જંગના એંધાણ : ભારતીય એરલાઇન્સે ઈરાની એરસ્પેસનો ઉપયોગ બંધ કર્યો

જંગના એંધાણ : ભારતીય એરલાઇન્સે ઈરાની એરસ્પેસનો ઉપયોગ બંધ કર્યો

। નવી દિલ્હી ।

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી તંગદિલીની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. ઈરાની હવાઈ સીમા પરથી પસાર થવું ખતરો હોવાથી ભારતે તેના વિમાનોને ઈરાની હવાઈ ક્ષેત્રમાંથી ઉડાવવાનું બંધ કરી દીધું છે. ડીજીસીએની સાથે વિચાર વિમર્શ કર્યા બાદ તમામ ભારતીય એરલાઇન્સે ઈરાની એરસ્પેસમાં ન જવાનો નિર્ણય કર્યો છે. એર ઈન્ડિયાના સીએમડી અશ્વિની લોહાણીએ કહ્યું કે આગળની ફ્લાઇટ્સ માટે વૈકલ્પિક રસ્તાઓની વિચારણા ચાલી રહી છે. ઘણી એરલાઇન્સ પણ ઈરાની એરસ્પેસનો ઉપયોગ ન કરવાની જાહેરાત કરી ચૂકી છે. ડીજીસીએ દ્વારા નિવેદનમાં કહેવાયું કે પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય એરલાઇન્સે ઈરાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે.

આ સાથે જ ૯ આંતરરાષ્ટ્રીય એરલાઇન્સોએ પણ ઈરાની એરસ્પેસનો ઉપયોગ ન કરવાની જાહેરાત કરી છે તેમાં યુનાઈટેડ એરલાઇન્સ, યુનાઈટેડ એરલાઇન્સ, લુફ્થાંસા, કૈથે પેસિફિક, ફ્લાય દુબઈ, કેએલએમ, એતિહાદ, કંટાસ અને સિંગાપુર એરલાઇન્સ સામેલ છે. ધ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પણ ચેતવણી આપી હતી કે ઈરાન તેની હવાઈ સીમામાં પ્રવાસી વિમાનોને નિશાન બનાવે તેવી પૂરી સંભાવના છે તેથી આ રૂટ પર કોઈ વિમાન ન ઉડાવવામાં આવે. આથી અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન સહિત સંખ્યાબંધ દેશોના એવિએશન રેગ્યુલેટર્સે તેમની એરલાઇન્સ કંપનીઓને ઈરાન પરથી ઉડાન ભરવાની મનાઈ ફરમાવી દીધી છે.

પશ્ચિમી દેશોનું લાંબુ ચક્કર કાપવું પડશે

ભારતીય એરલાઈન્સે ઈરાની એરસ્પેસ બંધ કરવાથી તેને દક્ષિણ એશિયા તથા પશ્ચિમી એશિયાના દેશો સુધી પહોંચવા માટે લાંબુ ચક્કર કાપવું પડશે. તેની અસર નવી દિલ્હી પર પણ પડશે. હાલમાં પાકિસ્તાની એરસ્પેસ પણ બંધ હોવાથી સરવાળે ભારતને મોંઘુ પડી જશે. ભારતીય એરલાઈન્સનો ઈંધણ ખર્ચ અનેક ગણો વધી જશે. સરવાળે ઈરાની એરસ્પેસને ટાળવું ભારત માટે ખર્ચાળ સાબિત થશે. પરંતુ પ્રવાસીઓ અને વિમાનોની સુરક્ષા કાજે આ નિર્ણય લેવાયો છે.

પર્શિયાની ખાડીમાં ઊકળતો ચરુ : ભારતીય નૌકાદળે દેશના વ્યાપારી જહાજોને સુરક્ષા આપી

પર્શિયાની ખાડીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સર્જાયેલા તણાવને પગલે ભારતીય નૌકાદળે પર્શિયાની ખાડીમાંથી પસાર થતાં ભારતીય વેપારી જહાજોને સુરક્ષા પ્રદાન કરી છે. એક નિવેદનમાં ભારતીય નૌકાદળે જણાવ્યું છે કે, અમે આ વિસ્તારમાં એરિયલ સર્વેલન્સ પણ શરૂ કર્યું છે. મેરિટાઇમ સિક્યોરિટી ઓપરેશન અંતર્ગત ભારતીય નૌકાદળના બે યુદ્ધ જહાજો આઇએનએસ ચેન્નઈ અને આઈએનએસ સુનયનાને ઓમાનની ખાડી અને પર્શિયાના અખાતમાં તહેનાત કરાયાં છે. આ વિસ્તારમાંથી પસાર થતા ભારતીય વેપારી જહાજોને સંરક્ષણ આપવા માટે નૌકાદળ દ્વારા ઓપરેશન સંકલ્પ શરૂ કરાયું છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ મધ્યે ભારતે હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા ભારતીય વેપારી જહાજો પર નૌકાદળના અધિકારીઓ અને નાવિકો તહેનાત કરવાની યોજના બનાવી છે. નૌકાદળના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હોર્મુઝની ખાડીમાંથી પસાર થનારા દરેક ભારતીય વેપારી જહાજ પર નૌકાદળના એક અધિકારી અને બે નાવિક તહેનાત કરાશે.