ગુજરાતીઓના આબુમાં ધામા, ભાડા ઘટી જતા હોટેલોને તડાકો પરંતુ નખી તળાવની બોટમાં કોઈ બેસતું નથી

ગુજરાતીઓના આબુમાં ધામા, ભાડા ઘટી જતા હોટેલોને તડાકો પરંતુ નખી તળાવની બોટમાં કોઈ બેસતું નથી

કોરોનાના કારણે અઢી માસ જેટલાં લાંબા સમયના લોકડાઉન બાદ પણ હજુ કોરોનાના કેસ વધતા જતા હોય સરકાર લોકોને કામ સિવાય બાકી નીકળવાનું ટાળવાની સલાહ આપે છે. પરંતુ સખ્ત કંટાળી ગયેલા અને હરવા-ફરવાના શોખીન ગુજરાતીઓ માઉન્ટ આબુ ફરવા ઉપડી ગયા છે. બીજી તરફ રાજસ્થાન સરકારે બોર્ડર સીલ કરતા આબુમાં મોટી સંખ્યામાં ફરવા ગયેલા ગુજરાતીઓ ફસાઈ ગયા છે. આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા સંક્રમણ વધવાનો ભય ફેલાયો છે.

અમદાવાદ અને અન્ય શહેરના ગુજરાતવાસીઓએ છેલ્લા સપ્તાહથી ઝૂમબરાબર ઝૂમના સ્થળ માઉન્ટ આબુની વાટ પકડી રહ્યા છે. પરિણામે વીક એન્ડ કહો કે, શુક્રવારથી રવિવાર સુધીના ત્રણ દિવસ માઉન્ટ આબુમાં ગુજરાતવાસીઓનો ઝમેલો નહીં પણ મેળો જામી રહ્યો છે અને માઉન્ટ આબુની નાની મોટી હોટેલોમાં હાઉસફુલના પાટિયા લાગી રહ્યા છે. દારૂની દુકાનો પર જબરજસ્ત ભીડ જોવા મળી રહી છે. આબુ બજારમાં ઘરાકીનો જોઈએ તેવો માહોલ જામ્યો છે. છેલ્લા ચાર મહિનાથી ઘર, બહાર, નોકરીના સ્થળે લગભગ કેદ લોકો ગુજરાતના સિમાડાની પેલે પાર આવેલા માઉન્ટ આબુમાં વીક એન્ડ ગુજારવા મોટી સંખ્યામાં જઈ રહ્યા છે.

ભાડા ઘટી જતા હોટેલોને તડાકો પરંતુ સંક્રમણનો ભય

માઉન્ટ આબુમાં કોરોના કાળની બેકારીમાં રૂમના ભાડા અડધા કરી દીધા છે. પરિણામે ગુજરાતમાં અનેક શહેરમાંથી આવતા સહેલાણીઓને મજા પડી ગઈ હોવાથી હોટેલો પર હાઉસફુલના પાટિયા ઝૂલી રહ્યા છે.

નખી તળાવની બોટમાં કોઈ બેસતું નથી

પરિવાર સાથે માઉન્ટ આબુ જાવ અને નખી તળાવમાં ફરતી બોટમાં મુસાફરી ના કરો તો માઉન્ટ આબુની સહેલગાહ અધૂરી ગણાય… પરંતુ કોરોના મહાકેરમાં સંક્રમિત થવાના ડરથી આજકાલ આ પરિવાર બોટમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. પરિણામે બોટના કોન્ટ્રાક્ટરો ભારે નિરાશા અનુભવી રહ્યા છે એ સાથે બાળકોને ટ્રોલીમાં બેસાડી નખી તળાવની ચારેબાજુ લટારની મજા કરાવતા ગરીબ મજૂરો તો ધંધા વિના બેકાર બની ગયા છે.

બજારોમાં ઘરાકી, સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ  ઇસબીચ માઉન્ટ આબુના નખી તળાવની આસપાસના બજારમાં ઘરાકી રહે છે પરંતુ તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોવાનું નજરે પડે છે. જો કે માસ્ક વગર લોકો ફરતા હોય કોરોના ફેલાવાનો ભય ફેલાયો છે.

માસ્ક અને સેનિટાઈઝેશન ફરજિયાત

જોકે, માઉન્ટ આબુમાં નગરપાલિકાના શાસકો તથા પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા જડબેસલાક હોવાનું પ્રવાસીઓ સ્વીકારી રહ્યા છે જો કે તેમાં વધુ સુધારાની પણ જરૂર હોવાનું ઘણા માને છે. કોરોનાના સંક્રમણથી દૂર રહેવા અહીં માસ્ક પહેરવું ફરજિયાત, પ્રવાસીઓના વાહનોને સેનિટાઇઝ કરવામાં આવે છે.