ચાર્જર વગરના ફોન બદલ એપલને 20 લાખ ડૉલર દંડ

ચાર્જર વગરના ફોન બદલ એપલને 20 લાખ ડૉલર દંડ

અબજો કમાતી કંપનીને વધારે કમાઈ લેવું છે !

બ્રાઝિલમાં કંપનીએ પર્યાવરણના નામે ચાર્જર-ઈઅર ફોન બંધ કર્યા પણ ભાવ ન ઘટાડયો

બ્રાઝિલિયા : આઈફોન ઉત્પાદક કંપની એપલને બ્રાઝિલમાં વધારે પડતી લાલચ ભારે પડી છે. અહીંની કન્ઝ્યુમર એજન્સીએ કંપનીને 20 લાખ ડૉલરનો દંડ ફટકાર્યો છે, કેમ કે કંપનીએ આઈફોન-12 ચાર્જર સહિતની કેટલીક એસેસરિઝ વગર વેચ્યા હતા.

અગાઉ કંપનીએ જાહેરાત કરી હતી કે પર્યાવરણના હિતમાં ઈલેક્ટ્રોનિક વેસ્ટ ન સર્જાય એટલે કંપની નવા ફોનમાં ચાર્જર-ઈયરફોન જેવી સામગ્રી નહીં આપે. નવો ફોન ખરીદનારા સામાન્ય રીતે આવી એસેસરિઝની અપેક્ષા રાખતા હોય છે.

બ્રાઝિલની એજન્સીએ કંપનીને પૂછ્યું હતું કે આ સામગ્રી નથી આપતા તો પછી ફોનનો ભાવ ઘટાડશો? પણ કંપનીએ તેનો જવાબ આપ્યો ન હતો. એપલ જંગી નફો કરતી કંપની છે અને તેની સામે તેના ફોનની ઉત્પાદન કિંમત ઘણી વાર સાવ ઓછી જોવા મળી છે.

એપલ પોતાની પ્રોડક્ટની કિંમત અસાધારણ હદે ઊંચી રાખે છે અને તેનો નફો ખુબ ઊંચો હોય છે. એપલ જે ફોન અમેરિકામાં 729 ડૉલરમાં વેચે છે, એજ ફોન બ્રાઝિલમાં 1200 ડૉલરમાં વેચી રહી છે. એપલની આ ગરબડ બ્રાઝિલ સરકારે ચલાવી લીધી ન હતી. બ્રાઝિલની એજન્સીએ કહ્યું હતું કે એપલે સમજી લેવું જોઈએ કે અમારા દેશની ધરતી પર અમારા કાનૂન ચાલે છે, તેનું પાલન કરવું ફરજિયાત છે.