ગરીબાઈમાં ઉછરેલા ડૉ.નીતા પટેલ આજે USમાં બનાવી રહ્યા છે કોરોનાની રસી

ગરીબાઈમાં ઉછરેલા ડૉ.નીતા પટેલ આજે USમાં બનાવી રહ્યા છે કોરોનાની રસી

કોરોના (Corona) એ આખી દુનિયા (World)ને એક નવો પડકાર ફેંકયો છે. વેકસીનના ક્ષેત્રમાં રિસર્ચ કરી રહેલાં વૈજ્ઞાનિકો (Scientist) અને ડૉકટર્સ (Doctors) માટે આ એક મોટો સંઘર્ષ છે. દુનિયાભરમાં કોરોના વેક્સીન (Corona Vaccine)ને લઇ સતત રિસર્ચ ચાલી રહ્યું છે. કેટલીક કંપનીઓએ વેક્સીન બનાવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. તેમાંથી એક અમેરિકાની કંપની નોવાવેક્સ (Novavax) છે. ત્યારે આપણા ગુજરાતીઓ માટે એક ગૌરવની વાત છે કે નોવાવેક્સની ટીમને ગુજરાતી મૂળના 56 વર્ષના નીતા પટેલ લીડ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ રસી તૈયાર કતરવા માટે અમેરિકન સરકાર તરફથી નોવાવેક્સ કંપનીને 1.6 અબજ ડોલરની મસમોટી સહાય કરાઇ છે.

કોણ છે નીતા પટેલ

આણંદ જિલ્લાના સોજિત્રા ગામે જન્મેલાં નીતાબેન માંડ ચાર વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાને ટીબીનો રોગ થયો હતો. એક તબક્કે મોતના મુખમાં પહોંચી ગયેલા પિતાને આ રોગથી રીબાતા જોયા હતા. પરિણામ એ આવ્યું કે એમના પિતા ક્યારેય ફરીવાર કામે ચડી શક્યા નહીં અને પરિવાર ગરીબાઇમાં ધકેલાઈ ગયું. નાનપણમાં જ પિતાની કહેલી એક વાત નાનકડી નીતાએ ગાંઠે બાંધી લીધેલી કે મોટા થઇને ડૉક્ટર બનવું અને કોઈપણ ભોગે ટીબીની દવા શોધવી.

પરિવારની આર્થિક સ્થિતિ એવી ખરાબ કે રોજ ઉઘાડા પગે એકનાં એક કપડાં પહેરીને સ્કૂલે જવું અને બસના ભાડાના પૈસા પણ પાડોશી પાસેથી માગવા પડે. પરંતુ આ કઠણાઈઓ નીતા પટેલને તેમના ધ્યેય પરથી વિચલિત કરી શકયા નહીં. સરકારી શિષ્યવૃત્તિઓએ પણ તેમનો રાહ આસાન કરી આપ્યો. નીતાબેન વિશે કહેવાય છે કે તેમની યાદદાસ્ત ‘ફોટોગ્રાફિક’ છે. એટલે કે એમની આંખ સામે એક વાર કોઈ વાહનની નંબરપ્લેટ કે ટેલિફોન નંબર આવી જાય, એટલે એમના મગજમાં તે કાયમ માટે કોતરાઈ ગયો સમજો! આગળ જતાં એમણે એક નહીં, પણ બબ્બે વખત માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત કરી, એક ભારતમાં અને બીજી અમેરિકામાં. તે પણ અનુક્રમે એપ્લાઇડ માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજીમાં અને તેની સાથે જ સોજિત્રાના નીતા બની ગયા ડૉ. નીતા પટેલ.

નીતા પટેલે કોરોના મહામારીમાં કર્યું રાત-દિવસ કામ

આ વિનાશક વૈશ્વિક રોગચાળો ફેલાયા પછી લેબોરેટરી જ ડૉ. નીતા પટેલનું બીજું ઘર બની ગયું છે. પ્રેશર અને લગભગ આખો દિવસ ચાલતું કામ પણ તેમના પર અમુકથી વધારે સ્ટ્રેસ લાવી શકતું નથી. તેનું એક કારણ એ છે કે ગમે તેવા વ્યસ્ત શિડ્યુલમાં પણ તેઓ પોતાના ઘરમાં બનાવેલા મંદિરમાં પૂજા અને ધ્યાન કરવાનું ચૂકતાં નથી. તેમનો એકમાત્ર જીવનમંત્ર છે, ‘નથિંગ ઇઝ ઇમ્પોસિબલ’, કશું જ અશક્ય નથી. અત્યારે કોરોનાની વેક્સિન ફટાફટ લાવીને ‘વૈશ્વિક માર્કેટ’ કબજે કરવાની ગળાકાપ સ્પર્ધામાં પણ ડૉ. નીતા પટેલ એકદમ શાંતિ અને શિસ્તથી પોતાનું કામ કરે છે.

કોરોના વેક્સીન બનાવામાં મહિલાઓએ રચ્યો ઇતિહાસ

વેક્સીન બનાવાનો અત્યાર સુધીનો ઇતિહાસ પુરુષોના નામે રહ્યો છે. પરંતુ કોરોનાકાળમાં અસ્તિત્વમાં આવી રહેલ વેક્સીનની નવી ઇબારત લખવામાં મહિલાઓએ પરચમ લહેરાવ્યો છે. પછી તે મોડર્ના હોય કે ફાઇઝર/બાયોએનટેક કે નોવાવેક્સ તમામ કંપનીઓની રસીને મૂર્ત રૂપ આપવામાં મહિલા વૈજ્ઞાનિકોની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે.