી.