ગમે ત્યારે આવી શકે છે અયોધ્યા ચુકાદો, સ્થિતિને પહોંચી વળવા તડામાર તૈયારી

ગમે ત્યારે આવી શકે છે અયોધ્યા ચુકાદો, સ્થિતિને પહોંચી વળવા તડામાર તૈયારી

। નવી દિલ્હી ।

અયોધ્યામાં ૨.૭૭ એકરના રામ જન્મભૂમિ ટાઇટલ કેસમાં સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચનો ચુકાદો ૧૭મી નવેમ્બર પહેલાં ગમે ત્યારે આવી શકે છે. અયોધ્યા, સબરીમાલા અને આરટીઆઇ સહિત મહત્ત્વના કેસોની સુનાવણી કરી રહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ ૧૭મી નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. તેથી તેમણે તેમના અનુગામી જસ્ટિસ એસ એ બોબડેને મહત્ત્વના કેસના લિસ્ટિંગની કામગીરી સોંપી દીધી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની નિવૃત્તિ આડે હવે માત્ર પાંચ કામના દિવસ બાકી બચ્યા છે. જસ્ટિસ બોબડેને જે રીતે મહત્ત્વના કેસના લિસ્ટિંગની કામગીરી સોંપી દેવાઇ છે તે જોતાં એમ લાગી રહ્યું છે કે, ભારતના સૌથી સંવેદનશીલ એવા અયોધ્યા કેસનો ચુકાદો ગમે ત્યારે આવી શકે છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે ૪૦ દિવસ સુધી દરરોજ સુનાવણી હાથ ધરીને ૧૬મી ઓક્ટોબરના રોજ કેસની સુનાવણી આટોપી લીધી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ તે સમયે જણાવ્યું હતું કે, કેસનો ચુકાદો લખવા માટે ઓછામાં ઓછા એક મહિનાનો સમય લાગશે. તેઓ ૧૭મી નવેમ્બરે નિવૃત્ત થઇ રહ્યા છે તેથી તે પહેલાં અયોધ્યા, આરટીઆઇ, સબરીમાલા અને રાફેલ ડીલ મહત્ત્વના કેસોમાં આગામી સપ્તાહમાં ચુકાદા આવી શકે છે.

પાંચ જજની બંધારણીય બેન્ચ ૨૦૧૦ના અલાહાબાદ હાઇકોર્ટે આપેલા ચુકાદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે. અલ્હાબાદ હાઇકોર્ટે નિર્મોહી અખાડા, સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને રામલલ્લાના પ્રતિનિધિઓ વચ્ચે સરખા હિસ્સે ૨.૭૭ એકરની વિવાદાસ્પદ જમીન વહેંચી આપી હતી.  તેથી હવે કેન્દ્ર સરકાર, ઉત્તરપ્રદેશ સરકાર સહિત વિવિધ રાજકીય પાર્ટીઓએ મોટા ચુકાદાના દિવસ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

૧૩,૧૪ અથવા ૧૫ નવેમ્બરે ચુકાદો આવવાની સંભાવનાસુપ્રીમ કોર્ટમાં હવે પાંચ કામના દિવસ બાકી રહ્યાં છે. તેથી ૧૩,૧૪ અથવા ૧૫ નવેમ્બરે ચુકાદો આવે તેવી સંભાવના છે. કો૪ટના કેલેન્ડર પર નજર નાખો તો હવે આ સપ્તાહમાં ૮ નવેમ્બર કામકાજનો દિવસ છે. ૯,૧૦,૧૧ અને ૧૨ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં રજા છે. ત્યારબાદ ૧૩,૧૪ અને ૧૫ નવેમ્બર સુપ્રીમ કોર્ટ કામ કરશે. ૮મીના રોજ ચુકાદો આવે તેવી સંભાવના હવે ઘણી ઓછી છે તેથી હવે ૧૩,૧૪ અથવા ૧૫ નવેમ્બરના કોઇપણ એક દિવસે અત્યંત સંવેદનશીલ કેસનો ચુકાદો આવે તેવી સંભાવના છે.

અયોધ્યા મુદ્દે બિનજરૂરી નિવેદનો ન આપવા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીઓને ચેતવણી આપી છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલાં અયોધ્યા મામલે બિનજરૂરી નિવેદનો આપવાથી તેઓ દૂર રહે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, અયોધ્યાના ચુકાદાને વિજય કે પરાજયની દૃષ્ટિએ જોવો જોઈએ નહીં. સત્તાધારી ભાજપે પણ તેના કાર્યકરો અને પ્રવક્તાઓને ઉશ્કેરણીજનક નિવેદનોથી દૂર રહેવા સૂચના આપી છે. પાર્ટીએ ચુકાદાના દિવસે પોતાના સાંસદોને તેમના મતવિસ્તારમાં રહેવા તાકીદ કરી છે.

અયોધ્યા પર વલણ નક્કી કરવા રવિવારે કોંગ્રેસની બેઠક

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પાર્ટીના વલણ પર નિર્ણય કરવા રવિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસનું સત્તાવાર વલણ રહ્યું છે કે, તે અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન રહેશે. સુપ્રીમના ચુકાદાનો દરેકે સ્વીકાર કરવો જોઈએ અને સરકારે ચુકાદાનો અમલ કરવો જોઈએ.

૧૯૯૦ પછી પહેલીવાર વિહિપની કાર્યશાળામાં પથ્થરની કોતરણી પર રોક

સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે તે પહેલાં ૧૯૯૦ પછી પહેલીવાર અયોધ્યામાં આવેલી વિહિપની કાર્યશાળામાં પથ્થરની કોતરણીનું કામ સ્થગિત કરી દેવાયું છે. વિહિપના પ્રવક્તા શરદ શર્માએ જણાવ્યું હતું કે, તમામ હસ્તકારીગરોને તેમના ઘેર પરત મોકલી દેવાયં છે. વિહિપની ટોચની નેતાગીરી દ્વારા કામકાજ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.

ચુકાદા માટે કેવા પ્રકારની તૈયારીઓ

૧. યુપીના આંબેડકરનગર જિલ્લામાં વિવિધ કોલેજોમાં આઠ હંગામી જેલ ઊભી કરાઈ

૨. એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને સ્થાનિક ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ અયોધ્યામાં તહેનાત કરાયા

૩. યુપી સરકારે ૩૦ નવેમ્બર સુધી તમામ ૭૫ જિલ્લામાં પોલીસ અને વહીવટી વિભાગના તમામ ફિલ્ડ ઓફિસરની રજાઓ રદ કરી

૪. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એજન્સીઓની ચાંપતી નજર, કોમી એખલાસ ડહોળવાના કોઈપણ પ્રયાસ સામે નેશનલ સિક્યુરિટી એક્ટ લાગુ કરાશે

૫. મહારાષ્ટ્ર સાયબર પોલીસે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક સામગ્રી અટકાવવા વિશેષ ટીમની રચના કરી

૬. મુસ્લિમ ધર્મગુરુઓએ મસ્જિદોના ઇમામોનો સંપર્ક કરી ચુકાદા બાદ કોમી શાંતિ જાળવી રાખવા અપીલ કરી

૭. ચુકાદો આપનારા ન્યાયાધીશોનાં નિવાસસ્થાનો પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ

૮. વિશ્વ હિંદુ પરિષદ અને રામ જન્મભૂમિ ન્યાસે અયોધ્યા સ્થિત કાર્યશાળામાં પથ્થરોનું કોતરણીકામ સ્થગિત કર્યું

૯. ભાજપ, સંઘના નેતાઓએ મુસ્લિમ વિદ્વાનો સાથે બેઠક કરી ગમે તે ચુકાદો આવે પરંતુ ઉજવણીઓથી દૂર રહેવા પર ભાર મૂક્યો

૧૦. કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા એડવાઇઝરી જારી કરી

૧૧. કેન્દ્ર સરકારે અયોધ્યામાં ૪૦૦૦ અર્ધલશ્કરી દળોના જવાનો તહેનાત કર્યા