ચંદ્રયાન-3ની તડામાર તૈયારી શરૂ આવતા વર્ષે નવેમ્બર સુધીમાં લોન્ચ થશે

ચંદ્રયાન-3ની તડામાર તૈયારી શરૂ આવતા વર્ષે નવેમ્બર સુધીમાં લોન્ચ થશે

ચંદ્રયાન-2ની આંશિક નિષ્ફળતા ખંખેરી ઈસરોએ આગેકૂચ આદરી

ચંદ્રયાન-3માં ઓર્બિટર નહીં હોય, માત્ર લેન્ડર અને રોવર હશે

બેંગાલુરૂ, તા. 14 નવેમ્બર, 2019, ગુરૂવાર

ઈસરોએ ચંદ્રયાન-2ની આંશિક નિષ્ફળતાને ભૂલી જઈને ભવિષ્યના પ્રોજેક્ટ પર ધ્યાન આપ્યું છે. ઈસરોના આગામી પ્રોજેક્ટ્સમાં વિવિધ સેટેલાઈટ લૉન્ચિંગ સાથે ચંદ્રયાન-3 પણ શામેલ છે.

ઈસરોએ એ માટે અત્યારે નવેમ્બર 2020 એટલે કે અત્યારથી એક વર્ષની ડેડલાઈન નિર્ધારિત કરી છે. ચંદ્રયાન-2 સપ્ટેમ્બર 2019માં ચંદ્ર પર પહોંચ્યુ હતું. ચંદ્રયાન-2ના લેન્ડરને ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરવામાં નિષ્ફળતા મળી હતી. ચંદ્રયાન-2નો એ સિવાયનો ઓર્બિટર ભાગ કાર્યરત જ છે. હવે ચંદ્રયાન-3 દ્વારા ઈસરો વધુ એક વખત ચંદ્ર પર લેન્ડિંગની તૈયારી કરી રહ્યું છે.

ઈસરોએ આ માટે સમિતિ અને વિવિધ પેટા સમિતિની નિમણુંક કરી દીધી છે. ઓક્ટોબર માસથી જ આ સમિતિઓની બેઠક શરૂ થઈ ગઈ છે. અત્યારે નક્કી થયા પ્રમાણે ચંદ્રયાન-3માં ઓર્બિટર નહીં હોય, માત્ર લેન્ડર અને રોવર જ હશે. એટલે કે ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 જે રીતે ચંદ્રની ઓર્બિટમાં ભ્રમણ કરે છે, એ ઓર્બિટર ચંદ્રયાન-3માં નહીં હોય. તેના બદલે સંશોધકો લેન્ડર અને રોવર પર જ ધ્યાન આપશે. જેથી સમયસર મિશન તૈયાર થઈ શકે. અત્યારે આમ પણ ચંદ્રયાન-2નુ ઓર્બિટર બરાબર કામ કરે જ છે, માટે નવા મિશનમાં ઓર્બિટરની જરૂર નથી.

ચંદ્રયાન-2 વખતે લેન્ડરને સફતાપૂર્વક ઉતરાણ કરાવી શકાયુ ન હતુ. માટે એ તૂટી ગયુ હતુ. હવે પછીના મિશનમાં એવુ ન થાય એટલા માટે નવા મિશનના લેન્ડરને વધારે મજબૂત બનાવાશે. નવા મિશનમાં કેટલા પે-લોડ હશે અને મિશન પોતે કેવુ હશે તેનો સંપૂર્ણ પ્લાન હજુ તૈયાર થયો નથી. ટૂંક સમયમાં એ તૈયાર થશે.