ગેરકાયદેસર રીતે જમ્મુ કાશ્મીરમાં વસતા રોહિંગ્યાઓને પાછા મોકલવાની તૈયારી

ગેરકાયદેસર રીતે જમ્મુ કાશ્મીરમાં વસતા રોહિંગ્યાઓને પાછા મોકલવાની તૈયારી

સૈન્ય કેમ્પની આસપાસ રોહિંગ્યાઓની વસ્તી

રોહિંગ્યાઓ પાસેથી ગેરકાયદેસર દસ્તાવેજો પણ મળ્યા

નવી દિલ્હી, તા. 3 માર્ચ, 2021, બુધવાર

જમ્મુ કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે રહેતા આશરે 10,000 રોહિંગ્યાઓને પાછા મ્યાંમાર મોકલવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. ગૃહ મંત્રાલયના નિર્દેશના આધારે જમ્મુ કાશ્મીરમાં રહેતા રોહિંગ્યાઓની વિગતો એકઠી કરવામાં આવી રહી છે અને તમામ જિલ્લામાં ચકાસણી થઈ રહી છે. ગેરકાયદેસર રીતે રહેતા તમામ રોહિંગ્યાઓને વિવિધ સ્થળોએથી ખસેડીને પાછા મોકલવામાં આવશે અથવા ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે. ઉપરાંત પ્રદેશમાં ડિટેન્શન સેન્ટર સ્થાપવાની કવાયત પણ આરંભી દેવાઈ છે. 

સરકારી અહેવાલ પ્રમાણે પ્રદેશમાં 6,523 રોહિંગ્યાઓ રહે છે જેમાંથી 6,461 જમ્મુમાં જ્યારે 62 કાશ્મીરમાં રહે છે. ઉપરાંત તેઓ લદ્દાખમાં પણ કામચલાઉ ઘરો બનાવીને વસી રહ્યા છે. 13,600 વિદેશી નાગરિકો જેમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓનો સમાવેશ થાય છે તે ત્યાં રહેતા હોવાનું માનવામાં આવે છે. 

ગેરકાયદેસર દસ્તાવેજો પણ મળ્યા

જમ્મુ કાશ્મીરમાં રહેતા રોહિંગ્યાઓ પાસેથી સ્ટેટ સબ્જેક્ટ, વોટર આઈકાર્ડ, રેશન કાર્ડ અને આધાર કાર્ડ પણ મળી આવ્યા છે. અનેક રોહિંગ્યાઓ તો વીજળીનું બિલ પણ ભરે છે. 2017માં એક રોહિંગ્યા પાસેથી સ્ટેટ સબ્જેક્ટ, આધાર કાર્ડ મળ્યા બાદ પ્રશાસન સતર્ક થઈ ગયું હતું. તે પરિવારના 7 સદસ્યોના નામ પણ રેશન કાર્ડમાં નોંધાયેલા હતા. ઉપરાંત પરિવારના એક સદસ્ય પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ હતું. 

રોહિંગ્યાઓ સામે અનેક ગુનાહિત કેસ પણ નોંધાયેલા છે. તેઓ પાકિસ્તાનની આઈએસઆઈ, આતંકવાદી સંગઠન આઈએસ અને અલગાવવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાની પણ આશંકા છે. 

સૈન્ય કેમ્પ આસપાસ વસ્તી

સૈન્ય કેમ્પની આસપાસના વિસ્તારોમાં પણ રોહિંગ્યાઓની વસ્તી છે. સંસદમાં રોહિંગ્યાઓને ખસેડવાનો નિર્ણય લેવાઈ ચુક્યો છે. સૈદ્ધાંતિક સ્તરે સરકાર તેમને પાછા મોકલવાનો નિર્ણય કરી ચુકી છે. જો કે વ્યવહારિક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

( Source – Gujarat Samachar )