ગોધરામાં બંધ મકાનમાંથી 4.76 કરોડની રદ થયેલી 500-1000ની ચલણી નોટો ઝડપાઈ

ગોધરામાં બંધ મકાનમાંથી 4.76 કરોડની રદ થયેલી 500-1000ની ચલણી નોટો ઝડપાઈ

ગોધરાની મોહંમદી સોસાયટીના બંધ મકાનમાંથી રૂ. ૪.૭૬  કરોડની સરકારે બંધ કરેલી જૂની ચલણી નોટો મળી આવતાં  ચકચાર મચી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છ, જેમની પાસેથી ઇન્ડીકા કાર અને  ચલણી નોટો કબ્જે કરવામાં આવી છે.

કબજે કરેલી નોટો ગણવા માટે પોલીસને બેંકોમાંથી કાઉન્ટિંગ મશીનો લાવવાની ફરજ પડી હતી. મળી આવેલી ચલણી નોટો રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ના  દરની છે. સમગ્ર બનાવામાં પોલીસે એક મુખ્ય આરોપીને વોન્ટડ જાહેર  કર્યો છે.

ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેડ સર્કલ ગરનાળા પાસે  આવેલી ટાયરની દુકાન નજીક ઇન્ડીકા ગાડીમાં ઇંદ્રિશ સુલેમાન હયાત  અને તેનો પુત્ર ઝુબેર ઇંદ્રિશ હયાત તથા ફારૂક ઇશાક છોટા (તમામ રહે.ગોધરા) મોટા જથ્થામાં ભારતીય બનાવટની ચલણી નોટોનો  ગેરકાયદેસર વહીવટ કરી રહ્યા હોવાની એસઓજી પીઆઇને બાતમી  મળી હતી. જે આધારે પોલીસે બાતમીના સ્થળે તપાસ કરતાં ફરૂક  છોટા હાજર મળી આવ્યો હતો.

તેની પાસેથી એક હજાર દરની જૂની  ચલણી નોટોના પાંચ બન્ડલ મળી આવ્યા હતા. તેની વધુ પૂછપરછ  દરમિયાન ઇંદ્રિશ સુલેમાન હયાત અને તેનો પુત્ર ઝુબેર હયાતની  તપાસ કરતાં ઇંદ્રિશ હયાત ભાગી છૂટયો હતો. તેનો પુત્ર ઝુબેર  ઇન્ડીકામાંથી ઝડપાયો હતો. તેમના ઘરની તપાસ દરમિયાન બંધ મકાનમાંથી એક હજાર દરની ૯૩૧૨ અને પાચસોના દરની  ૭૬,૭૩૯ નોટો મળી કુલ રૂ. ૪,૭૬,૮૧,૫૦૦ મળી આવ્યા છે.

પોલીસે  તમામ ચલણી નોટો કબ્જે લઈ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે  લાવી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બેંકના કર્મચારીઓની ઉપસ્થિતિમાં  ગણતરી કરવામાં આવી હતી. અધધ માત્રામાં મળી આવેલી  ચલણી નોટો ગણત્રી કરવા માટે પોલીસને શહેરની બેંકોમાંથી  કાઉન્ટીગ મશીનો લાવવાની ફ્રજ પડી હતી.

જોકે દેશમાં કરાયેલી  નોટબંધી બાદ જૂની ચલણી નોટો ઝડપાયાના અગાઉ  પણ કિસ્સા બહાર આવ્યા છે. જૂની બંધ થયેલી ચલણી નોટો આપી  નવી ચલણી નોટોના વહીવટ દરમિયાન પોલીસે ઓપરેશન પાર  પાડી બે આરોપીને ઝડપી લીધા છે.