ટ્રમ્પની બેકારો માટે સાપ્તાહિક ૬૦૦ ડોલરની સહાય ચાલુ રાખવની ઓફર

ટ્રમ્પની બેકારો માટે સાપ્તાહિક ૬૦૦ ડોલરની સહાય ચાલુ રાખવની ઓફર

કોરોના લોકડાઉનમાં બેકારો માટે યોજના શરૃ કરાઇ હતી

જો કે ડેમોક્રેટ્સે ટ્રમ્પની ઓફરને ફગાવી વધુ મોટા બિલની માગ કરી, ૬૦૦ ડોલરથી સમસ્યાનો અંત નહીં આવે

બેકારોને નાણાકીય સહાય આપવાની યોજનાની મુદ્દત પૂરી થઇ રહી છે ત્યારે વ્હાઇટ હાઉસ ઇચ્છે છે કે બેકારોને સાપ્તાહિક ૬૦૦ ડોલર આપવાની યોજના અસ્થાયી રીતે ચાલુ રાખવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ યોજનાને કારણે જ કોરોના લોકડાઉનમાં રોજગારી ગુમાવનારા અનેક પરિવારોને રાહત મળી હતી. જો કે ડેમોક્રેટ્સે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આ યોજના ફગાવી દેતા જણાવ્યું છે કે તેમની ટીમ આ કટોકટીની ગંભીરતા સમજવામાં નિષ્ફળ ગઇ છે. 

ડેમોક્રેટ ટ્રમ્પ સરકાર પાસે વધારે સહાયની માગ કરી રહ્યાં છે. ડેમોક્રેટ્સનું માનવું છે કે ટ્રમ્પ સરકાર રાજ્ય અને સ્થાનિક સરકારોને વધારે ભંડોળ આપે જેથી તેઓ ગરીબોની વધુ મદદ કરી શતે. ડેમોક્રેટ્સનું માનવું છે કે સાપ્તાહિક ૬૦૦ ડોલરની સહાય કરીને તમામ સમસ્યાઓનો અંત આવી જવાનો નથી. 

હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ જણાવ્યું હતું કે અમને નવા બિલની માગ કરી રહ્યાં છે પણ તેમને ખ્યાલ આવતો નથી કે આ બિલની રકમ કેટલી મોટી હોવી જોઇએ. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું હતું કે અમે અસ્થાયી સ્વરૃપે બેકારોને સાપ્તાહિક ૬૦૦ ડોલરનો લાભ આપવાનું ચાલુ રાખવા માગીએ છીએ. અમારી આ નિર્ણયથી  જે લોકોએ રોજગારી ગુમાવી છે તેમને મોટા પ્રમાણમાં રાહત મળી રહેશે. 

કેપિટોલમાં યોજાયેલી બે કલાકની બેઠકમાં ટ્રમ્પની ટીમે ૬૦૦ ડોલરનો લાભ ચાલુ રાખવાની ઓફર કરી હતી. ટ્રમ્પના ભાષણ અગાઉ ટોચના રિપબ્લિક સેનેટ મિચ મેકકોનેલે સપ્તાહ અંત સુધી કાર્યવાહી સ્થગિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેટલાક મુદ્દાઓ પર અમે પ્રગતિ સાધી છે જ્યારે કેટલાક મુદ્દાઓ ઉકેલવામાં આપણે હજુ પણ ઘણા પાછળ છીએ.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે અમેરિકાના વાણિજય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ ચાલુ વર્ષના એપ્રિલથી જૂન સુધીના કવાર્ટરમાં અમેરિકન અર્થતંત્રમાં ૩૩ ટકાનો વિક્રમજનક ઘટાડો જોવા મળ્યો છે.  અમેરિકાના ઇતિહાસમાં આ કવાર્ટર સૌથી ખરાબ પુરવાર થયું છે.