જો બાઇડનની સુરક્ષામાં આવેલા સુરક્ષાકર્મચારીઓને લઇ ચિંતાજનક સમાચાર

જો બાઇડનની સુરક્ષામાં આવેલા સુરક્ષાકર્મચારીઓને લઇ ચિંતાજનક સમાચાર

એક અમેરિકા (America), સંયુક્ત અમેરિકા અને માનવતાવાદી અમેરિકાની વાતો કરનારા અને જગતજમાદાર થઈને ફરનારા અમેરિકાની જ વરવી તસવીર સામે આવી છે. ટ્રમ્પના સમર્થકો દ્વારા જો બાઈડેન (Joe Biden)ની શપથ દરમિયાન ફરી હુમલો અને હિંસા કરવામાં આવે તેવી શક્યતા વચ્ચે કેપિટોલ બિલ્ડિંગ (Capitol Building)ની સુરક્ષા માટે 26000 નેશનલ ગાર્ડ (National Guard)ને તહેનાત કરવામાં આવ્યા હતા. આ બધાની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના શપથ ગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહેલા 150થી વધુ સુરક્ષાકર્મચારીઓ કોરોના વાયરસ (Corona Virus)થી સંક્રમિત થયા છે. આ માહિતી એક યુએસના અધિકારીએ આપી છે. જો બાઈડન રાષ્ટ્રપતિપદના શપથ ગ્રહણ કરે એ પહેલાં કેપિટોલ હિલમાં 6 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા કરવામાં આવેલી હિંસા પછી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. 20 જાન્યુઆરીએ બાઈડને અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.

એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે શહેરમાં તહેનાત 25 હજારથી વધુ સુરક્ષાકર્મચારીઓમાંથી ઘણા સુરક્ષાગાર્ડ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોના સંક્રમિત સુરક્ષાકર્મચારીઓની સંખ્યા વધુ વધી શકે છે.

અમેરિકામાં ગત ગુરુવારે સતત બીજા દિવસે કોરોના વાઈરસને પગલે 4 હજારથી વધુ લોકોનાં મોતના મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી રોઇટર્સના પબ્લિક હેલ્થ ડેટા મુજબ, યુએસમાં અત્યારસુધીમાં કોરોનાથી 4,10,000 લોકોનાં મોત થયાં છે. નેશનલ ગાર્ડ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમિત સુરક્ષાગાર્ડ્સને લઈને ચર્ચા કરવામાં આવશે નહિ.

ઉલ્લેખનીય છે કે બે દિવસથી કેપિટોલ બિલ્ડિંગ સાચવતા મોટાભાગના જવાનોને 24 કલાક બાદ ગુરૂવારે જ પરત મોકલી દેવાયા હતા અને જે 5000 જવાનો વધ્યા તેમને કેપિટોલ બિલ્ડિંગની બહાર ધકેલી દેવાયા હતા. આ જવાનોને રસ્તે રઝળતા મૂકી દેવાયા હતા. સૌથી મોટી કરૂણતા એ હતી કે, આ જવાનોને બિલ્ડિંગના પાર્કિંગમાં અને બહાર બગીચામાં પડયા રહેવા છોડી દેવાયા હતા. આ પાંચ હજાર જવાનોમાં મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. એક તરફ વિશ્વમાં કોરોનાની વકરેલી સ્થિતિમાં અમેરિકા મોખરે છે તેમ છતાં જવાનોને આવી રીતે રઝળતા અને ટોળામાં રહેવા છોડી દેવાયા હતા. આ પાંચ હજાર જવાનો વચ્ચે એક જ બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી.

( Source – Sandesh )