ગરીબી નાબૂદી માટે ગરીબોને મજબૂત બનાવવા જરૂરી : મોદી

ગરીબી નાબૂદી માટે ગરીબોને મજબૂત બનાવવા જરૂરી : મોદી

। નવી દિલ્હી ।

દેશમાંથી ગરીબી નાબૂદી માટે ગરીબોને વધુ મજબૂત બનાવવાની જરૂર છે તેમ પીએમ મોદીએ કહ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ગ્રામીણ હેઠળ તેમણે મધ્યપ્રદેશનાં ૧૨,૦૦૦ ગામમાં ૧.૭૫ લાખ પરિવારોને ઘરની ચાવી સોંપીને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. મોદીએ દાવો કર્યો હતો કે કોરોના સંકટ છતાં PMAY હેઠળ મકાનોને અડધા સમયમાં તૈયાર કરાયા હતા. ૧૨૫ દિવસને બદલે ૪૫થી ૬૦ દિવસમાં મકાનોનું કામ પૂરું કરાયું હતું. લોકડાઉન દરમિયાન જે મજૂરો હિજરત કરીને ઘરે ગયા હતા તેમનો પણ આમાં ફાળો હતો. ૨૦૨૨ સુધીમાં PMAY હેઠળ ૨ કરોડ ઘર બાંધવામાં આવશે. ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ અન્ય કામકાજો માટે રૂ. ૨૩,૦૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ અભિયાનને કારણે ગ્રામીણ રોજગારીને વેગ મળ્યો હતો. કોરોના સંકટમાં PMAY હેઠળ ઓછા સમયમાં ૧૮ લાખ મકાનો બાંધવામાં આવ્યા હતા.

એનડીએ સરકારે જૂની યોજનામાં ફેરફાર કરી મકાનોમાં નવી સુવિધાઓ ઉમેરી છે

મોદીએ કહ્યું કે આઝાદી પહેલાં પણ આવી યોજનાઓ અમલમાં હતી પણ તેમાં ગરીબો માટે કોઈ સુવિધાઓ ન હતી આથી કોઈ તેમાં રહેવા જતું ન હતું. એનડીએ સરકારે જૂની યોજનામાં ફેરફાર કરીને તેમાં નવી સુવિધાઓ ઉમેરી છે. પહેલાં સરકારની દખલ વધારે હતી અને પારદર્શકતાનો અભાવ હતો. અમે મકાનોનાં નિર્માણમાં ગરીબોને સામેલ કર્યા તેમની જરૂરિયાતો પૂછીને તે પ્રમાણે મકાનો બનાવ્યા છે. મકાનોની ગુણવત્તા સુધારી છે. હવે મકાનો માટે લોકોએ સરકાર પાસે જવું પડતું નથી. સરકાર સામેથી તેમને મકાનો આપવા જઈ રહી છે. PMAYમાં પારદર્શકતા આવી છે. તેમાં ગોટાળાને કોઈ અવકાશ નથી.

ઓપ્ટિકલ કેબલ ફાઇબર નેટવર્કથી ગામડાઓને જોડાશે

મોદીએ કહ્યું કે ગ્રામીણ વિકાસ માટે માળખાગત સુવિધાઓ પર ભાર અપાઈ રહ્યો છે. ૧,૦૦૦ દિવસમાં ૬ લાખ ગામડાઓને ઓપ્ટિકલ કેબલ ફાઇબરથી જોડવામાં આવશે. અગાઉ ૨.૫ લાખ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબરથી જોડવાનો લક્ષ્યાંક હતો. હવે ગામડાઓને જોડાશે. કોરોના કટોકટીમાં ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ થોડા દિવસોમાં જ દેશનાં ૧૧૭ જિલ્લામાં ૫,૦૦૦ કિ.મી ઓપ્ટિકલ ફાઇબર નાખવામાં આવ્યા છે. આનાથી ૧,૨૫૦ ગ્રામપંચાયતોમાં ૧૫,૦૦૦ વાઇફાઇ હોટસ્પોટ અને ૧૯,૦૦૦ ઓપ્ટિકલ ફાઇબર કનેક્શન અપાશે.