ટ્રમ્પની ભારતયાત્રા પછી ડેમોક્રેટ્સે NRI વોટબેન્ક જાળવી રાખવા મથામણ આદરી, 4 સ્ટેટમાં ભારતીય મતદારો નિર્ણાયક

ટ્રમ્પની ભારતયાત્રા પછી ડેમોક્રેટ્સે NRI વોટબેન્ક જાળવી રાખવા મથામણ આદરી, 4 સ્ટેટમાં ભારતીય મતદારો નિર્ણાયક

  • ટ્રમ્પની BARI ફોર્મ્યુલા મુજબ બ્રિટિશ, ઓસ્ટ્રેલિયન, રશિયન અને ભારતીય સમુદાયની વોટબેન્ક અંકે કરવાની યોજના   
  • પરંપરાગત રીતે ભારતીય મતદારો ડેમોક્રેટિક પાર્ટીના સમર્થક મનાય છે

નેશનલ ડેસ્કઃ હાઉડી મોદી અને નમસ્તે ટ્રમ્પની અપાર સફળતા પછી અમેરિકાવાસી ભારતીય સમુદાય (Non Resident Indians)માં ટ્રમ્પનો જુવાળ ઊભો થઈ શકે છે એવી ભીતી હવે ટ્રમ્પના પરંપરાગત હરીફ એવા ડેમોક્રેટ્સ પણ જોઈ રહ્યા છે. ટ્રમ્પની ભારતયાત્રા પછી તરત ડેમોક્રેટિક પાર્ટી તરફથી આવી રહેલાં નિવેદનો સુચવે છે કે પોતાની પરંપરાગત NRI વોટબેન્કમાં ટ્રમ્પ ફાચર મારે એવી શક્યતા હવે ડેમોક્રેટિક પાર્ટીને પણ જણાઈ રહી છે. ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા જોખમી હોવા અંગેના નિવેદન પછી ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિપદના સંભવિત ઉમેદવાર બર્ની સેન્ડર્સે દિલ્હીની હિંસા અંગે ટીકા કરી ટ્રમ્પને વખોડ્યા હતા. એ દર્શાવે છે કે, આગામી ચૂંટણીમાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ વચ્ચે ભારતીય મૂળના મતદારોને રિઝવવા ભારે સ્પર્ધા થશે.

હિસ્પાનિક સમુદાયથી આ વખતે ટ્રમ્પને ખતરો

  • અમેરિકામાં સંખ્યાત્મક રીતે સૌથી વધુ પ્રભુત્વ ધરાવતા સમુદાયમાં હિસ્પાનિક અને લેટિન અમેરિકન્સનું સ્થાન નોંધપાત્ર છે.
  • અમેરિકાની કુલ વસ્તીના આશરે 17% જેટલાં એટલે કે 5.2 કરોડ મતદાતાઓનો મોટો વર્ગ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિથી ભારે નારાજ છે.
  • સ્પેન સાથે ટ્રમ્પ સરકારે ઈમિગ્રેશનના નિયમો કડક બનાવ્યા તેમજ મેક્સિકો સરહદ પર દિવાલ બનાવવાની યોજના અમલમાં મૂકી આથી અમેરિકાનો આ સૌથી પ્રભાવશાળી સમુદાય આવનારી ચૂંટણીમાં ટ્રમ્પને ભારે પડે એવી શક્યતા છે.

હિસ્પાનિકના વિકલ્પે ટ્રમ્પની BARI ફોર્મ્યુલા

  • હિસ્પાનિક મતદારો પૈકી અડધોઅડધ જો મોં ફેરવી લે તો તેના વિકલ્પે ટ્રમ્પે બ્રિટિશ, ઓસ્ટ્રેલિયન, રશિયન અને ભારતીય એમ BARI ફોર્મ્યુલા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આમાં મૂળ અમેરિકન પણ સામેલ છે.
  • આ સમુદાયો નાના છે પરંતુ તેનો સરવાળો હિસ્પાનિકની અડધી તાકાતની બરોબરી કરી શકે છે.
  • આથી ટ્રમ્પ પોતાના તમામ પૂરોગામીઓથી વિપરિત રશિયા પ્રત્યે કુણું વલણ દાખવે છે. ઓસ્ટ્રેલિયાને સહાયતા કરવાની એકપણ તક છોડતા નથી. બ્રિટન તો અમેરિકાનું અડીખમ મિત્ર છે જ.
  • હવે ટ્રમ્પે મોદીના માધ્યમથી ભારતીય મૂળના મતદારોને પણ રિઝવવા માંડ્યા છે.
  • ઈસ્લામિક આતંકવાદ એ એક એવો મુદ્દો છે જે આ ચારેય સમુદાયને બહુ ગંભીરતાથી અસર કરે છે. આથી ટ્રમ્પના લગભગ દરેક ભાષણોમાં તેનો ઉલ્લેખ અચૂક હોય છે.

પરંપરાગત રીતે NRIનો ઝુકાવ ડેમોક્રેટ્સ તરફ

  • અમેરિકામાં વસતા આશરે 40 લાખ ભારતીયો તેમના ઉદારવાદી વલણ માટે જાણીતા છે અને પરંપરાગત રીતે ડેમોક્રેટિક પાર્ટીના સમર્થક મનાય છે.
  • ભારતીયોની નોંધપાત્ર સંખ્યા ધરાવતા રાજ્યોમાં પણ ડેમોક્રેટિક ઉમેદવારો જીતતા રહ્યા છે.
  • અમેરિકાની વર્તમાન સેનેટમાં પણ ભારતીય મૂળના સાંસદો સૌથી વધુ ડેમોક્રેટિક પાર્ટીમાંથી જ ચૂંટાયા છે.
  • એશિયા ખંડનો આ મતદાર સમુદાય રાજકીય રીતે અત્યંત જાગૃત હોવાથી મતદાનમાં તેમની ટકાવારી પણ ખૂબ ઊંચી હોય છે.
  • અમેરિકામાં વસતાં ભારતીયોમાં વડાપ્રધાન મોદી બેહદ લોકપ્રિય છે. આથી મોદીના માધ્યમથી ટ્રમ્પ ડેમોક્રેટિક વોટબેન્કમાં ફાચર મારવા પ્રયત્નશીલ છે.

ચાર રાજ્યો સૌથી વધુ નિર્ણાયક બનવાના છે

  • પ્રેસિડન્ટ ટ્રમ્પના પ્રયાસોની ગંભીરતા પારખીને હવે ડેમોક્રેટ્સ પણ પોતાની વોટબેન્ક બચાવવા પ્રયત્નશીલ બન્યા છે.
  • તેનું કારણ એ છે કે વર્ષ 2016ની ચૂંટણીમાં ઓછામાં ઓછા 4 રાજ્યોમાં ભારતીય મૂળના અમેરિકીઓ નિર્ણાયક બનવાના છે. આથી તેમના મત ગુમાવવાનું કોઈને પોસાય એમ નથી.
  • એ 4 રાજ્યો એટલે ટેક્સાસ, ફ્લોરિડા, મિશિગન અને પેન્સિલવેનિયા.
  • અમેરિકાના બીજા નંબરના સૌથી મોટા રાજ્ય ટેક્સાસમાં ઈલેક્ટોરલ કોલેજની 38 બેઠકો છે. એક સમયે રિપબ્લિકન્સનો ગઢ ગણાતાં આ રાજ્યમાં ડેમોક્રેટ્સે 2016માં ખાસ્સી જગ્યા બનાવી લીધી હતી અને 32 બેઠકો પર રિપબ્લિકન્સનો વિજય 2 ટકાના માર્જિનથી થયો હતો. આ રાજ્યમાં આશરે 4 લાખ ભારતીયો છે. એ મતદાર સમુહ જો ટ્રમ્પની તરફે સ્વિંગ થાય તો આખું રાજ્ય રિપબ્લિકન્સને મળી શકે.
  • પેન્સિલવેનિયા, ફ્લોરિડા અને મિશિગનમાં પણ ટ્રમ્પની જીતનું અંતર હરીફ ઉમેદવારથી માંડ 1 ટકા જેટલું હતું. આ રાજ્યોમાં પણ જો BARI પૈકી ભારતીય સમુદાય ટ્રમ્પની તરફેણ કરે તો ટ્રમ્પની જીત આસાન બની જાય.