ચન્દ્રયાનથી લેન્ડર અલગ : ‘વિક્રમ’ રચવા સજ્જ

ચન્દ્રયાનથી લેન્ડર અલગ : ‘વિક્રમ’ રચવા સજ્જ

। નવી દિલ્હી ।

ચન્દ્રયાન-૨ના ઓર્બિટરમાંથી લેન્ડર વિક્રમ સોમવારે બપોરે સફળતાપૂર્વક અલગ થઈ ગયું હતું. ઇસરોના જણાવ્યા પ્રમાણે બપોરે ૧:૧૫ કલાકે વિક્રમ અલગ થઈ ગયું હતું. તે હવે સાત સપ્ટેમ્બરે ચન્દ્રની ધરતી ઉપર ઉતરાણ કરશે. ઉલ્લેખનીય છે કે, ચન્દ્રની ભ્રમણકક્ષામાં ફરી રહેલા ઓર્બિટર અને લેન્ડર રવિવારે જ પાંચમી કક્ષામાં પ્રવેશ્યા હતા. મહત્ત્વની વાત એ છે કે, આગામી એક વર્ષ સુધી આ ઓર્બિટર ચન્દ્રની ભ્રમણકક્ષામાં ફર્યા કરશે. બંને હાલમાં સરેરાશ ચન્દ્રની ધરતીથી ૧૨૨ કિ.મી દૂર પરિભ્રમણ કરી રહ્યા છે.

લેન્ડર વિક્રમ આગામી બે દિવસમાં ચન્દ્રથી ૩૬ કિ.મી દૂર રહીને તેનું પરિભ્રમણ કરશે. આ દરમિયાન લેન્ડર વિક્રમને ત્રણ સેકન્ડ માટે રોકીને તેની પરિભ્રમણ કક્ષાથી તદ્દન વિપરીત દિશામાં ચલાવવામાં આવશે પછી પોતાની કક્ષામાં આગળ વધારવામાં આવશે. લેન્ડર યોગ્ય રીતે કામ કરી શકે છે કે નહીં તે જાણવા માટે આ પ્રયોગ કરાશે. ૪ સપ્ટેમ્બરે અંતિમ વખત લેન્ડરની પરિભ્રમણ કક્ષા બદલાશે. આગામી ત્રણ દિવસ તમામ ઉપકરણોની તપાસ કરીને ચન્દ્ર ઉપર ઉતારવામાં આવશે.

પીએમ મોદી ૫૦ બાળકો સાથે લાઇવ જોશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ઐતિહાસિક ક્ષણને લાઇવ જોવાના છે. તેઓ ઇસરોના મુખ્યાલયમાં હાજરી આપવાના છે. આ ઘટનાને ખાસ બનાવવા દેશભરમાં જે સ્પેસ ક્વિઝ યોજાઈ હતી તેના વિજેતા બાળકો પણ ઇસરોમાં હાજરી આપવાના છે. પીએમ મોદી આવા ૫૦ બાળકો સાથે ચન્દ્રયાનની સફળતાને જોશે.

પૃથ્વી અને ચન્દ્રનું વાસ્તવિક અંતર જાણવા મળશે

ઇસરોના અધિકારીઓએ જણાવ્યું કે, ચન્દ્રયાન-૨ સાથે એક લ્યૂનર લેઝર રેટ્રોરીફ્લેક્ટર એરે પણ મોકલવામાં આવ્યું છે. હાલમાં ચન્દ્ર ઉપર આવા પાંચ ઉપકરણો છે તેમ છતાં યોગ્ય અંતર જાણી શકાયું નથી. ચન્દ્રયાન-૨ થકી મોકલાયેલું રેટ્રોરીફ્લેક્ટર લેઝરના ખૂબ જ ઓછા કિરણોનો વ્યય કરે છે. તેના કારણે પૃથ્વી અને ચન્દ્ર વચ્ચેનું સચોટ અંતર જાણી શકાય છે. તેથી ચન્દ્રયાન-૨ પાસેથી વિશ્વને વધારે અપેક્ષાઓ છે.

એટ એ ગ્લાન્સ આ તબક્કા પ્રમાણેલેન્ડ થશે વિક્રમ

૩ સપ્ટેમ્બરે સવારે ૮:૪૫ થી ૯:૪૫ સુધીમાં વિક્રમ લેન્ડર નવી કક્ષામાં પ્રવેશ કરશે.

  • તે ૧૨૦ કિ.મીની પેરીઝીમાં પરિભ્રમણ કરશે. તેને ડિઓર્બિટ કહેવામાં આવશે. તેમાં લેન્ડર યાનથી વિપરીત દિશામાં આગળ વધશે.
  • ચન્દ્રના દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડિંગ કરવા માટે લેન્ડર વિક્રમે વિપરીત દિશામાં જવું જ પડશે.

૪ સપ્ટેમ્બરે સાંજે ૩થી ૪ કલાકે ચન્દ્રની સૌથી નજીકની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. તે ચન્દ્રના ૩૬ કિ.મીના અંતરે પહોંચશે.

૫ અને છ સપ્ટેમ્બર દરમિયાન લેન્ડરના સેન્સર્સ, પેલોડ્સ, પ્રજ્ઞા।ન રોવરની ચકાસણી કરવામાં આવશે.

૬ અને સાત સપ્ટેમ્બરની મધરાત્રે ૧:૪૦ કલાકે લેન્ડર ચન્દ્રની સપાટી ઉપર ઊતરવાની શરૂઆત કરશે અને ૧૫ જ મિનિટમાં ચન્દ્રના સાઉથ પોલ ઉપર ઉતરાણ કરશે.

  • તે ક્રેટર મેંજિનસ સી અને સિંપ્લિયસ એન નામના બે ક્રેટર વચ્ચે ઊતરશે. લેન્ડિંગના બે કલાક બાદ એટલે કે અંદાજે પરોઢિયે ૪ કલાકે રેમ્પની બહાર નીકળશે. ૫:૦૫ વાગ્યે રોવરની સોલાર પેનલ ખૂલી જશે.

૫:૧૦ કલાકે તે ચન્દ્રની સપાટી ઉપર ચાલવાનું શરૂ કરશે. તેના ૪૫ મિનિટ બાદ રોવર પણ ચન્દ્ર ઉપર ઊતરશે.

  • ત્યારબાદ રોવર પોતાની કામગીરી શરૂ કરતા તેની અને લેન્ડરની સેલ્ફી લેશે. તે પાંચ કલાક બાદ પૃથ્વી ઉપર મોકલશે.
  • તે એક સે.મી. પ્રતિ સેકન્ડની ઝડપે ૧૪ દિવસ સુધી ચન્દ્રની સપાટી ઉપર ફરશે. આ દરમિયાન તે કુલ ૫૦૦ મીટર અંતર કાપીને તેની જમીન અંગે માહિતી મેળવશે.