જમ્મુ-કાશ્મીર DDC ચૂંટણી: BJP બની સૌથી મોટી પાર્ટી, ગુપકાર સૌથી મોટું ગઠબંધન

જમ્મુ-કાશ્મીર DDC ચૂંટણી: BJP બની સૌથી મોટી પાર્ટી, ગુપકાર સૌથી મોટું ગઠબંધન

જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં જિલ્લા વિકાસ પરિષદ (DDC)ની 280 સીટો પર થયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કાશ્મીરની પાર્ટીઓના ગુપકાર ગઠબંધનની વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળી રહ્યો છે. રાજ્ય ચૂંટણી પંચ (State Election Commission)ના અધિકારીઓએ જણાવ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં 8 તબક્કામાં થયેલી ચૂંટણીમાં 450થી વધારે મહિલા ઉમેદવારો સહિત કુલ 2178 ઉમેદવાર મેદાનમાં છે.

બીજેપીએ અત્યાર સુધી  65 સીટો પર જીત નોંધાવી

જમ્મુ-કાશ્મીર સ્ટેટ ઇલેક્શન ઑથોરિટીના સૂત્રો પ્રમાણે ડીડીસી ચૂંટણીના પરિણામને લઇને આંકડા જાહેર થયા છે, જે અનુસાર બીજેપી અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. બીજેપીએ 65 સીટો પર જીત નોંધાવી છે. જમ્મુ-કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીના રિઝલ્ટમાં ગુપકાર ગઠબંધન ભલે આગળ ચાલી રહ્યું છે, પરંતુ બીજેપીએ મુસ્લિમ બહુમતીવાળી કાશ્મીર ખીણમાં એક સીટ જીતીને એક રીતે રેકૉર્ડ બનાવ્યો છે.

ગુપકાર બન્યું સૌથી મોટું ગઠબંધન

ઉલ્લેખનીય છે કે બીજેપીની વિરુદ્ધ 7 દળોએ ગુપકાર ગઠબંધન બનાવીને એક સાથે ચૂંટણી લડી છે. ગુપકાર ગઠબંધનમાં નેશનલ કૉન્ફરન્સ, પીડીપી, પીપલ્સ કૉન્ફરન્સ, અવામી નેશનલ કૉન્ફરન્સ, J&K પીપલ્સ મૂવમેન્ટની સાથે સીપીઆઈ અને સીપીએમ સામેલ છે. બીજેપીના ઉમેદવાર એજાઝ હુસૈને જીત બાદ કહ્યું કે, “અમે ગુપકાર ગઠબંધનના ઉમેદવારની વિરોધ લડાઈ લડી અને બીજેપી આજે શ્રીનગરમાં જીતી. હું જમ્મુ-કાશ્મીર અને સુરક્ષાદળોના લોકોને અભિનંદન પાઠવું છે.”

બીજેપી થયું ગદગદ

બીજેપી નેતા રામમાધવને હુસૈનને જીતના અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, ‘ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એજાઝને જીત માટે અભિનંદન. ડીડીસી ચૂંટણીમાં કાશ્મીરની બલ્હામા સીટ પર જીત માટે અભિનંદન.’ તો અનુરાગ ઠાકુરે કહ્યું કે, ભવિષ્યમાં જલદી વિધાનસભાની ચૂંટણી પણ થશે. જમ્મુ-કાશ્મીરને અમારો વાયદો છે કે ફુલ સ્ટેટ પણ થશે અને આપણો સીએમ પણ હશે. ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલમાં સૌથી વધારે ચેરમેન બીજેપીના હશે, આ અમારો વાયદો છે. આ ચૂંટણીથી જમ્મુ-કાશ્મીરના વિકાસમાં ઘણી તેજી આવશે કેમકે, ચૂંટાયેલા પ્રતિનિધિ જનતા પ્રત્યે જવાબદાર હોય છે અને તેમનું કામ કરાવે છે.