ગુજરાતના ઘરે ઘરે શરાબ પીવાઈ રહ્યો છે: અશોક ગેહલોત

ગુજરાતના ઘરે ઘરે શરાબ પીવાઈ રહ્યો છે: અશોક ગેહલોત

દારૂબંધીની માગણીના જવાબમાં ગુજરાતનો દાખલો આપ્યો

જયપુર, તા. 7 ઓક્ટોબર 2019 સોમવાર

બિહાર અને ગુજરાત પછી હવે રાજસ્થાનમાં દારૂબંધીની માગણી થતાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે એવો આક્ષેપ કર્યો હતેા કે ગુજરાતમાં છેલ્લાં સિત્તેર વર્ષથી દારુબંધી હોવાના દાવા કરાય છે પરંતુ ગુજરાતમાં ઘરે ઘરે છૂટથી દારૂ પીવાય છે. આવી દારુબંધીનો કશો અર્થ રહેતો નથી.

‘અંગત રીતે હું પોતે પણ દારુબંધીમાં માનું છું. અગાઉ એકવાર રાજસ્થાનમાં દારુબંધી લાદી હતી પરંતુ એ સફળ થઇ નહોતી. દેશની આઝાદીના પહેલા દિવસથી ગુજરાતમાં દારુબંધી છે પરંતુ સૌથી વધુ દારુ ગુજરાતમાં વેચાય અને પીવાય છે. આવી દારુબંધીમાં હું માનતો નથી’ એમ ગેહલોતે કહ્યું હતું.

રવિવારે રાજસ્થાનના ડુંગરપુર વિસ્તારના સાગવાડા પ્રદેશમાં દિગંબર જૈન છાત્રાલયના શીલાન્યાસ સમારોહમાં ગેહલોત બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ રાજ્યની પ્રજાને સુચારુ અને પારદર્શક વહીવટ આપવાનો રહ્યો છે.

રાજ્ય સરકાર કન્યા શિક્ષણને ખાસ મહત્ત્વ આપી રહી છે અને બજેટમાં 50 નવી કૉલેજો શરૂ કરવાની  રાજ્ય સરકારની યોજના છે. તેમણે એવો દાવો કર્યો હતેા કે છેલ્લી મુદત દરમિયાન મારી સરકારે મફત દવા યોજના શરૂ કરી હતી જે માણસો ઉપરાંત મૂગા જાનવરો માટે પણ હતી. અમે ગાંધી ચીંધ્યા માર્ગે લોકકલ્યાણનાં પગલાં લઇ રહ્યાં છીએ.