જેક મા લાવશે વિશ્વનો સૌથી મોટો ૩૫ અબજ ડોલરનો આઇપીઓ

જેક મા લાવશે વિશ્વનો સૌથી મોટો ૩૫ અબજ ડોલરનો આઇપીઓ

ચીનના અબજોપતિ જેક માની કંપની અલીબાબા સાથે સંકળાયેલું એન્ટ ગ્રૂપ વિશ્વનો સૌથી મોટો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહ્યું છે. એન્ટ ગ્રૂપનો આઇપીઓ ૩૫ અબજ અમેરિકી ડોલર એટલે કે અંદાજિત રૂપિયા ૨.૫૬ લાખ કરોડનો રહેશે. એન્ટ ગ્રૂપના આ આઇપીઓનું કદ ભારતમાં પાંચ વર્ષમાં આવેલા આઇપીઓનો કુલ સરવાળા કરતાં પણ મોટું છે. વિશ્વનો સૌથી મોટો આ આઇપીઓ હોંગકોંગ અને શાંઘાઇ સ્ટોક એક્સ્ચેન્જમાં આવી રહ્યો છે. બાર્કલેઝ, આઇસીબીસી ઇન્ટરનેશનલ અને બેન્ક ઓફ ચાઇના ઇન્ટરનેશનલ આ આઇપીઓના બુક-રનર્સ છે. હોંગકોંગમાં સીઆઇસસી, સિટી ગ્રૂપ, જે પી મોર્ગન અને મોર્ગન સ્ટેન્લી આ આઇપીઓ સ્પોન્સર કરી રહ્યાં છે. શાંઘાઇમાં સીઆઇસીસી અને ચાઇના સિક્યોરિટીઝ તેના સ્પોન્સર છે.

સાઉદી અરામ્કોએ આઇપીઓ દ્વારા ૨૯.૪ અબજ ડોલર એકઠાં કર્યાં હતાં

સાઉદી  અરબની સરકારી માલિકીની વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની સાઉદી અરામ્કોએ વર્ષ ૨૦૧૯માં વિશ્વનો સૌથી મોટો આઇપીઓ લાવવાનું કીર્તિમાન હાંસલ કર્યું હતું. આ આઇપીઓ દ્વારા કંપનીએ ૨૯.૪ અબજ અમેરિકન ડોલર એકઠાં કર્યાં હતાં. સાઉદી અરામ્કોનો આ આઇપીઓ વિશ્વનો સૌથી મોટો આઇપીઓ ગણાય છે. ઉલ્લેખનીય છે કે, ચીન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવને પહલે એન્ટ ગ્રૂપના આઇપીઓનું લિસ્ટિંગ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં નહીં થાય.

એન્ટ ગ્રૂપ : એટ એ ગ્લાન્સ

  • ૧૦.૫ અબજ ડોલરની પ્રથમ ૬ માસિકમાં આવક
  • ૩.૨ અબજ ડોલરનો નફો કર્યો
  • ૨૯૦ અબજ ડોલર વિવિધ એકાઉન્ટમાં ક્રેડિટ
  • ૧૬ લાખ કરોડ ડોલરની કુલ લેવડદેવડ

અત્યાર સુધીના સૌથી મોટા આઇપીઓ

  • ૨૯.૪ અબજ ડોલર સાઉદી અરામ્કો (સાઉદી અરબ)
  • ૨૫ અબજ ડોલર અલીબાબા (ચીન)
  • ૨૨.૧ અબજ ડોલર એગ્રિકલ્ચર બેન્ક ઓફ ચાઇના (ચીન)
  • ૨૧.૯ અબજ ડોલર આઇસીબીસી (ચીન)
  • ૨૦.૫ અબજ ડોલર એઆઇએ (હોંગકોંગ)
  • ૨૦.૧ અબજ ડોલર જનરલ મોટર્સ (અમેરિકા)
  • ૧૮.૪ અબજ ડોલર ડોકોમો (જાપાન)
  • ૧૭.૮ અબજ ડોલર વિઝા (અમેરિકા)
  • ૧૭.૪ અબજ ડોલર એનેલ (ઇટાલી)
  • ૧૬.૦ અબજ ડોલર ફેસબૂક (અમેરિકા)