ક્રૂર મજાક / કોરોના દર્દીના મૃત્યુના 5 દિવસ પછી પાલિકાએ પુછ્યું ‘તબિયત કેમ છે?’

ક્રૂર મજાક / કોરોના દર્દીના મૃત્યુના 5 દિવસ પછી પાલિકાએ પુછ્યું ‘તબિયત કેમ છે?’

  • મનપા કર્મીએ બે-બે વખત ફોન કરીને મૃતકના હાલ પૂછ્યા
  • સિવિલમાં સારવાર વેળા પાણી પણ ન મળ્યાનો પરિવારનો આક્ષેપ

સુરત. કોરોના મહામારી વચ્ચે પણ સુરત મહાનગરપાલિકા કર્મીઓ હોસ્પિટલો સાથે સંકલન કેળવવામાં નિષ્ફળ રહ્યાં હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પાંચ દિવસ પહેલાં અમરોલીના ઇશ્વર પટેલને કોરોના ભરખી ગયો હોવા છતાં પાલિકા કર્મીઓએ તેમની તબીયત પુછવા ઘરે ફોન કર્યાં હતાં. તંત્ર કેટલી લાપરવાહી કરી રહ્યું હોવાની હકીકતો એક પછી એક સામે આવતાં ભારે આક્રોશ ફેલાયો છે.અમરોલીની કૃષ્ણનગર સોસાયટી ખાતે રહેતાં 38 વર્ષીય ઇશ્વરભાઇ પટેલને ગઇ 27મી જુલાઇના રોજ કોરોના પોઝિટિવ આવતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. ટુંકી સારવારના અંતે તેમનું 2જી ઓગસ્ટના રોજ અવસાન થયું હતું.

બીજા સાથે આવું ન થાય તેવી કાળજી લેવા માંગ કરી હતી
જોકે સુરત મહાનગરપાલિકા દ્વારા પાંચ દિવસ બાદ ગુજરી ગયેલાં ઇશ્વર ભાઇની તબિયત પુછવામાં આવી હતી. શુક્રવારે મનપા કર્મી રાજેશભાઇ મિસ્ત્રીએ સ્વ. ઇશ્વર પટેલના પુત્ર ભાવિનને ફોન કરી ‘હવે તબિયત કેવી છે? જેવો પ્રશ્ન કરતાં જ પરિવારજનો સ્તબદ્ધ રહી ગયાં હતાં. અવસાન પછી બે વખત આ રીતે ફોન આવતાં પરિવારજનોમાં આક્રોશ પણ ફેલાયો હતો. આ અંગે પુત્ર ભાવિને આ લાપરવાહીઓના કારણે જ પિતા મોતને ભેંટ્યા હોવાનો આક્ષેપ કર્યોં હતો. સાથે જ સિવિલ હોસ્પિટલની પણ લાપરવાહીઓ ગણાવી હતી. ભાવિને કહ્યું કે, સારવાર દરમ્યાન પિતાએ રાત્રે 3 વાગ્યે ઘરે ફોન કરી જણાવ્યું કે, સ્ટાફ પાસે રાતે 12 વાગ્યાથી પાણી માંગુ છું પણ હજુ કોઇએ પાણી આપ્યું નથી. ભાવિને તંત્રની લાપરવાહીઓ ઉપર ઘેરો શોક વ્યક્ત કરી બીજા સાથે આવું ન થાય તેવી કાળજી લેવા માંગ કરી હતી. ( Source – Divyabhaskar )