ગીતામંદિર-રાણીપ આવતી ૧,૧૦૦ STને શહેરમાં નો-એન્ટ્રી

ગીતામંદિર-રાણીપ આવતી ૧,૧૦૦ STને શહેરમાં નો-એન્ટ્રી

। ગાંધીનગર ।

મેગાસિટી અમદાવાદમાં શુક્રવાર રાતથી સોમવારે સવારના ૬ વાગ્યા સુધી કોરોના પ્રકોપને કારણે લગાવાયેલા કરફ્યૂને કારણે એસ.ટી. તંત્રએ ગીતામંદિર અને રાણીપ એસ.ટી. બસ મથકો ઉપરથી ઊપડતી અને આવતી ૧,૧૦૦ જેટલી બસો તાત્કાલિક અસરથી બંધ કરાઈ છે. જે બસો બહારથી અમદાવાદમાં આવી રહી છે તેના મુસાફરોને બહારના ડેપો નજીકના તથા રિંગરોડ ઉપરના ૧૦ પોઇન્ટ ઉપર ઉતારવામાં આવી રહ્યાં છે. આ પોઇન્ટ ઉપરથી ગીતામંદિર અને રાણીપ એસ.ટી. મથકોએ એસ.ટી. બસો આવવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. સંચારબંધી લાગુ છે ત્યાં સુધી અમદાવાદ આવતી તમામ બસોના મુસાફરોને નજીકના ડેપો જેવાં કે બારેજા, બાવળા, સાણંદ, કલોલ કે પછી એસપી રિંગ રોડ ઉપરના ૧૦ પોઇન્ટ ખાતે ઉતારી દેવામાં આવશે. આ બધા કામચલાઉ પાઇન્ટ્સ ખાતે એસ.ટી. તંત્રનો સ્ટાફ મુકાયો છે.

૭,૦૧૯ ટિકિટોમાં રૂ. ૧૫ લાખનું રિફંડ

કરફ્યૂને કારણે આ દિવસોમાં અમદાવાદથી પ્રવાસ માટે રિઝર્વેશન ધરાવતી ૭,૦૧૯ ટિકિટોમાં આશરે રૂ. ૧૫ લાખનું રિફંડ આપવા માટે ઓટો રિફંડની સિસ્ટમ કાર્યરત થઈ ચૂકી છે અને મોટેભાગે ૪૮ કલાકમાં રિઝર્વેશન ધારક પ્રવાસીઓના બેન્ક એકાઉન્ટમાં રિફંડ જમા કરી દેવાશે.