છોકરીઓની છેડતી કરનારા રોમિયો હવે ચેતી જજો, ‘પાસા એક્ટ’ના નવા કાયદા હેઠળ રાજકોટમાં પ્રથમ કેસ

છોકરીઓની છેડતી કરનારા રોમિયો હવે ચેતી જજો, ‘પાસા એક્ટ’ના નવા કાયદા હેઠળ રાજકોટમાં પ્રથમ કેસ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં મહિલાઓ ઉપર દિવસેને દિવસે છેડતી, બળાત્કાર અને માનસિક ત્રાસના ગુનાઓ વધી રહ્યા છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે તાજેતરમાં પાસા એક્ટનો કાયદો પ્રસાર કરવામાં આવ્યો છે. ત્યારે છોકરીઓની છેડતી કરનારા હવે ચેતી જજો, હાલ રાજકોટમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે.

રાજકોટમાં નવા કાયદા હેઠળ પ્રથમ કાર્યવાહી કરીને એક ઉમદા ઉદાહરણ પુરું પાડવામાં આવ્યું છે. રાજકોટમાં છેડતી કરનારા બે આરોપીઓ પાસા એક્ટ હેઠળ જેલહવાલે કરી દેવામાં આવ્યો છે. ઝડપાયેલા બન્ને આરોપીઓએ રાજકોટના એક મોલમાં શો-રૂમ સંચાલિકાની છેડતી કરી હતી. ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પાસાના નવા કાયદા હેઠળ રાજકોટમાં પ્રથમ કેસ નોંધાતા આરોપીઓમાં ફફડાટ વધુ વ્યાપશે.

રાજ્ય સરકાર દ્વારા ગુનાખોરી પર અંકુશ લાવવા માટે જુગાર, એનડીપીએસ, ટપોરીઓ, લફંગાઓ, છેડતી કરનારાઓને પણ પાસામાં ધકેલવાના ઘડાયેલા નવા કાયદા હેઠળ રાજ્યમાં પ્રથમ વખત રાજકોટ શહેર પોલીસ દ્વારા મહિલાની પજવણી કરનારા બે શખસોની પાસા કરાયા છે.

પોલીસના સૂત્રોની વિગતો મુજબ ત્રણ દિવસ પહેલા શહેરના કાલાવાડરોડ પરના ક્રિસ્ટલ મોલમાં શોપ સંચાલિકાની ચાર શખસોએ સરાજાહેર બિભત્સ ઈશારાઓ, એવા શબ્દો બોલીને છેડતી કરી હતી જે ઘટનામાં ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે જૂનાગઢના વતની અને રાજકોટમાં વામ્બે આવાસ યોજનામાં રહેલા અનમોલ રમેશભાઈ વાળા ઉ.22 તથા જામનગરના પીઠડીયા ગામના વતની કાળું ઉર્ફે ચિરાગ વિનોદભાઈ મકવાણા ઉ.વ.24 (રહે. નવદુર્ગાપરા મોટામવા) સહિત ચારની ધરપકડ કરી હતી.

બન્ને પૈકી અનમોલ સામે મારામારી, ચોરી, નિર્લજ હુમલો કરવાના ત્રણ ગુનાઓ તેમજ કાળુ સામે આઈટી એક્ટ તથા નિર્લજ હુમલા કરવાના બે ગુના નોંધાઈ ચૂક્યા હોવાથી સી.પી. ડીસીપીની સુચના આધારે નવા કાયદા હેઠળ યુનિવર્સિટી પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. મંજૂરી આધારે અગાઉ પણ પાસામાં જઈ આવેલા અનમોલને ભુજ તથા કાળુને અમદાવાદ જેલમાં મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મોલમાં વેપારીઓ તથા ખાનગી સિક્યુરીટીના માણસો સાથે મિટીંગ કરી જો આવા કોઈ બનાવ બને તો તુર્ત જ પોલીસને જાણ કરવા પણ અપીલ કરી હતી.

રાજકોટના મોલમાં શો-રૂમ સંચાલિકા યુવતીની છેડતી થતા તેમને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરીને બન્ને આરોપીઓને દબોચી લીધા હતા. છેડતી કરનાર બન્ને આરોપીઓને રાજકોટના DCP મનોહરસિંહ જાડેજાએ પાસા એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરી હતી. સરકાર દ્વારા પાસાના નવા કાયદા બાદ પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયો છે જે સમગ્ર રાજ્ય માટે એક ઉમદું ઉદાહરણ બનશે.