ગીરના જંગલમાં પણ સુરક્ષિત નથી સાપ, ૭૫ લાખમાં કરી રહ્યા હતા સોદો અને પછી…

ગીરના જંગલમાં પણ સુરક્ષિત નથી સાપ, ૭૫ લાખમાં કરી રહ્યા હતા સોદો અને પછી…

ગીરના જંગલ નજીકથી રૂ.૭પ લાખમા ૩ સાપનો સોદો કરનાર શખ્સ ઝડપાયા બાદ આ સાપનો મર્દાના શકિત અને અલૌકિક ચમત્કારો માટે વપરાશ થતો હોવાના અંધવિશ્વાસ સાથે આ સોદો સૂરતની પાર્ટીએ કર્યાનું ખુલ્યુ છે. તંત્રવિદ્યા માટે જીવતા પ્રાણીઓનો ઉપયોગ દેશ-વિદેશમાં થાય છે, તદુપરાંત સેક્સપાવર વધારવા અને ભાગ્ય બદલવા માટે તાંત્રિકો પણ ભાતભાતના જીવોનો ગેરકાયદે ઉપયોગ કરે છે – આંતરાષ્ટ્રિય સ્તરે આ માટે નું નેટવર્ક ચાલે છે, જેમા રેડ સેન્ડ બો-આ નામનો સાપ બહું મોંઘી કિંમતનો ગણાય છે. ગુજરાતમાં આંધળી ચાકળ અને બે મોઢાવાળી બંબોઈથી જાણીતો આ સાપ ગીર આસપાસ જોવા મળે છે. તેની આંખો ત્વચાના રંગ જેવી જ હોય છે.

ગિરગઢડાના ઈટવાયામાંથી એક શખ્સ ૩ આંધળી ચાકળ સાથે ઝડપાયા બાદ વન વિભાગે તેની પૂછતાછમા આ શખ્સ વચેટીયો હોવાનું અને આ ત્રણેય સાપનો સુરતના કોઈ હસુ નામના શખ્સ સાથે ૭૫ લાખમાં સોદો કર્યો હોવાનું રટણ કરી રહ્યો છે. ગિર-ગઢડાના ઈટવાયામાં રહેતા અને પિતા સાથે ખેતીકામ કરતા જગદીશ મનુભાઈ વાડોદરિયાના ઘરમાં વન વિભાગે રેડ કરી ઘરના ફ્ળીયામાં ઓટલા પાસે બેરલ પાસે રાફ્ડાની માટીમાં રાખેલા ત્રણ બિન ઝેરી સાપ આંધળી ચાકળ  જપ્ત કર્યા હતા.

સાપની લંબાઈ ઓછી હોવાથી સોદો કેન્સલ થયો હતો

આ ત્રણેય સાપ જગદીશને અહીના કેટલાક શખ્સોએ પકડીને આપ્યા હતા, તે સાપ તેને સુરતના શખ્સને પહોચાડવાના હતા, પરંતુ સાપની લંબાઈ ઓછી હોવાથી એકવાર સોદો કેન્સલ થયો હતો, જેથી સાપને મોટા કરવા માટે જગદીશે ફ્ળીયામાં રાફ્ડાની માટી નાખીને તેમાં રાખ્યા હતા, ત્રણેય સાપમાં એકનો વજન એક કિલો, બીજાનો ૫૦૦ ગ્રામ અને ત્રીજા સાપનો વજન ૭૨૫ ગ્રામ છે.

સેક્સ પાવર વધારવા માટે અનેક દેશોમા ડિમાન્ડ

આ સાપને પકડવો એ અપરાધ છે પરંતુ સેક્સ પાવર વધારવા માટે તેની માંગ અને કિંમત ખૂબ ઊંચા હોવાથી દિલ્હી સહિતના શહેરોમાંથી પણ અગાઉ આ સાપ સાથે આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. નશીલા પદાર્થો, મોંઘા પરફયૂમ માટે પણ તેનો વપરાશ થાય છે. કેટલાક કિસ્સામાં આરોપીઓએ એવું જણાવ્યું કે કેન્સર દૂર કરવા માટે આ સાપ વપરાય છે. ઉપરાંત સ્કીન ઓઈનમેન્ટ સહિત અનેક પ્રકારના દર્દોમા તે વપરાય છે.