‘ચેતી જજો, કોરોનાથી ગભરાયેલા પરિવારને બ્લેકમેલ કરતી હોસ્પિટલોને બંધ કરાવી દઈશ’, કોરોના પતી જવા દો પછી…

‘ચેતી જજો, કોરોનાથી ગભરાયેલા પરિવારને બ્લેકમેલ કરતી હોસ્પિટલોને બંધ કરાવી દઈશ’, કોરોના પતી જવા દો પછી…

કોરનાથી ગભરાયેલા પરિવારને ઇમોશનલી બ્લેકમેઇલ કરી બેફામ ચાર્જ વસૂલતા પ્રાઇવેટ હોસ્પિટલોના માલિકોને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચેતી જવા ચેતવણી આપી છે. ગુરુવારે તેમણે કહ્યું કે એક જ રાતનું રૂમનું ભાડું રૂ. 30 હજાર વસૂલ્યાની મને મળી છે. આરોગ્ય મંત્રી તરીકે અનેક રજૂઆતો મારી પાસે છે. અત્યારે જરૂર છે એટલે કંઈ બોલતા નથી પણ ડિઝાસ્ટાર એક્ટ હેઠળ સરકારને સત્તા છે એથી મોટા પ્રમાણમાં ચાર્જ વસૂલી કરતી હોસ્પિટલો પણ બંધ થઈ જશે તે સંચાલકોને ખબર હોવી જોઈએ.

પ્રાઇવેટ હોસ્પિટલોએ પણ હાઈકોર્ટમાં કહ્યા મુજબ અને સરકારે જ્યાં 50 ટકા બેડ રિઝર્વ રાખવા કહ્યું છે ત્યાં નક્કી કર્યા મુજબ ચાર્જથી વધુ ચાર્જ લઈ શકે નહીં. ઘણી હોસ્પિટલો બેડ, વેન્ટિલેટર, સગવડ- સુવિધાઓને નામે મોટા પ્રમાણમાં ચાર્જ વસૂલે છે, મોટા બિલો આપે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આવી હોસ્પિટલોને આરોગ્યમંત્રી તરીકે ચેતવણી આપું છું કે, અત્યારે કંઈ બોલતો નથી પણ બધું મારા ધ્યાને છે. કોરોના પતી જાય એટલે કડક કાર્યવાહી કરીશ.

ડિઝાસ્ટર એક્ટ હેઠળ આવી હોસ્પિટલોને કાયમી ધોરણે બંધ કરવા, સીઝ કરવાથી લઈને કબજો લેવાની પણ સરકારને સત્તા છે. આથી, જ્યાંથી પણ મારી પાસે ફરિયાદ આવશે ત્યાં કડક કાર્યવાહી થશે. દર્દીઓ અને તેમના સગાંઓ મોટા બિલ વસૂલતી હોસ્પિટલો સંદર્ભે પુરાવા સાથેની વિગતો મારી ઓફિસે મોકલે તેવી અપીલ. સરકાર પહેલાથી જ સારવાર માટે PPE કિટ, દવા સહિતનો જથ્થો પ્રાઇવેટ હોસ્પિટલોને પણ આપે છે.

ર્સ્ટિલગ હોસ્પિટલે સીધી CM સાથે ગોઠવણ પાડી ?

કોરોનાના વધતા જતા કેસની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્ય સરકારે અમદાવાદની અનેક ખાનગી હોસ્પિટલ્સને તેમની ક્ષમતાના 50 ટકા બેડ કોરોનાના દર્દીઓની સારવાર માટે અલાયદા રાખવા કડક આદેશ કરવા છતાં સરકારી રાહતો અને લાભ સાથે મસમોટો નફો રળતી ર્સ્ટિંલગ હોસ્પિટલે આમાં ધરાર દાંડાઈ કરી. અમદાવાદની કોરોનાની સ્થિતિને નાથવા જરૂરી તમામ નિર્ણયોની સત્તા ધરાવતા અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાએ ર્સ્ટિલગની ફાઈલો ઉથલાવી તેની શાન ઠેકાણે લાવવા ઔડા મારફતે તેને નોટિસો પણ ફટકારાવી.

બબ્બે નોટિસોમાં જવાબ આપવા, ન આપવાના નાટકો ચાલ્યા. ર્સ્ટિલગે ઔડાને ય દાદ ન આપી. ર્સ્ટિંલગની આ દાદાગીરી કેવી રીતે ચાલી શકે છે તેવા આંચકા સહિતના આશ્ચર્ય વચ્ચે એવો પણ પ્રશ્ન ઉઠાવાઈ રહ્યો છે કે, ર્સ્ટિંલગના સંચાલકોએ સ્થાનિક સત્તામંડળના એકપણ હુકમોને ધરાર ન ગણકારવાની હિંમત કરી છે તેની પાછળ તેમણે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે જ આ મામલે ગોઠવણ પાડી દીધી છે કે શું?

ગુજરાતમાં ફરી લોકડાઉન એ અફવા

ગુજરાતમાં ફરીથી લોકડાઉન આવશે એ અફવા છે, હાલ આવી કોઈ વિચારણા નથી. રાજસ્થાને સરહદ સીલ કરતા ત્યાં જવા ઇચ્છતા રાજસ્થાનના નાગરિકો ચેકપોસ્ટ ઉપર અટવાઈ પડયા છે. ગુજરાતમાં તો પહેલાથી જનજીવન થાળે પડે તેટલા માટે વિવિધ છૂટછાટ આપ્યાનું નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું.