ચુકાદો / હરાજીની જમીન લેનાર ખેડૂત ન હોય તો કલેક્ટરની મંજૂરીથી સોદો માન્ય ગણાશે

ચુકાદો / હરાજીની જમીન લેનાર ખેડૂત ન હોય તો કલેક્ટરની મંજૂરીથી સોદો માન્ય ગણાશે

દસક્રોઈના અરજદારે કરેલી રિટમાં હાઇકોર્ટનો નિર્ણય

અમદાવાદ: દસક્રોઇ તાલુકામાં હરાજીથી જમીન ખરીદનાર વ્યક્તિ ખેડૂત નહીં હોવાથી તેમણે બેન્ક સાથે કરેલો સોદો સરકારે રદ કરતા અરજદારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે તેના ચુકાદામાં એવું અવલોકન કર્યુ છે કે, જ્યારે બેન્ક કે કોર્ટ દ્વારા જમીનની હરાજી થતી હોય ત્યારે જમીન ખરીદનાર વ્યક્તિ ખેડૂત ન હોય તો સોદો કલેક્ટરની મંજૂરી બાદ માન્ય ગણાય છે.
દસક્રોઈનો વ્યક્તિ ખેડૂત ન હોવાથી હરાજીમાં ખરીદેલી જમીનનો સોદો સરકારે રદ કરી દેવાના નિર્ણય સામે હાઇકોર્ટમાં રિટ કરી હતી.

હરાજીની રકમમાં સૌથી ઊંચો ભાવ 1 લાખ બોલવામાં આવ્યો હતો
દસક્રોઇ તાલુકાના ખેડૂતે 1970માં કો.ઓપરેટિવ સોસાયટી પાસેથી લોન લીધી હતી. પરંતુ કોઇ કારણોસર લોન ભરપાઇ નહીં કરી શકતા 1984માં તેમની સામેનું દેવું 90 હજાર સુધી પહોંચ્યુ હતું. જેના લીધે બેન્કે લોન રિકવરીની રકમ મેળવવા ખેડૂત પાસેથી લીધેલી 36 એકર જમીન વેચવા કાઢી હતી. હરાજીની રકમમાં સૌથી ઊંચો ભાવ 1 લાખ બોલવામાં આવ્યો હતો. પરતું સરકારે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો કે બોલી બોલનાર વ્યક્તિ ખેડૂત નથી તેથી તેમનો સોદો રદ કરવામાં આવે છે.
તેની સામે જમીન ખરીદનારે એવી દલીલ કરી હતી કે હાલમાં અમે ખેડૂત નથી પરંતુ 1984માં અમે ખેડૂત હતા અને સોદો કર્યો તે સમયે અમે ખેડૂત હતા.પરંતુ સોદો મંજૂર કરવા કલેક્ટરની સહી કરાવી નથી. સિંગલ જજે સરકારના આદેશને રદ કરીને બિનખેડૂત માલિકોને ખરીદેલી જમીન પ્રક્રિયા યોગ્ય ઠેરવી હતી.તેની સામે જમીનના મૂળ માલિકોના વારસદારોએ ખંડપીઠમાં અપીલ કરી હતી. ખંડપીઠે સિંગલ જજના ચુકાદાને રદ કરીને હરાજીથી ખરીદેલી જમીનના માલિકો ખેડૂત ન હોય તો સોદા પર કલેક્ટરની મંજૂરી મેળવીને જમીન તેમને આપવા આદેશ કર્યો છે.