ગિરનાર રોપ-વે આગામી ગુજરાત સ્થાપના દિને PM મોદીના હસ્તે લોકાર્પણ કરવાની કવાયત

ગિરનાર રોપ-વે આગામી ગુજરાત સ્થાપના દિને PM મોદીના હસ્તે લોકાર્પણ કરવાની કવાયત

ભારતમાં સૌથી વધુ 2126.40 મીટરની લંબાઈ ધરાવતા ગિરનાર રોપ-વે માટે 1 મેં 2007માં વડાપ્રધાન મોદીએ ખાતમુર્હત કર્યું હતું, તે રોપ-વેની આગામી એપ્રિલ 2020માં કામગીરી પૂરી થવાની આશા ઈજનેરોએ વ્યક્ત કરી છે, અને સંભવત 1 મેં 2020 ગુજરાત સ્થાપના દિનના દિવસે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવા કવાયત ચાલી રહી છે. ત્યારે રાજ્ય સરકાર અને ઉષા બ્રેકો કંપની દ્વારા રોપ-વે ના અંતિમ કામની પુરજોશમાં કામગીરી ઉપાડવામાં આવી છે.

આ અંગે આજે રોપ-વે નું કામ કરી રહેલ ઉષા બ્રેકો કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ મનોજ પવાર અને રોપ-વે સાઈટના હેડ દિનેશ નેગીએ માહિતી આપી હતી કે, ભવનાથમાં ગિરનાર રોપ-વેના લોઅર સ્ટેશનથી અંબાજી અપર સ્ટેશન સુધીની 900 મીટરની ઉચાઇ છે. તેના માટે નવ તોતિંગ પોલ ઉભા કરવા જરૂરી હતા, તેમાંથી હાલ બે પોલ ઉભા કરી દેવામાં આવ્યા છે, જયારે બાકીના 7 પોલ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.

તેના માટે હાલ વિશ્વની સૌથી મોટી રોપ-વે બનાવતી ઓસ્ટ્રિયાની ડોપલમેર કંપનીના ટેકનીકલ ઈજનેર મિ,નિક્કી ભારત આવ્યા છે, હાલ તેઓ જાન્યુઆરી સુધી અહી રોપ-વે સાઈટ પર રોકશે અને રોપ-વેના અંતિમ કામગીરીના પોલ માટે માર્ગદર્શન આપી રહ્યા છે. આના માટે ઓસ્ટ્રિયાની કંપનીના ઈજનેર સહિતની 50ની ટીમ જેમાં ટેકનીકલ ઈજનેરો સહિતના નિષ્ણાંતો કામ કરી રહ્યા છે. તેઓના મત મુજબ આગામી એપ્રિલ-2020 સુધીમાં પોલની કામ પુરૂ થવાની આશા છે.

વધુમાં જણાવ્યું કે ગિરનાર રોપ-વે ની કામગીરીમાં અનેક મુશ્કેલી નડી હતી, જેમાં ખાસ કરીને ગિરનારનો વચ્ચેનો એક કિલોમીટરનો ભાગ (ટેરેન વિસ્તાર) ખુબ જ ઊંડો અને એક ખીણ જેવો છે, જેમાં સિંહ સહિત અનેક જંગલી પ્રાણીઓનો વસવાટ છે. જેને ધ્યાને રાખીને તે વિસ્તારમાં કામગીરી કરવા માટે અત્યંત ચોકસાઈ વાપરવી પડી છે અને નીચે ધ્યાન રાખીને કામ લેવામાં આવી રહ્યું છે.