ચંદ્રયાન-2 / ચંદ્ર ઉપર દિવસ આથમી રહ્યો છે, વિક્રમ લેન્ડર સાથે સંપર્કની આશાઓ ધૂંધળી બની રહી છે

ચંદ્રયાન-2 / ચંદ્ર ઉપર દિવસ આથમી રહ્યો છે, વિક્રમ લેન્ડર સાથે સંપર્કની આશાઓ ધૂંધળી બની રહી છે

21-22 સપ્ટેમ્બરે ચંદ્ર પર અંધારું થઈ જશે ચંદ્ર પર આજથી સાંજ શરૂ થઈ રહી છે

નવી દિલ્હીઃ ચંદ્ર પર એક પછી એક દિવસો પસાર થઈ રહ્યાં છે, ત્યારે ઈસરોના મહત્વકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન-2નો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક થવાની શકયતા પણ નહિવત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. 21-22 સપ્ટેમ્બરે ચંદ્ર પર અંધારું થઈ જશે, બાદમાં વિક્રમ સાથે સંપર્ક થવાની તમામ આશાઓ પર પાણી ફરી વળશે. ઈસરોના વૈજ્ઞાનિકો રાત-દિવસ વિક્રમ સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યાં છે. ઈસરોની મદદ માટે અમેરિકાની આંતરિક્ષ એજન્સી નાસાના ડીપ સ્પેસ નેટવર્કના ત્રણ સેન્ટર્સ પણ સતત ચંદ્રાયાન-2ના ઓર્બિટર અને લેન્ડર સાથે સંપર્ક રાખી રહ્યાં છે. જોકે વિક્રમ લેન્ડરમાંથી કોઈ જ જવાબ મળી રહ્યો નથી.

ચંદ્ર પરનો દિવસનો સમય પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે

  • ચંદ્ર પરનો દિવસનો સમય પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. એટલે કે 20-21 સપ્ટેમ્બરે ચંદ્ર પર રાત થશે. હાલ ચંદ્ર પર સાંજ છે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની જીંદગી જ 14 દિવસની હોય છે.
  • અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાનું લૂનર રિકોનસેન્સ ઓર્બિટર(LRO) ચંદ્રની તે જગ્યાની તસ્વીર લેશે જ્યાં 7 સપ્ટેમ્બરની સવારે વિક્રમ લેન્ડરે હાઈ લેન્ડિંગ કરી હતી. જોકે હાલ ત્યાં સાંજ થવા લાગી છે, આ કારણે તેની તસ્વીર કેટલી સ્પષ્ટ આવશે, તે અંગે કોઈ જ માહિતી નથી.
  • છતાં પણ નાસા ઈસરોને તે જગ્યાની તસ્વીર શેર કરશે. તેનાથી વિક્રમને લઈને કરવામાં આવી રહેલા અધ્યયનમાં મદદ મળશે.નાસાએ ચંદ્ર પર ગતિહીન પડેલા વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપવા માટે તેને હેલોનો મેસેજ મોકલ્યો હતો. નાસાએ તેના ડીપ સ્પેસ ગ્રાઉન્ડ સ્ટેશન નેટવર્ક દ્વારા નાસાના જેટ પ્રોપલ્સન લેબોરેટરીએ લેન્ડરની સાથે સંપર્ક કરવા માટે વિક્રમને રેડિયો ફ્રીકવન્સી મોકલી હતી.
  • ઈસરોના એક અધિકારીએ વિક્રમ સાથે સંપર્કની કોશિશો અગે કહ્યું કે તમે કલ્પના કરી શકો છો કે દરેક વીતી રહેલા કલાકથી કામ વધુ મુશ્કેલ થઈ રહ્યું છે. બેટરીમાં ઉપલબ્ધ ઉર્જા ખત્મ થઈ રહી હશે અને તેના સંચાલન માટે ઉર્જા બચશે નહિ. તેમણે આ અંગે વધુમાં કહ્યું હતું કે પ્રત્યેક પસાર થતી મિનિટની સાથે સ્થિતિ ગંભીર થતી જઈ રહી છે. વિક્રમ સાથે સંપર્ક થવાની શકયતા ઘટી રહી છે.
  • અધિકારીએ સંપર્ક થવાની થોડી ઘણી શકયતાઓ વિશે કહ્યું કે આ ખૂબ જ દૂરની વાત છે. અહીં આવેલી ઈસરો ટેલીમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્કમાં એક ટીમ લેન્ડર સાથે પુન:સંપર્ક કરવાની સતત કોશિશ કરી રહી છે. અધિકારીએ કહ્યું કે યોગ્ય દિશામાં હોવાની સ્થિતિમાં તે સોલાર પેનલોને કારણે ઉર્જા ઉત્પન્ન કરી શકે છે અને બેટરીને પુનઃચાર્જ કરી શકે છે. જોકે તેની શકયતા ધીરે-ધીરે ઘટી રહી છે.
  • ઈસરોના એક અન્ય ટોપ અધિકારીએ કહ્યું કે ચંદ્ર પર વિક્રમના હાર્ડ લેન્ડિંગે તેના પુનઃસંપર્કને મુશ્કેલ બનાવ્યો છે. તેમણે ચંદ્ર પર લાગેલા ઝટકાને કારણે લેન્ડરને નુકસાન પહોંચવાની પણ શકયતા વ્યક્ત કરી છે.