જો તમારી પાસે પણ છે એકથી વધારે બેંક એકાઉન્ટ, તો તમને થઈ શકે છે આ 6 નુકસાન, જાણો વિગતે

જો તમારી પાસે પણ છે એકથી વધારે બેંક એકાઉન્ટ, તો તમને થઈ શકે છે આ 6 નુકસાન, જાણો વિગતે

હાલ લોકો પાસે એક કરતાં વધારે બેંક એકાઉન્ટ હોય છે. અને તેમાં પણ ખાસ કરીને પ્રાઈવેટ નોકરીઓ કરતાં લોકોની સંખ્યા તેમાં વધારે છે. કેમ કે, પ્રાઈવેટમાં નોકરી બદલીને અન્ય કંપનીમાં નોકરીએ લાગતાં ત્યાં નવું ખાતું ખુલે છે. આમ જેટલી વખત નોકરીઓ બદલીએ તેટલી વખત નવા એકાઉન્ટ ખોલવામાં આવે છે. પણ જો તમારે પણ એકથી વધારે બેંક એકાઉન્ટ છે, અને તે નિષ્ક્રિય હાલતમાં છે તો તેને તાત્કાલિક બંધ કરાવી દેજો. નહીંતર આવનારા સમયમાં તમને મોટું નુકસાન થઈ શકે છે.

સેલરીમાંથી સેવિંગમાં બદલાઈ જાય છે એકાઉન્ટ

કોઈપણ સેલરી એકાઉન્ટમાં ત્રણ મહિના સુધી સેલરી ન આવતાં તે સેવિંગ એકાઉન્ટમાં બદલાઈ જાય છે. સેવિંગ એકાઉન્ટ થતાં જ બેંકના નિયમ પણ બદલાઈ જાય છે. પછી તે એકાઉન્ટને સેવિંગ એકાઉન્ટની જેમ બેંકના નિયમોનું પાલન કરવું પડે છે. અને તે માટે મિનિમમ બેલેન્સ રાખવું પડે છે. અને બેલેન્સ ન રાખવાના કારણે તમારા પૈસા પણ કપાઈ જાય છે.

એકાઉન્ટ પર મળતાં વ્યાજમાં થશે નુકસાન

એકથી વધારે બેંકોમાં એકાઉન્ટ હોવાને કારણે તમને મોટું નુકસાન થાય છે. તમામ એકાઉન્ટને મેઈન્ટેઈન રાખવા માટે તેમાં અમુક નક્કી કરેલી રકમ નાખવી જ પડે છે. એટલે કે, એકથી વધારે એકાઉન્ટ હોવાને કારણે તમારી મોટી રકમ તો બેંકમાં જ ફસાઈ જાય છે. અને તે રકમ પર તમને વધારેમાં વધારે 4-5 ટકા જ વાર્ષિક રિટર્ન મળી શકે છે. પણ જો આ પૈસા સેવિંગ એકાઉન્ટમાં રાખવાની જગ્યાએ અન્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે તો તેનાથી તમને વધારે સારું રિટર્ન મળી શકે છે.

ખરાબ થઈ જાય છે ક્રેડિટ સ્કોર

એકથી વધારે નિષ્ક્રિય એકાઉન્ટ હોવાને કારણે તમારા ક્રેડિટ સ્કોર ઉપર પણ તેની ખરાબ અસર પડે છે. તમારા ખાતામાં ન્યુનતમ બેલેન્સ મેઈન્ટેઈન ન હોવાને કારણે ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે. એટલા માટે તમે નિષ્ક્રિય ખાતાને ગંભીરતાથી લે જો અને નોકરી છોડ્યા બાદ તરત જ એ ખાતાને બંધ કરાવી દેજો.

ઈન્કમ ટેક્સ ફાઈલમાં આવે છે મુશ્કેલી

વધારે બેંકોમાં એકાઉન્ટ હોવાને કારણે ટેક્સ જમા કરતી સમયે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પેપર વર્ક કરવામાં પણ અનેક માથાકૂટોનો સામનો કરવો પડે છે. સાથે જ ઈન્કમ ટેક્સ ફાઈલ કરતા સમયે તમામ બેંક ખાતાઓ સાથે જોડાયેલી જાણકારીઓ રાખવી પડે છે. અને એ તમામ બેંકોના સ્ટેટમેન્ટ ભેગા કરવામાં પણ પરેશાની ઉઠાવવી પડે છે.

લાગે છે એકસ્ટ્રા ચાર્જ

અનેક એકાઉન્ટ હોવાને કારણે તમને વાર્ષિક મેઈન્ટેન્સ ફી અને સર્વિસ ચાર્જ આપવો પડે છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઉપરાંત અન્ય બેંકિંગ સુવિધાઓ માટે પણ તમારી પાસે ચાર્જ વસૂલ કરવામાં આવે છે. તો અહીં પણ તમને પૈસાનું નુકસાન ઉઠાવવું પડે છે.

સુરક્ષાની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી

અનેક બેંકોમાં એકાઉન્ટ હોવું સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય નથી. દરેક વ્યક્તિ એકાઉન્ટનું સંચાલન નેટ બેંકિંગ મારફતે કરે છે. તેવામાં તમામનો પાસવર્ડ યાદ રાખવો મુશ્કેલ છે. નિષ્ક્રિય એકાઉન્ટનો ઉપયોગ ન કરવાને કારણે તમારી સાથે ફ્રોડ થવાના ચાન્સ વધી જાય છે. કેમ કે, તમે લાંબા સમય સુધી તમારો પાસવર્ડ બદલતા નથી. અને આ ફ્રોડથી બચવા માટે તમે એકાઉન્ટ બંધ કરી દો અને નેટ બેંકિંગને પણ ડિલિટ કરી દો.