ચંદ્રયાન-2: હાર નહીં માનીએ, ઈસરો ચીફે કહ્યું- 14 દિવસ સુધી ઉમ્મીદ, ફરીથી સંપર્ક કરીશું

ચંદ્રયાન-2: હાર નહીં માનીએ, ઈસરો ચીફે કહ્યું- 14 દિવસ સુધી ઉમ્મીદ, ફરીથી સંપર્ક કરીશું

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો સંપર્ક તુટ્યા બાદ ઈસરોના અધ્યક્ષ કે. સિવને કહ્યું છે કે, ચંદ્રયાન-2 મિશન પોતાના લક્ષ્યમાં લગભગ 100 ટકા સુધી સફળ રહ્યું છે. આ મિશન નાકામ નથી. ઈસરો ચીફે કહ્યું કે, અમે પહેલાંના અભિયાનોમાં વ્યસ્ત છીએ અને ચંદ્રયાન-2 બાદ ગગનયાન મિશન પર પૂર્વ નિર્ધારિત શિડ્યુલ પ્રમાણે કામ ચાલું રહેશે. તેઓએ કહ્યું કે, ગગનયાન સહિત ઈસરોના બાકી મિશન સમયસીમા પર જ થશે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, આગામી 14 દિવસોમાં વિક્રમ લેન્ડરથી સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવશે.

ડીડી ન્યુઝને આપેલાં ઈન્ટરવ્યુમાં ઈસરો અધ્યક્ષ કે સિવને કહ્યું કે, વિક્રમ લેન્ડરનું અંતિમ ચરણ બરાબર ન રહ્યું. તેના કારણે વિક્રમથી અમારો સંપર્ક તૂટી ગયો હતો. વિક્રમ સાથે અમારી લિંક તૂટી તો તે ફરીથી સ્થાપિત નથી થઈ શકી. પણ હજુ પણ આશાની કિરણ બચેલી છે. આગામી 14 દિવસ સુધી અમે વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે પ્રય્તનો કરીશું.

ચંદ્રયાનની સાથે ગયેલાં ઓર્બિટર વિશે જણાવતાં કે સિવને કહ્યું કે, ઓર્બિટરની લાઈફ માત્ર એક વર્ષ નક્કી કરવામાં આવી હતી, પણ ઓર્બિટરમાં વધારાનાં ઈંધણને કારણે હવે તેની લાઈફ 7 વર્ષ સુધી આંકવામાં આવી રહી છે.

ઈસરોના અન્ય અભિયાનો વિશે કે સિવને કહ્યું કે, ચંદ્રયાન-2માં આવેલી મુશ્કેલીની અસર અન્ય મિશન પર નહીં પડે. ઈસરોના અન્ય મિશન તેના સમય પ્રમાણે જ થશે. જણાવી દઈએ કે, ભારત 2022 માટે મિશન ગગનયાન પર કામ કરી રહ્યું છે. આ મિશનનો ઉદ્દેશ અંતરિક્ષયાત્રીને અંતરિક્ષમાં મોકલવાનો અને સુરક્ષિત પરત લાવવાનો છે.