ગુજરાતમાં ગણેશ વિસર્જન વખતે 1 જ દિવસમાં 9 લોકો ડૂબ્યા, 5 લોકોનાં મોત

ગુજરાતમાં ગણેશ વિસર્જન વખતે 1 જ દિવસમાં 9 લોકો ડૂબ્યા, 5 લોકોનાં મોત

ગુજરાતભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમપુર્વર ઉજવણી થઈ રહી છે. તો રાજ્યભરમાં વિસર્જન પણ એટલી જ શ્રધ્ધાથી કરવામાં આવી રહ્યું છે. ત્યારે શુક્રવારનો દિવસ ગણેશ ભક્તો માટે દુખદ બની રહ્યો હતો. રાજ્યમાં અલગ અલગ જગ્યાઓએ ગણેશ વિસર્જન સમયે 9 લોકો ડૂબી ગયા હતા. જેમાંથી 5 જેટલાં લોકોનાં મોત નિપજ્યા છે.

ગાંધીનગરમાં આવેલ ભાટ ગામે પાસે ગણેશ વિસર્જન વખતે સાબરમતી નદીમાં બે ભાઈઓ ડૂબી જતાં તેમનાં મોત નિપજ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે બંને ભાઈઓનાં મૃતદેહને બહાર કાઢ્યા હતા. બંને ભાઈ અમદાવાદના નિકોલના રહેવાસી હતા. અને ભાટ ગામ ખાતે ગણેશ વિસર્જન માટે આવ્યા હતા. તો અરવલ્લીના ધનસુરાના ખડોલ ગામે ગણેશ વિસર્જન વખતે 6 યુવકો વાત્રક નદીમાં ડૂબ્યા હતા. જેમાંથી 2 યુવકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 4 યુવકોની શોધખોળ ચાલુ છે. તમામ યુવકો ધનસુરાના કેશરપુરાના રહેવાસી હતા.

જૂનાગઢના દામોદરકુંડમાં ગણેશ વિસર્જન વખતે એક યુવાન ડૂબ્યો હતો. દામોદરકુંડના ચેકડેમમાં ગણેશજીની પ્રતિમા લઈને પહોંચેલો યુવક તણાયો હતો. ફાયરબ્રિગેડની ટીમે યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ગણેશ વિસર્જન વખતે જુવાનજોધ પુત્રનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું.