જંગલોમાં લાગેલી આગથી ત્રસ્ત ઓસ્ટ્રેલિયામાં 10,000 ઊંટોની હત્યાનો આદેશ

જંગલોમાં લાગેલી આગથી ત્રસ્ત ઓસ્ટ્રેલિયામાં 10,000 ઊંટોની હત્યાનો આદેશ

જળસંકટની સમસ્યા વચ્ચે ઊંટો પાણી વધુ પીતા હોવાની ફરિયાદ

ઊંટો પ્રતિ વર્ષ એક ટન કાર્બન ડાયોક્સાઈડ જેટલા મિથેનનું ઉત્સર્જન કરે છે તેનાથી ગ્લોબલ વોર્મિંગમાં વધારો થાય છે

સિડની, તા. 8 જાન્યુઆરી 2020, બુધવાર

જંગલોમાં લાગેલી આગના કારણે જળસંકટનો સામનો કરી રહેલા દક્ષિણી ઓસ્ટ્રેલિયામાં ૧૦,૦૦૦ જંગલી ઊંટોની હત્યા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. બુધવારથી શરુ થયેલી પાંચ દિવસીય કવાયત દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર નિશાનેબાજો ઊંટોનો શિકાર કરશે. 

દક્ષિણી ઓસ્ટ્રેલિયામાં પાણીની તંગી સર્જાઈ હોવાના લીધે ૧૦,૦૦૦ જંગલી ઊંટોને મારવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે કારણ કે, આ ઊંટો ખૂબ પાણી પીવે છે. ઓસ્ટ્રેલિયાની દક્ષિણ-પશ્ચિમી અનાંગુ પિતજનજાતજારા યાકુનીજાતજારા(એપીવાય) લેન્ડ્સ ખાતે બુધવારથી પાંચ દિવસ સુધી હેલિકોપ્ટર પર સવાર પ્રોફેશનલ શૂટર્સ દ્વારા ઊંટોની હત્યા માટેની કવાયત શરુ કરવામાં આવેલી છે. ઊંટોને મારવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એપીવાય લેન્ડ્સમાં રહેતા કન્યાપી સમૂદાયના લોકો બે સપ્તાહ સુધી તેમના શબના નિકાલની કામગીરી કરશે. 

જાણવા મળ્યા મુજબ તે વિસ્તારના લોકો સતત પાણીની તલાશમાં ઊંટો તેમના ઘરોમાં ઘૂસી આવતા હોવાની ફરિયાદ કરતા હતા જેથી આદિવાસી નેતાઓએ ઊંટોને મારવાનો નિર્ણય લીધો છે. આ ઊંટો પાંચ કિમી દૂરથી જ પાણીના સ્ત્રોતોને સૂંઘી લે છે અને તેના સુધી પહોંચી જાય છે. પાણીની તંગીના કારણે તે વિસ્તારના લોકો એસીના પાણીનો પણ સંગ્રહ કરીને ઉપયોગ કરી રહ્યા છે તેવામાં આ ઊંટો ઘર બહારની વાડોને નુકસાન કરીને આ પાણી પીવા માટે પહોંચી જાય છે. ફેરલ જાતિના આ ઊંટો પાણી વધુ પીવે છે અને તે સિવાય તેમની વસ્તીમાં સતત થઈ રહેલો વધારો પણ એક ચિંતાનો વિષય છે. 

મધ્ય ઓસ્ટ્રેલિયામાં આ પ્રજાતિના ૧૨ લાખથી પણ વધારે ઊંટો વસે છે અને સ્થાનિક પ્રશાસને કરેલા દાવા પ્રમાણે દર નવ વર્ષે જંગલી ઊંટોની વસ્તી લગભગ બમણી થઈ જાય છે. આ ઉપરાંત આ ઊંટો ગ્લોબલ વોર્મિંગની સ્થિતિને પણ વધારી રહ્યા છે. તેઓ દર વર્ષે એક ટન કાર્બન ડાયોક્સાઈડ જેટલા મિથેનનું ઉત્સર્જન કરે છે જેથી તેમની વસ્તીને નિયંત્રણમાં રાખવી ખૂબ જ જરુરી બની ગઈ છે. જંગલી ઊંટો તે વિસ્તારના લોકોની ખેતી વગેરેને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે અને ઘણી વખત તેઓ પાણીના સ્ત્રોતમાં મરી જતા હોવાથી તે પાણી પ્રદૂષિત થઈ જાય છે.