ગુજરાત / સિટીઝનશીપ એક્ટઃ પોલીસ 70 હજાર ખર્ચીને જે બાંગ્લાદેશીને ડિપોર્ટ કરે છે, તે 15 હજારમાં પાછો આવી જાય છે

ગુજરાત / સિટીઝનશીપ એક્ટઃ પોલીસ 70 હજાર ખર્ચીને જે બાંગ્લાદેશીને ડિપોર્ટ કરે છે, તે 15 હજારમાં પાછો આવી જાય છે

  • નવા કાયદાને લીધે ચંડોળા, પાલનપુર, કચ્છના બાંગ્લાદેશી-પાકિસ્તાની વસાહતીઓનો પોલીસ ડેટા બનાવે છે
  • મેમાં એસઓજીએ 47 ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી, મોટાભાગના ડિપોર્ટઃ હાલ 18 કસ્ટડીમાં

ચેતન પુરોહિત, અમદાવાદઃ તાજેતરમાં કેન્દ્ર સરકારે સિટીઝનશીપ (એમેન્ડમેન્ટ) એક્ટ રાજ્યસભા અને લોકસભામાં પસાર કર્યો છે. જેને પગલે અલગ અલગ રાજ્યો પોતાના રાજ્યમાં ગેરકાયદે ઘુસી ગયેલા અને રેફ્યુજી વિઝા મેળવવા માટે અરજી કરનાર વિદેશી નાગરિકોનો ડેટા એકત્ર કરવાનું શરૂ કર્યું છે. જેમાં ગુજરાત સરકારે પોલીસ અને અન્ય એજન્સીઓને આ પ્રકારના રેફ્યુજીઓની યાદી બનાવવા સૂચના આપી છે. આ કારણથી ચંડોળા તળાવ સહિત ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓની વસાહતો પર પોલીસનું ધ્યાન કેન્દ્રિત થયું છે. પરંતુ જ્યાં સુધી બાંગ્લાદેશની સરહદને સીલ કરીને આવા ગેરકાયદે વસાહતીઓને આવતા રોકવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યા ચાલુ જ રહેશે. આનું કારણ એ છે કે, ગુજરાત પોલીસ જે ગેરકાયદે બાંગ્લાદેશીને ડિપોર્ટ કરવા રૂ. 70 હજારનો ખર્ચ કરે છે તે ફક્ત રૂ. 15 હજાર ખર્ચીને પાછો ગુજરાતમાં આવી જાય છે.

ગુજરાતમાં સૌથી વધુ ગેરકાયદે પાકિસ્તાનીઓ અમદાવાદમાં, પછી બાંગ્લાદેશીઓ

ગુજરાતમાં ગેરકાયદે રહેતા વિદેશી વસાહતીઓની વાત કરીએ તો સૌથી વધુ પાકિસ્તાની હિન્દુઓ અમદાવાદમાં રહે છે, ત્યારબાદ બાંગ્લાદેશી મુસ્લિમોનો ક્રમ આવે છે. હજી ગત મે મહિનામાં જ એસઓજીએ 47 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશી વસાહતીઓને પકડ્યા હતા. આમાંથી મોટાભાગનાને ડિપોર્ટ કરી દેવાયા છે, જ્યારે હાલ 18 રહ્યા છે, જે અમદાવાદ એસઓજીની કસ્ટડીમાં છે. જો કે, હવે કેન્દ્ર સરકારે સિટીઝનશીપ (એમેન્ડમેન્ટ) એક્ટ બનાવી દેતા આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે.

પ. બંગાળ બોર્ડરે ડિપોર્ટ થયેલો બાંગ્લાદેશી પોલીસ કરતા પહેલો પાછો આવી જાય છે

સામાન્ય રીતે બાંગ્લાદેશી મુસ્લિમો પશ્ચિમ બંગાળના માલ્દા સહિતના વિસ્તારોમાં થઈને એજન્ટો મારફતે અમદાવાદ આવે છે. તેઓ થોડા રૂપિયા ચૂકવીને પાસપોર્ટ, આધારકાર્ડ પણ મેળવી લે છે. આ પહેલા આ પ્રકારનું એક રેકેટ પણ પકડાઈ ચૂક્યું છે. બાંગ્લાદેશીઓની પૂછપરછ કરનાર પોલીસ અધિકારીઓ જણાવે છે કે, આ બાંગ્લાદેશીઓને પરત તેમના દેશમાં મોકલવાનો અંદાજે વ્યક્તિ દીઠ રૂ.70 હજાર થાય છે. પરંતુ તેઓ ફક્ત રૂ. 15 હજાર ખર્ચીને ભારતમાં પરત આવી જાય છે. આ અગાઉ બાંગ્લાદેશી ડિટેન્શન સેન્ટર સાથે જોડાયેલા પોલીસ અધિકારીને તપાસમાં એવું જાણવા મળ્યું કે, તેઓની ટીમ બાંગ્લાદેશીઓને બોર્ડર પાર મુકીને અમદાવાદ પરત આવી તે પહેલા તે બાંગ્લાદેશીઓ અમદાવાદ આવી ગયા હતા.

સોનીઓ સસ્તી મજૂરીની લાલચમાં બાંગ્લાદેશી કારીગરોને જ નોકરીએ રાખે છે

ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામાન્ય રીતે સોનીની દુકાનમાં નંગ જડવાનું કામ કરે છે. સોનીઓ પણ ચબરાક હોય છે, કારણ કે કોઈ ગુજરાતી કે ભારતીયને નોકરીએ રાખવાનો જેટલો પગાર આપવો પડે તેના કરતા ત્રીજા ભાગની મજૂરીમાં બાંગ્લાદેશી કારીગર મળી જાય છે. જ્યારે કેટલાક બાંગ્લાદેશીઓ ભીખ માંગવાનું અને નાના મોટા ગુના કરીને સંતાતા ફરે છે. બાંગ્લાદેશીઓના એજન્ટો હોય છે, જે બાંગ્લાદેશથી આવા ગેરકાયદે નાગરિકોને પશ્ચિમ બંગાળ થઈ દેશના અલગ અલગ રાજ્યોમાં ઘુસાડે છે.

ચંડોળા, દાણીલીમડા ઉપરાંત બનાસકાંઠા અને કચ્છમાં પણ ડેટા એકત્ર કરવા સૂચના

અમદાવાદ એસઓજીના એસીપી બી.સી.સોલંકીએ જણાવ્યું કે, અમારા ડિટેન્શન સેન્ટરમાં હાલ 18 બાંગ્લાદેશીઓ છે, જેઓને આગામી ત્રણ મહિનામાં પરત મોકલવાની કામગીરી ચાલી રહી છે. અગાઉ ઘણાં બાંગ્લાદેશીઓને અમે અમદાવાદના ચંડોળા, દાણીલીમડા જેવા વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. આ ઉપરાંત રાજ્યમાં પાલનપુર, બનાસકાંઠા બોર્ડર, કચ્છ બોર્ડર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે વસવાટ કરતા હોય શકે છે. આ વિસ્તારોમાંથી માહિતી એકત્ર કરવાની સૂચના પોલીસને આપવામાં આવી છે.

કેવી રીતે બાંગ્લાદેશી “ભારતીય” બની જાય છે

  • ભારતીય સીમાંમાં ગેરકાયદે ઘુસીને પશ્ચિમ બંગાળમાં છુપાઇ જાય છે
  • પશ્ચિમ બંગાળમાં કોઈપણ પ્રકારે આધારકાર્ડ મેળવવા માટે દલાલોની મદદ લે છે
  • ગુજરાતમાં આવ્યા બાદ સ્થાનિક એજન્ટો આ લોકોને શોધીને એડ્રેસ બદલવા ગોઠવણ કરે છે
  • આધારકાર્ડમાં એડ્રેસ બદલીને તેને ગુજરાતનો રહીશ બતાવે છે
  • એડ્રેસ બદલાવા માટે બોગસ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને ભાડા કરારનો ઉપયોગ કરે છે
  • એડ્રેસ બદલાયા બાદ અન્ય એડ્રેસ પર પાસપોર્ટ એપ્લિકેશન કરે છે
  • પાસપોર્ટ જે તે એડ્રેસ પર જાય તે પહેલા પોસ્ટ ઓફીસમાં જઇને બોગસ આઇડી બતાવી પાસપોર્ટ મેળવી લે છે
  • આધારકાર્ડ માટે એડ્રેસ પ્રૂફ માટે રૂ. 700-800 ચૂકવે છે

શું છે સિટીઝનશિપ(એમેન્ડમેન્ટ) બિલ-2019ની જોગવાઈઓ

સિટીઝનશિપ(એમેન્ડમેન્ટ) બિલ-2019ની જોગવાઈઓ મુજબ પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનથી આવીને ભારતમાં વસેલા શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ આપવામાં આવશે. હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી તથા ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતનું નાગરિકત્વ મળશે, પરંતુ મુસ્લિમોને નહીં મળે. આ માટે 31મી ડિસેમ્બર 2014ને અંતિમ તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે.