ગોલ્ડ જ્વેલરી માટે BIS હોલમાર્કિંગ ફરજિયાત બનાવવા સરકારની હિલચાલ

ગોલ્ડ જ્વેલરી માટે BIS હોલમાર્કિંગ ફરજિયાત બનાવવા સરકારની હિલચાલ

કોલકત્તા, તા. 23 ઓગસ્ટ 2019, શુક્રવાર

ગોલ્ડ જ્વેલરી માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ (બીઆઈએસ) હોલમાર્કિંગ ફરજિયાત બનાવવાની પોતાની યોજનાને સરકાર ફરી સક્રિય બનાવી રહી છે. દેશમાં ત્રણ લાખ જ્વેલર્સમાંથી માત્ર ૧૦ ટકા જ્વેલર્સે જ બીઆઈએસ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 

કેન્દ્ર સરકાર એક સપ્તાહમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં નવા નિયમો જાહેર કરે તેવી શકયતા હોવાનું ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલર્સ ડોમેસ્ટિક કાઉન્સિલના એક હોદ્દેદારે જણાવ્યું હતું. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના કરાર પર સહી કરી હોવાથી ભારતે કોઈપણ ફરજિયાત નિયમો દાખલ કરતા પહેલા આ વિશ્વ વેપાર સંસ્થાને જાણ કરવાની રહે છે.

દેશમાં ઉત્પાદિત થતી ગોલ્ડ જ્વેલરીમાંથી ૫૦ ટકા જ્વેલરી  ૨.૭૦ લાખ  જેટલા જ્વેલર્સ જેમણે બીઆઈએસ પાસેથી હોલમાર્કિંગ લાયસન્સ મેળવ્યું નથી તેમના દ્વારા ઉત્પાદિત થાય છે. 

ગયા નાણાં વર્ષમાં ૪.૪૯ કરોડના ઘરેણાં જેમાં ૪૫૦થી ૫૦૦ ટન્સ સોનુ વણી લેવાયું હતું તે હોલમાર્ક સાથેના હતા. જો કે વર્તમાન નાણાં વર્ષમાં  ગોલ્ડની ઈમ્પોર્ટ ડયૂટી વધારાતા વેચાણ પર થયેલી અસરને કારણે હોલમાર્ક ટર્નઓવર નીચું રહી શકે છે એમ ઈન્ડિયન એસોસિએશન ઓફ હોલમાર્કિંગ સેન્ટર્સના એક હોદ્દેદારે જણાવ્યું હતું. 

ગોલ્ડના ઊંચા ભાવને કારણે વર્તમાન વર્ષમાં એપ્રિલથી અત્યારસુધીમાં જ્વેલરીની માગ ૧૦ ટકા ઘટી છે. દેશમાં લાયસન્સ સાથેના અને લાયસન્સ વગરના અનેક હોલમાર્ક સેન્ટરો છે જેઓ યોગ્ય વેપાર પદ્ધતિ ધરાવતા નથી. માટે સમાનતા અને કવોલિટીની ખાતરી રાખવા શુદ્ધતાનું ધોરણ નિશ્ચિત કરવું જરૃરી છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એકટ, ૨૦૧૬માં હોલમાર્કિંગ ફરજિયાત કરાવવાની જોગવાઈ છે.  હવે સરકાર તે અમલી બનાવવા સક્રિય બની છે.