ગુજરાત સરકારે નવરાત્રિનો સમય વધારવા કોર્ટના ચુકાદાનો અભ્યાસ હાથ ધર્યો

ગુજરાત સરકારે નવરાત્રિનો સમય વધારવા કોર્ટના ચુકાદાનો અભ્યાસ હાથ ધર્યો

  • સમય વધારવાથી શું સ્થિતિ સર્જાઇ શકે તેનું મૂલ્યાંકન થશે

ગાંધીનગર: દિવ્ય ભાસ્કર દ્વારા વાચકોની લાગણીને ધ્યાનમાં રાખીને નવરાત્રિમાં રાસ-ગરબા રમવાનો સમય એકાદ-બે કલાક વધારવાની લાગણી સરકાર સુધી પહોંચાડવાની ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગ રૂપે કાયદા નિષ્ણાતો, ધારાસભ્યોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા. આ અભિપ્રાયમાં એક બાબત સર્વસંમતિથી બહાર આવી હતી કે, નવરાત્રિનો સમય એકાદ-બે કલાક વધે તો વાંધો નહીં. આવા સંજોગોમાં રાજય સરકારે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અભ્યાસ-મુલ્યાંકન હાથ ધરી દીધું હોવાનું મુખ્યમંત્રી કાર્યાલયના ટોચના સૂત્રોનું કહેવું છે.

શહેરીજીવનની ભાગદોડમાં વ્યક્તિ ઘરે આવે ત્યારે જ 10 વાગી જાય છે
મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોના કહ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સરકારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહીં છે. આ અભ્યાસ પ્રમાણે નવરાત્રિમાં હાલની સ્થિતિએ જે રાત્રિના 12 કલાક સુધી નવરાત્રિના રાસ-ગરબા લેવાની મંજૂરી અપાઇ છે. હાલમાં આખા વર્ષમાં 15 દિવસ સુધી રાજય સરકાર છૂટ આપી શકે તેવી જોગવાઇ હોવાનું ટોચના સુત્રોનું કહેવું છે. તે પ્રમાણે ગુજરાત સરકાર સુપ્રિમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરી છે. જેમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો છે કે માર્ગદર્શિકા છે. જો માર્ગદર્શિકા હોય તો તેમાં કોઇ એવી જોગવાઇ છે કે, જેને કારણે હાલના તબક્કે નવરાત્રિનો સમય વધારવો હોય તો વધારી શકાય. કેટલાક નાગરિકોની લાગણી નવરાત્રિનો સમય એક વાગયા સુધીનો થાય તો વાંધો નહીં તેવી છે. ધારાસભ્યો પણ એવું કહે છે કે, શહેરીજીવનની ભાગદોડમાં વ્યક્તિ ઘરે આવે ત્યારે જ 10 વાગી જાય છે. આવા સંજોગોમાં રાત્રિને એકાદ કલાકનો સમય વધે તો વાંધો નહીં.

અભ્યાસ કર્યા પછી સરકારને અહેવાલ આપશે
ગૃહ વિભાગના સુત્રોના કહ્યા પ્રમાણે રાજય સરકારે ત્રણ ટોચના અધિકારીઓને સુપ્રિમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરવાની કામગીરી સોપી છે. સમય વધારીએ તો તેની શું અસર થઇ શકે તેનું મુલ્યાંકન પણ અધિકારીઓને સુચના આપી છે. હાલમાં ગૃહ વિભાગના ટોચના અધિકારીઓ અભ્યાસ કર્યા પછી શું સ્થિતિ થઇ શકે અને કાયદો અને વ્યવસ્થામાં કેવા પ્રકારની સ્થિતિ સર્જાઇ શકે તેનો અભ્યાસ કરી રહ્યા છે. આ અભ્યાસ કર્યા પછી તેઓ સરકારને અહેવાલ આપશે. રાજય સરકાર આ અહેવાલના પછી ટોચના કાયદાકીય નિષ્ણાંતોનો પણ અભિપ્રાય માગશે. આ અભિપ્રાય પછી સરકાર નવરાત્રિનો સમય વધારવા માટે શું થઇ શકે તે બાબતે આગળ વધશે તેમ ગૃહ વિભાગના ટોચના સુત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.