ગરીબો માટે માત્ર પગથિયા, અમીરો માટે રોપ-વે, દોઢ વર્ષમાં કંપની કમાશે 150 કરોડ : MLA ભીખા જોષી

ગરીબો માટે માત્ર પગથિયા, અમીરો માટે રોપ-વે, દોઢ વર્ષમાં કંપની કમાશે 150 કરોડ : MLA ભીખા જોષી

જૂનાગઢમાં એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે શરૂ તો થઈ ગયો છે. રોપ-વેની સવારીનો જે ચાર્જ રાખવામાં આવ્યો છે તે જોતા રોપવે સામાન્ય માણસો માટે નહીં પણ ધનિકો માટેનું સાધન બની રહ્યું છે. તેવા આક્ષેપો પણ હવે થઇ રહ્યા છે. રોપવેનું સંચાલન કરતી કંપનીના દાવા મુજબ રોજ રોપવેના માધ્યમથી 8000 પ્રવાસીઓની અવરજવર થઇ શકશે. હાલ ટિકિટનો દર 700 રૂપિયા તેમજ બાળકો માટે સાડા ત્રણસો રૂપિયા છે. આ ટિકિટના દર તેમજ રોપ-વેની રોજની ક્ષમતા એટલે કે 8000ને બદલે રોજ ચાર હજાર પ્રવાસીઓ રોપ-વેમાં સફર કરશે તો રોજની 28 લાખ આવક થશે તે હિસાબ પ્રમાણે દોઢ વર્ષે દોઢસો કરોડની કંપનીને આવક થશે.

રોપ વેની રોજની ક્ષમતા 8000 પ્રવાસીઓને હેરફેર કરવાની છે આ ક્ષમતા કરતા રોજ અડધા પ્રવાસીઓ રોપ-વેમાં સફર કરશે તો દોઢ વર્ષે 150 કરોડની આવક થશે. અને રોપવે માટે કરાયેલ ખર્ચથી વધુ રકમ ઊભી થશે. ત્યારબાદ સરકારને ટેક્સની અને કંપનીને મુસાફરોના ટિકિટના મળેલા નાણાની કમાણી થશે. રોપ-વે શરૂ થવાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ હતો પરંતુ રોપ-વેમાં જવા માટેના ટિકિટના દર સાંભળી અનેક સામાન્ય લોકોનો ઉત્સાહ પર ઠંડું પાણી રેડાઈ ગયું હોય તેવી સ્થિતી થઈ ગઈ છે અને આ બાબતે કચવાટ પણ ફેલાયો છે.

રોપ વેની ટીકીટ લઇને જૂનાગઢના ધારાસભ્યો પણ મેદાનમાં આવ્યા છે અને ટિકિટના ભાવ ખૂબ જ વધારે હોવાથી સામાન્ય અને મધ્યમ વર્ગની પ્રજા અને પોસાય તેવા ભાવ નથી જેને લીધે આ ભાવવધારો નિયંત્રણમાં લાવી ત્રણસો કે ચારસો રૂપિયા ટિકિટ રાખવામાં આવે તેવું જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, દરેક લોકો રૂપિયાનો લાભ લઇ શકે અને તેની મજા પણ માણી શકે તે માટે તેઓએ આ અંગે રજૂઆત પણ કરી છે.