ગન કલ્ચર અમેરિકા માટે બન્યુ માથાનો દુખાવો, તેના લીધે આ વર્ષે 38,000 લોકોએ જીવ ગુમાવ્યા

ગન કલ્ચર અમેરિકા માટે બન્યુ માથાનો દુખાવો, તેના લીધે આ વર્ષે 38,000 લોકોએ જીવ ગુમાવ્યા

  • મનુષ્યવધ, હત્યા કે ભૂલથી થયેલા શૂટિંગનો ભોગ બનનારાઓની સંખ્યા 14,970 છે
  • હથિયારોથી 11 વર્ષથી નાની વયના 207 બાળકોએ જીવ ગુમાવ્યા ,473 બાળકો ઈજાગ્રસ્ત થયા 
  • વર્ષ 2019માં આત્મહત્યા કરનારની સંખ્યા 23,760 જેટલી છે

વોશિંગ્ટનઃ અમેરિકા માટે વ્યક્તિગત ઉપયોગ માટે રાખવામાં આવતા ઘાતક હથિયારો ખાસ કરીને બંદૂક મોટા જોખમ તરીકે ઉભરી આવ્યા છે. દેશમાં ઈરાદાપૂર્વક કે ભૂલથી થયેલા આ હથિયારોના ઉપયોગને લીધે મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે.

અમેરિકામાં ગન કલ્ચરને લીધે વર્ષ 2019 દરમિયાન 38,000 કરતાં વધારે લોકોના મોત થયા છે, તેમ ગન વાયોલેન્સ આર્કાઈવ (GVA) નામની એક NGO એ તેના અહેવાલમાં જણાવ્યું છે.

સમગ્ર દેશમાં બંદૂકથી આચરવામાં આવેલી હિંસા નોંધનારી GVAએ હર્થિયારોથી 38,730 લોકોના મૃત્યુ થયા હોવાનું ટાંક્યુ છે. મનુષ્યવધ, હત્યા અથવા ભૂલથી થયેલા શૂટિંગનો ભોગ બનનારાઓની સંખ્યા 14,970 છે, જે અગાઉના વર્ષ એટલે કે વર્ષ 2018માં 14,789 જેટલી હતી.

આ ઉપરાંત વર્ષ 2019માં આત્મહત્યા કરનારની સંખ્યા 23,760 જેટલી છે. આ સંગઠને વર્ષ 2018માં હથિયારોથી થયેલા મૃત્યુ અંગે કોઈ આંકડાકીય માહિતી આપી નથી. હથિયારોને લીધે 11 વર્ષથી નાની ઉંમરના 207 બાળકોએ જીવ ગુમાવ્યા છે અને 473 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. છેલ્લા એક વર્ષમાં 12થી 17 વર્ષની વય ધરાવતા 762 બાળકો મૃત્યુ પામ્યા છે અને 2,253 બાળકોને ઈજા પહોંચી હતી.વર્ષ 2019માં 409 સામૂહિક શૂટિંગ અને 30 જેટલી સામૂહિક હત્યા થઈ હતી, GVA એ આ પ્રકારની ઘટના ચાર અથવા વધારે લોકો ઈજા અથવા મૃત્યુ પામ્યા હોય તેને સામાહિક ઘટના તરીકે ગણાવી છે.

આ ઘટનાઓમાં હથિયારો ઉપરાંત ઘરેલુ ઝઘડા, ગેંગ હિંસા, લૂંટ અને ભૂલથી હથિયારના ઉપયોગનો સમાવેશ થતો હતો. લોઈસિયાના, મિસિસિપ્પી, ફ્લોરિડા, આલબામા, જ્યોર્જીયા અને દક્ષિણ કેરોલિના જેવા વિસ્તારોમાં બંદૂકને લીધે સૌથી વધારે મૃત્યુ થયા હતા. જ્યારે નોર્થ કેરોલિના, વર્જીનિયા, વેસ્ટ વર્જીનિયા, મેરીલેન્ડ, કોલમ્બિયા, પેન્સીલિવેનિયા, ડેલાવેર અને ન્યુ યોર્કમાં પણ આ પ્રકારની ઘટના નોંધાઈ હતી.