જગતનો તાત બે હાથ જોડી મેઘરાજાને કહે છે-‘બાપજી હવે ખમૈયા કરો’,ક્યારે વરસાદ લેશે વિદાય

જગતનો તાત બે હાથ જોડી મેઘરાજાને કહે છે-‘બાપજી હવે ખમૈયા કરો’,ક્યારે વરસાદ લેશે વિદાય

આ વર્ષે ગુજરાતમાં મેઘરાજાએ મોડી પધરામણી કરી, પરંતુ ત્યારબાદ અવરીત પણે વરસી રહ્યા છે. અને હવે લીલા દુષ્કાળની શક્યતા જોવાઇ રહી છે. ત્યારે જગતનો તાત વરુણ દેવને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 117 ટકા વરસાદ થયો છે. જેમાં 25 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ તેમજ રાજ્યના તમામ તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે હવે ખેડૂતો વરસાદના વિદાયની રાહ જોઈ રહ્યા છે.

સૌરાષ્ટ્ર ભરમાં મેઘરાજા અવરીત પણે વરસી રહયા છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજાએ અવરીત વરસીને અતિવૃષ્ટિની પરિસ્થિતિ ઉભી કરેલ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલાં ખેડૂતો હવે વરસાદ બંધ થાય તેની પ્રાર્થના કરી રહ્યા છે. જેતપુર તાલુકાના ખેડૂતોની હાલત પણ કફોડી છે. હાલ ખેડૂતોના ખેતરમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયેલ છે. ખેતરોમાં વાવેલાં કપાસ, મગફળી, મકાઈ, તુવેર, તલ વગેરે પાકો બળી રહેલાં નજરે પડે છે. કપાસની વાત કરીએ તો કપાસમાં અતિ વરસાદના હિસાબે મૂળમાંથી જ સડવાની શરૂઆત થઈ ચૂકી છે, કપાસના ઝીંડવા માટે આવેલ ફૂલો ખરીને સડવા મંડ્યા છે, જયારે મકાઈ, તલ વગેરેની હાલત પણ એ જ છે, જયારે મગફળીની વાત કરીએ તો મગફળી ફરીથી જમીનમાં ઉગવાની શરૂઆત થઈ ચૂકી, છે. છેલ્લા 24 દિવસથી વરસી રહેલાં વરસાદને પગલે જેતપુર તાલુકા અને આસપાસના વિસ્તારોમાં અંદાજીત 40% જેટલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

ખેતીવાડી વિભાગીય કચેરીના મતે 10 તાલુકાના સમગ્ર વિસ્તારમાં 3 લાખ હેકટર જેટલું વિવિધ પાકનું વાવેતર થયેલ છે. અવરિત વરસી રહેલાં વરસાદના પગલે હાલ અતિ ષ્ટિ ની શક્યતા નકારી શકાતી નથી, હવે વધારે વરસાદ પડે તો ખેડૂતોને નક્કી નુકસાન થશે. હાલ તો એક સમયે વરુણ દેવને રિઝવી રહેલાં ખેડૂતો તેઓને હાથ જોડીને ખમૈયા કરવા વિનવી રહેલા છે. તો હવામાન વિભાગ મુજબ 26 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ ગુજરાતમાંથી વિદાય લેશે તેવી સંભાવના છે.