ગ્રીસ અને EUની ઘરવાપસી યોજના, પાછા જનારાને 6-6 લાખ રૂપિયા અપાશે, સ્કીમ ફક્ત એક મહિના માટે

ગ્રીસ અને EUની ઘરવાપસી યોજના, પાછા જનારાને 6-6 લાખ રૂપિયા અપાશે, સ્કીમ ફક્ત એક મહિના માટે

  • યુએન, ફ્રન્ટેક્સ જેવાં સંગઠન પણ પ્રવાસીઓને દેશ પાછા મોકલવામાં ગ્રીસ અને યુરોપની મદદ કરશે
  • 1 જાન્યુઆરી, 2020 પછી યુરોપ પહોંચનારા શરણાર્થીઓ પર લાગુ 

એથેન્સ: દુનિયાભરમાં શરણાર્થીઓની સમસ્યા વધતી જઈ રહી છે. આંતરિક યુદ્ધનો સામનો કરી રહેલા સીરિયા, લિબિયા, સુદાન જેવા દેશોમાંથી લોકો હિજરત કરી જુદા જુદા દેશોમાં આશરો લેવા મજબૂર છે. સ્થિતિ એવી બની ગઈ છે કે જે દેશોમાં આ લોકો પહોંચી રહ્યા છે ત્યાં તેમને સાચવવો મુશ્કેલ થઈ ગયા છે. તેનો સૌથી વધુ ભોગ યુરોપ બની રહ્યું છે. એવામાં ગ્રીસ અને યુરોપિયન યુનિયને શરણાર્થીઓની ભીડ ઓછી કરવા માટે ઘરવાપસીની એક યોજના લોન્ચ કરી છે. તે હેઠળ સ્વેચ્છાએ ઘરે એટલે કે પોતાના વતન પાછા જનારા પ્રવાસીઓને 7000 યુરો એટલે કે આશરે 6-6 લાખ રૂપિયા અપાશે. તેમાંથી 5000 યુરો ગ્રીસ ચૂકવશે અને 2000 યુરોની મદદ ઈયુ કરશે. આ યોજનાની જાહેરાત ઈયુના ગૃહ બાબતોના કમિશનર યેલ્વા જોહાનસને એથેન્સમાં કરી હતી. તે મુજબ આ સ્કીમ ફક્ત એક મહિના માટે લાગુ કરાઇ છે અને ફક્ત એ જ પ્રવાસીઓ પર લાગુ પડશે જે એક જાન્યુઆરી 2020 પહેલાં ગ્રીસ કે યુરોપમાં પહોંચી ચૂક્યા છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રન્ટ્સ અને ફ્રન્ટેક્સ જેવાં સંગઠન ગ્રીસની મદદ કરશે.
1600 લાવારિસ બાળકોનો ઉછેર ઈયુના સભ્ય દેશ કરશે
ગ્રીસમાં 87 હજાર લોકો આશરો ઈચ્છે છે તેમાં 14,000થી વધુ બાળકો છે. તેમાં આશરે 1600 એવા છે જેમનાં માતા-પિતા કે પરિવાર વિશે કોઈ ભાળ મળી નથી. તેનો ઉછેર ઈયુના સભ્ય દેશો કરશે. મેડિસિન્સ સાન્સ ફ્રન્ટિયર્સના વડા સ્ટિફન ઓબેરીટ કહે છે કે આ ભીડભાડવાળાં કેન્દ્રોમાં પુરુષો, મહિલાઓ, બાળકો ભયાવહ સ્થિતિમાં રહે છે.
6000 લોકોની ક્ષમતા ધરાવતા કેમ્પોમાં 42,000થી વધુ શરણાર્થી
ગ્રીસમાં શરણાર્થીઓ કે પ્રવાસીઓની ભીડનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે અલગ અલગ સ્થળે બનેલા કેમ્પોમાં ક્ષમતા કરતાં 7-8 ગણા વધુ લોકો રહે છે. મોટા ભાગના કેમ્પોની ક્ષમતા 6000 લોકોની છે પણ અહીં 42000થી વધુ લોકો રહે છે. તે ઉપરાંત ગ્રીસમાં આશરે 87,000 લોકોએ શરણ માટે અરજી કરી રાખી છે.