ઘમંડના ટકરાવમાં સંતાનોનું બાળપણ છીનવો નહીં : ઝઘડતા દંપતીઓને સુપ્રીમની ચેતવણી

ઘમંડના ટકરાવમાં સંતાનોનું બાળપણ છીનવો નહીં : ઝઘડતા દંપતીઓને સુપ્રીમની ચેતવણી

। નવી દિલ્હી ।

ઘરમાં વર્ચસ્વ અને સર્વોપરિતા હાંસલ કરવા માટે પતિ પત્ની વચ્ચે જ્યારે ઈગો ક્લેશ થાય છે ત્યારે આવા ઈગો ક્લેશને કારણે કાનૂની જંગ લડતા પતિ- પત્નીને કોર્ટે ચેતવણી આપી છે કે તમારા ઈગો ક્લેશને કારણે લાંબી કાનૂની લડાઈ લડીને તમારા બાળકોનું બાળપણ છીનવો નહીં કે ભાઈ બહેન વચ્ચેનાં નિર્દોષ પ્રેમનાં બંધનને છીનવો નહીં. એકબીજાને ખતમ કરવાની ભાવના ધરાવતા અને વેરવૃત્તિથી પરેશાન કરવાની ભાવના રાખતા આવા દંપતિઓ તેમનાં બાળકોનું બાળપણ છીનવી રહ્યા છે તેવી ચેતવણી સર્વોચ્ચ અદાલતે આપી હતી. પોતાનાં માતાપિતાનાં લડાઈ ઝઘડા વચ્ચે પિસાતા બાળકો આને કારણે અવઢવમાં મુકાય છે અને ભાઈ બહેનો વચ્ચેનો ગાઢ પ્રેમ ગુમાવે છે. કોર્ટે કહ્યું કે અમે વારંવાર અપીલ કરીએ છીએ કે આવા કેસમાં નિર્ણયો લેવાનું કામ કોર્ટનું નથી. જ્યારે દંપતી વચ્ચે ખટરાગ જાગે છે અને તેઓ નિરાકરણ માટે કોર્ટમાં આવે છે ત્યારે દરેક મુદ્દા અનીતિપૂર્ણ હોય છે તેમ જસ્ટિસ સંજય કૌલનાં વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું હતું.

જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ ઋષિકેશ રોયને સમાવતી બેન્ચે કહ્યું હતું કે, અમને ખેદ છે કે આવા કેસમાં માતાપિતાનાં ઈગો ક્લેશને કારણે તેમનાં બાળકોએ ઘણી નકારાત્મક બાબતો ભોગવવી પડે છે. દંપતી વચ્ચે ખટરાગ અને ઈગો ક્લેશનાં એક કેસમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી વખતે બેન્ચે ઝઘડી રહેલા દંપતીને ઉપર મુજબ સલાહ આપી હતી.